- Gujarat
- AAPના સહ-પ્રભારીનું રાજીનામું, AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી
AAPના સહ-પ્રભારીનું રાજીનામું, AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ખૂબ જ સક્રિય રહી છે. અને ગુજરાતની પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરથી જીત મળતા પાર્ટીમાં હજી વધારે ઉત્સાહનું સર્જન થયું છે, પરંતુ સાથે-સાથે AAP પર આરોપ પણ લાગી રહ્યા છે. મોરબી પણ કંઇક આવું જ થયું.
મોરબીના રવાપર રોડ પર AAPની પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ AAPના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે ગંભીર આક્ષેપો લગાવતા રાજીનામું ધરી દીધું. તેમણે AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવતા, મોરબીનું રાજકારણ ગરમાઈ ગયું છે.
AAPના સહ-પ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટી પર ગંભીર આક્ષેપ લગાવ્યો કે AAPમાં અંદરખાને ભાજપ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અહીં નાના કાર્યકરોઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરી કે કોઈએ આ પાર્ટીમાં ન જોડાવું. કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં.
હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે જે પાર્ટી પોલીસને ‘ટોમી’ ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતા તેમણે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો.
સભાના સ્થળની બહાર પણ દૃશ્યો હેરાન કરી દેનારા હતા. એક તરફ પાર્ટી પરિવર્તનના દાવા કરી રહી હતી, ત્યારે બીજી તરફ રસ્તા પર AAPના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ પણ પાર્ટીની આ ખેંચતાણ જોઈને રોષે ભરાતા કહ્યું હતું કે આ ખેસ પર ચાલો. પાર્ટીના આંતરિક વિખવાદને કારણે સભાનો મૂળ ઉદ્દેશ સાઈડ પર રહી ગયો હતો અને ચારેય તરફ રાજીનામાં અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી.
બીજી તરફ, મંચ પરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી. જો વેપારીઓ અને કારખાનેદારો દબાયેલા રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે, જોકે પક્ષની અંદર જ ઊઠેલા આ બળવાએ ઇટાલિયાના દાવાઓ સામે મોટાં સવાલ ઊભાં કરી દીધા છે.
મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે AAPની 'પરિવર્તન સભા' આયોજિત થઈ હતી. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જોકે એક તરફ પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ પાર્ટીના જ સહ-પ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાઇ ગયું છે. AAPએ મોરબીમાં શક્તિપ્રદર્શન તો કર્યું છે, પરંતુ આગામી સમયમાં આંતરિક વિખવાદ, અસંતોષ અને ગંભીર આક્ષેપો પાર્ટી માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

