- Gujarat
- ગુજરાતમાં મનોવિજ્ઞાનના અગ્રણી પ્રોફેસર ડો. બી.એ. પરીખનું અવસાન
ગુજરાતમાં મનોવિજ્ઞાનના અગ્રણી પ્રોફેસર ડો. બી.એ. પરીખનું અવસાન
10 ઓક્ટોબર, આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ દિવસને આપણે ખૂબ જ અગત્યનો માની શકીએ. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગુજરાતમાં તો ખરું જ, પરંતુ દેશભરમાં પણ જેમનું નામ અગ્રણી હરોળમાં લઈ શકાય તેવા ડૉ. બી. એ. પરીખ (ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ), BAP (બાપ) એ આજના જ દિવસે પોતાનો દેહ છોડ્યો. આવું કહીએ એ જ પરીખને ગમે. સ્વર્ગે સીધાવ્યા, શ્રીજી ચરણ પામ્યા એવું કદાચ એમને ન ગમે. એટલે હવે પરીખ સાહેબને યાદ રાખવા માટે આ દિવસ પણ એક નિમિત્ત બનશે.
મૂળ ઉમરેઠના વતની, અમદાવાદની ગુજરાત કૉલેજની હોસ્ટેલમાં રહીને તેમણે સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. તેમની સાથે વારંવાર થયેલી વાતચીતમાં જાણ્યા મુજબ, મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરનાર શરૂઆતના વિદ્યાર્થીઓમાંના તેઓ એક હતા. ત્યારે મનોવિજ્ઞાનનાં પુસ્તકો પણ પ્રાપ્ત ન હતાં.
સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ ગુજરાત કૉલેજની હોસ્ટેલમાં રહીને કર્યા બાદ તેઓ તરત જ જામનગર નજીકની અલિયાબાડાની કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. લગભગ 22-23 વર્ષની ઉંમરે ત્યાં એકાદ વર્ષ નોકરી કર્યા બાદ, ત્યારે 40 વર્ષ જૂની સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ (સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત)માં તેઓ 1954-55માં અધ્યાપક તરીકે જોડાયા.
અધ્યાપક તરીકે જોડાયા ત્યારે મનોવિજ્ઞાન વિષય એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં ગૌણ અથવા તો માઇનોર ટ્રેક તરીકે ભણાવવામાં આવતો હતો. પરંતુ ત્યારના આચાર્ય સાથે વાત કરીને તેમણે કહ્યું કે જો આ કૉલેજમાં જ મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે શરૂ કરવામાં આવે તો તેઓ અહીં રહેશે, નહીં તો તેમને આ વિષય જ્યાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ભણવા મળે ત્યાં જવું પડશે. આ પ્રમાણે લગભગ 1956-57માં સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયને મુખ્ય વિષય તરીકે શરૂ કરાવનાર અને તેના પ્રથમ વિભાગ અધ્યક્ષ બનનાર તેઓ હતા. 1983 સુધી તેમણે વિભાગ અધ્યક્ષ સાથે એનસીસીના કમાન્ડર, ગર્લ્સ હોસ્ટેલના રેક્ટર અને કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ કાર્ય કર્યું.
ડૉ. પરીખ સાહેબને 1983માં ડૉ. કે. સી. મહેતા સાહેબની નિવૃત્તિ પછી સોસાયટીએ કૉલેજના આચાર્ય બનાવ્યા અને 1991 સુધી પરીખ સાહેબે આચાર્ય તરીકે સુંદર રીતે કાર્ય કર્યું. સાથે સાથે યુનિવર્સિટીની જુદી જુદી કમિટીઓમાં સેનેટ, સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ વગેરેમાં પણ કાર્ય કર્યું.
1991થી 1996 એમ બે ટર્મ માટે ડૉ. બી. એ. પરીખ સાહેબને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (હાલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)ના કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જે દરમિયાન પણ યુનિવર્સિટીના સુપેરે સંચાલન માટે પરીખ સાહેબે દૃઢ ઇચ્છાશક્તિથી અમુક નિર્ણયો લીધા. 1996માં તેઓ ત્યાંથી જ નિવૃત્ત થયા, પરંતુ (રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ) નિવૃત્તિમાં પણ સતત પ્રવૃત્ત રહ્યા.
પરીખ સાહેબની કેટલીક બાબતોનો ઉલ્લેખ અહીં ન કરીએ તો અયોગ્ય ગણાશે. પરીખ સાહેબે વૈજ્ઞાનિક મિજાજ (સાયન્ટિફિક ટેમ્પર)નો સામાન્ય નાગરિકોમાં વિકાસ કરવા માટે સુરતમાં પોતાની નોકરી દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેમણે પોતાના સહકાર્યકરો અને સાથી મિત્રો સાથે સત્યશોધક સભા શરૂ કરી, જેનું કાર્ય આજે પણ સુરતમાં થોડા-ઘણા અંશે ચાલુ છે.
સાહેબે મનોવિજ્ઞાન વિષયની ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા કરી. તેમણે ગુજરાતના મનોવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ માટે મુખ્ય કાર્ય અંગ્રેજી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું કર્યું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ સાથે મળીને તેમણે મોટાભાગનાં પુસ્તકો ગુજરાતીમાં પ્રકાશિત કર્યાં. આજે મારી આગળની, મારા જેવી અને મારા પછીની પેઢી ગુજરાતી પુસ્તકો વાંચીને આગળ વધી છે, તે પરીખ સાહેબનું પ્રદાન ગણાવી શકાય.
મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને સંપ્રદાયો, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન જેવા અનેક પુસ્તકોના પ્રકાશન અને તેમની અનેક આવૃત્તિઓના પ્રકાશનમાં પરીખ સાહેબનો સિંહફાળો રહ્યો.
હમણાં થોડા સમય પહેલાં જ ભારતીય મનોવિજ્ઞાન વિષયનું એક પુસ્તક તેમણે મારી પાસેથી વાંચવા માટે માગ્યું અને તેમાં કેટલીક બાબતોની નોંધ તેમણે કરી. જ્યારે હું પુસ્તક લેવા માટે ગયો ત્યારે તેમણે કહ્યું કે હવે પછી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને સંપ્રદાયોનું જે પુસ્તક ફરીથી પ્રગટ થશે, તેમાં આ બાબતો સામેલ કરાવીશ. 92 વર્ષની ઉંમરે પણ તેમનામાં આ સ્વીકાર્યતા, કાર્યક્ષમતા અને પરિવર્તનશીલતા જોવા મળતી.
પરીખ સાહેબ નેશનલ સાયન્સ કૉંગ્રેસના આજીવન સભ્ય હતા અને 1972થી 2018-19 સુધીની લગભગ બધી જ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે સતત જતા. એક સમયે તો ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના મનોવિજ્ઞાન વિભાગના તેઓ અધ્યક્ષ પણ હતા.
પરીખ સાહેબનો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ સાથે એક અલગ જ પ્રકારનો સંબંધ કે જોડાણ હતું. તેઓ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ પણ રહ્યા અને કૉલેજના કોઈપણ પ્રસંગ કે કાર્યક્રમમાં તેમને આવવાનું હંમેશાં ગમતું.
બે વર્ષ પહેલાં જ્યારે કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય તરીકે મને કાર્યભાર સોંપવામાં આવ્યો ત્યારે ચાર્જ લેતી વખતે પણ પરીખ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને મને આચાર્યની ખુરશીમાં બેસાડ્યો હતો.
મારા જીવનમાં લેખક તરીકેનો જે વિકાસ થયો કે મેં જે કાર્ય કર્યું, તેમાં પરીખ સાહેબની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી. તેમણે 2004માં મને ધોરણ 11 અને 12નાં પુસ્તકો લખવા માટે પાઠ્યપુસ્તક મંડળમાં લેખનકાર્ય માટે જોડ્યો અને ત્યારબાદ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાનાં અનેક પુસ્તકોમાં તેમની સાથે સહલેખક તરીકે કાર્ય કર્યું.
પરીખ સાહેબ શિસ્તના અને નિયમોના ચુસ્ત આગ્રહી હતા. કૉલેજમાં અધ્યાપક, આચાર્ય અને યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્ય દરમિયાન તેઓ શિસ્ત બાબતે ખૂબ જ સક્રિય રહ્યા. પરંતુ એટલા જ વિદ્યાર્થીહિતનો વિચાર કરનારા પણ હતા.
આજના દિવસે પરીખ સાહેબને યાદ કરીને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આવનારાં વર્ષોમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું બનાવવામાં પ્રદાન આપવાના સંકલ્પ સાથે આપણે પરીખ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ.
-ડો. રૂદ્રેશ વ્યાસ

