વરસાદ બન્યો વિલન: કમોસમી વરસાદે ગુજરાતના આ જિલ્લાઓના ખેડૂતોને રડાવ્યા, તૈયાર પાકોમાં નુકસાનની ભીતિ

ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે. જેને કારણે ખેડૂતોના માથે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને વરસાદના હિસાબે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વર્ષ કપરું સાબિત થયું છે. પહેલા વરસાદની ઘટ અને હવે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોળી કરી નાખી છે. તેમના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેવા જેવી સ્થિતિ સર્જી છે.

અકીલા ન્યૂઝના અહેવાલ મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં અચાનક ભારે પલટો જોવા મળ્યો હતો. આજે 1 નવેમ્બરે તાલાલા શહેર તેમજ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને ચોમાસાની સત્તાવાર વિદાય પણ થઈ ચૂકી છે, ત્યારે કમોસમી વરસેલો આ વરસાદ અન્નદાતા ખેડૂતો માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યો છે.

તાલાલા શહેર સહિત સમગ્ર ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ દરમિયાન આકાશમાં વીજળીના ભારે કડાકા-ભડાકા પણ જોવા મળ્યા હતા. તાલાલા તાલુકાના આંકોલવાડી, આંબળાશ, બામણશા, હડમતીયા, માધુપુર, વાડલા, ગુંદરણ અને પીપળવા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે.

GSTVના અહેવાલ મુજબ, જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં સાંજના સમયે અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ મેંદરડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ખાસ કરીને, સત્તાવાર ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં મેંદરડામાં વરસાદ વરસ્યો હતો. વરસાદના એક ઝાપટાથી જ રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અચાનક ત્રાટકેલા આ માવઠાને કારણે ખેતરોમાં તૈયાર થઈને ઊભેલા પાકને નુકસાન પહોંચવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે અને તેઓ પોતાના પાકને બચાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે.

unseasonal rain
bbc.com

BBC ગુજરાતીના અહેવાલ મુજબ, અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતા કુવા અને બોરમાંથી માંડમાંડ પાણી પાઈને તેમણે મગફળીનો પાક બચાવ્યો હતો, પણ શુક્રવારે અચાનક સાંજે વાવાઝોડું અને પોણા બે ઇંચ જેટલો વરસાદ પડવાથી ખેતરમાં બધું ખેદાનમેદાન થઈ ગયું છે.

વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો છે. જેનાથી મગફળી કાળી પડી ગઈ છે અને ડૅમેજ થવાને કારણે તેના ભાવ ઓછા મળે એવી ભીતિ છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે, ખેડૂતોએ 4 મહિનાની સખત મહેનત અને મુશ્કેલીઓ બાદ પાક તૈયાર કર્યો હતો, ત્યારે કુદરતી આફતના આ સમયે સરકારે રાહત પૅકેજ કે સહાયની જાહેરાત કરવી જોઈએ.

અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત બિપિનભાઈ સોજિત્રાએ કહ્યું કે, દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો એમાં અમારે ઢોરનો ચારો બગડી ગયો અને માંડવી કાળી પડી ગઈ. આમાં અમારે હવે શું કરવું? વરસાદમાં પાકના પાથરા પલળી ગયા, જે હવે મજૂર પાસેથી ભેગા કરાવ્યા છે. માંડવી કાળી પડવાને કારણે સામાન્ય રીતે મળતા ભાવમાં પ્રતિ મણ 100-150 રૂપિયાનો ઘટાડો થઈ જાય છે.

ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની સમસ્યા વધારી છે. શુક્રવાર- શનિવારે વરસેલા વરસાદને કારણે ઘણા ખેડૂતોનાં ખેતરોમાં તૈયાર થયેલો પાક ભીનો થઇ ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તૈયાર પાક વરસાદમાં ભીનો થઇ જતા ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

દેવભૂમિ દ્વારકાના દુધિયા ગામના ખેડૂત પરેશ કાંબરિયાએ કહ્યું કે, આ વખતે અમારા દ્વારકા જિલ્લામાં ચોમાસામાં સાવ ઓછો વરસાદ પડ્યો હતો. તેમાં અમારો મગફળીનો પાક માત્ર ચારો બનીને રહી ગયો હતો, પરંતુ હવે મગફળીના પાકનો આ ચારો પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયો છે. ખૂબ નુકસાન થયું છે. તેમજ ભારે પવનને કારણે પતરા ઊડી ગયા અને ઘણા વીજ પોલ પણ પડી ગયા છે. જેના કારણે, ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓને મોટા પાયે નુકસાન થયું છે.

દેવભૂમિ દ્વારકાના રાજપરા ગામના એક ખેડૂત પબાભાઈ સુવાએ જણાવ્યું કે, અહીં વરસાદને લીધે પશુઓ માટેનો ચારો પણ નષ્ટ થઈ ગયો છે. પવનની ગતિ, કરા અને વરસાદને કારણે આ નુકસાની થઈ છે. સરકારને અમે અપીલ કરીએ છીએ કે સર્વે પ્રમાણે યોગ્ય સહાય કરીને અમારાં પશુઓ સામે જોવામાં આવે.

unseasonal rain
bbc.com

રાજકોટના ધોરાજીના જિતુભાઈ નામના એક ખેડૂત માવઠાને કારણે થયેલા નુકસાનથી આક્રોશિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં પહેલાં વરસાદ ખેંચાયો હતો. તેમ છતાં, ખેડૂતોએ ગમે તેમ પાણીની ગોઠવણ કરીને પોતાનાં ખેતરોમાં પાક તૈયાર કર્યો હતો. પણ શુક્રવારે પડેલા માવઠાને કારણે આ પાક જમીનદોસ્ત થઈ ગયો છે, આખો પાક ભીનો થઇને સડી ગયો છે. પશુઓનો ચારો પણ નથી રહેવા દીધો. દર વીઘે આના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થશે, જો સોયાબીનનો પાક હશે તો વીઘે 8-9 હજાર રૂપિયાની, મગફળી હશે તો વીઘે 18-20 હજાર રૂપિયા અને કપાસ હશે તો 16-17 હજાર રૂપિયાની નુકસાની આવશે. અમારી માગ છે કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની માફક ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગત 31 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો, જેના પગલે કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. એક તરફ જિલ્લામાં પહેલેથી જ દુષ્કાળ જેવું સંકટ છે, ત્યારે અચાનક આવેલા આ માવઠાએ જગતના તાતની રહીસહી આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે, જેના કારણે ખેડૂત આલમમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કર્યો હતો. તેમાં સરકારે ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હેક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવાની વાત કરી હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે. સરકારે જાહેરાત કરી હતી કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.

unseasonal rain
gemini.google.com

દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી VB-G RAM G યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ 1 નવેમ્બરથી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ.   

તો હવે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લોધો હોય તેવો ઘાટ સર્જ્યો છે. દેવભૂમિ દ્વારકા, અમરેલી અને રાજકોટના કેટલાક પંથકોમાં પાછલા અમુક દિવસો દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઓછા વરસાદવાળી આ સ્થિતિમાં જે પાક થયો હતો તેમાં પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

About The Author

Related Posts

Top News

વરસાદ બન્યો વિલન: કમોસમી વરસાદે ગુજરાતના આ જિલ્લાઓના ખેડૂતોને રડાવ્યા, તૈયાર પાકોમાં નુકસાનની ભીતિ

ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે. જેને કારણે ખેડૂતોના માથે જાણે કે આભ...
Gujarat 
વરસાદ બન્યો વિલન: કમોસમી વરસાદે ગુજરાતના આ જિલ્લાઓના ખેડૂતોને રડાવ્યા, તૈયાર પાકોમાં નુકસાનની ભીતિ

હરદીપસિંહ પુરીથી વધુ અમીર છે પત્ની લક્ષ્મી પુરી, સ્વિટ્ઝર્લેન્ડમાં 34 કરોડનો ફ્લેટ અને નોઈડામાં...

કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હરદીપ સિંહ પુરીના પત્ની લક્ષ્મી પુરી, તેમના પતિ કરતા...
Politics 
હરદીપસિંહ પુરીથી વધુ અમીર છે પત્ની લક્ષ્મી પુરી, સ્વિટ્ઝર્લેન્ડમાં 34 કરોડનો ફ્લેટ અને નોઈડામાં...

મારુતિએ 1 મહિનામાં 2,76,120 કાર વેચી બનાવ્યો રેકોર્ડ, જાણો કંઈ કાર સૌથી વધુ વેચાઈ

ભારતીય કાર બજારમાં મારુતિ સુઝુકીનું પ્રભુત્વ ફરી એકવાર જોવા મળી આવ્યું છે. કંપનીએ ઓક્ટોબર 2026માં અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણ...
Tech and Auto 
મારુતિએ 1 મહિનામાં 2,76,120 કાર વેચી બનાવ્યો રેકોર્ડ, જાણો કંઈ કાર સૌથી વધુ વેચાઈ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મહિલા શિક્ષિકાને સરકારે 'સફાઈ કામદાર' કેમ બનાવી દીધા

કેરળની K.R. ઉષા કુમારી એક એવી શિક્ષિકા છે, જેમનું સમર્પણ એક ઉદાહરણ બની ગયું છે. તેમણે તિરુવનંતપુરમ જિલ્લાના અગસ્થ્યમલાઈ...
Education 
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મહિલા શિક્ષિકાને સરકારે 'સફાઈ કામદાર' કેમ બનાવી દીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.