- Gujarat
- રાજુલાની ગુમ થયેલી નેહાનો વીડિયો વાયરલ: 'મેં મરજીથી મુહિસ સાથે નિકાહ કર્યા છે, અમને કંઈ પણ થયું તો.....
રાજુલાની ગુમ થયેલી નેહાનો વીડિયો વાયરલ: 'મેં મરજીથી મુહિસ સાથે નિકાહ કર્યા છે, અમને કંઈ પણ થયું તો...
અમરેલી જિલ્લાના રાજુલામાં છેલ્લા 10 દિવસથી ગુમ થયેલી યુવતી નેહા પરમારના મામલે એક નવો અને સનસનીખેજ વળાંક આવ્યો છે. સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી નેહાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી પોતે સુરક્ષિત હોવાનું અને મુહિસ ફિરાણી નામના યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરી લીધા હોવાની કબૂલાત કરી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ જાગી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રાજુલાની રહેવાસી નેહા પરમાર અંદાજે 10 દિવસ પહેલા સુરત ખાતે બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતા અને તે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ પોલીસ મથકમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સ્થાનિક સંગઠનોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં નેહાએ દાવો કર્યો છે કે તે છેલ્લા ચાર-પાંચ વર્ષથી મુહિસ સાથે રિલેશનશિપમાં હતી અને તેના પરિવારને આ અંગે છેલ્લા એક વર્ષથી જાણ હતી. તેણે પરિવાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પરિવારને ખબર હોવા છતાં મને ત્રણ-ચાર મહિના સુધી ઘરમાં પૂરી રાખવામાં આવી હતી અને બહાર જવા દેતા નહોતા. મને ઘરમાં ખૂબ ટોર્ચર કરવામાં આવતી અને મારપીટ પણ કરવામાં આવતી હતી. જો મને મારા પતિ મુહિસને કે મારા સાસરી પક્ષને કોઈ પણ તકલીફ પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પિયર પક્ષની રહેશે.
નેહાએ કહ્યું કે, હાલ આ મુદ્દો વધારે ઉગ્ર બને તે પહેલા જ હું કહેવા માંગુ છું કે આ મારા અંગત જીવનનો વિષય છે. હું આમાં ખુશ છું. કોઈએ મારા અંગત જીવનમાં દખલ દેવાની જરૂર નથી. અમે બંને લોકો ખુશ છીએ, જેથી તમામને એવી અપીલ કે અમને શાંતિથી જીવવા દો
વીડિયોમાં યુવતીની સાથે દેખાતા મુહિસે પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું કે, અમે ત્રણ મહિના પહેલા જ લગ્ન કરી લીધા છે અને અમે ખૂબ ખુશ છીએ. હિન્દુ પરિષદ, બજરંગ દળ કે કોઈ પણ રાજકીય નેતાઓને વિનંતી છે કે અમને ખોટી રીતે હેરાન ન કરે. અમે જે કંઈ કર્યું છે તે અમારી મરજીથી કર્યું છે.
https://twitter.com/nirbhaynews1/status/2035618980023701722
યુવતી સાથે લગ્ન કરનાર મુહિસે વીડિયોમાં કહ્યું કે, અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને પણ ખબર હતી. ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ પણ રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ મારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે એ અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કંઈ ઓલું કરીને નથી આવ્યા.અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા ત્રણ મહિનાથી સાથે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને અમારી રીતે જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ.
22.jpg)
રાજુલામાં એક જ અઠવાડિયામાં હિન્દુ સમાજની ચાર દીકરીઓ ગુમ થવાની કે અન્ય જ્ઞાતિના યુવકો સાથે જવાની ઘટનાઓને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. કેટલાક સંગઠનો તેને 'લવ જેહાદ'ના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
બીજી તરફ, પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ તેજ કરી છે. પોલીસ હાલ વાયરલ થયેલા વીડિયોની સત્યતાની તપાસ કરી રહી છે. યુવતી ખરેખર સુરક્ષિત છે કે કેમ અને તે કોઈના દબાણમાં તો નથી ને, તે ચકાસવા માટે તેનું પ્રત્યક્ષ નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે.

