- Gujarat
- ઉદ્યોગકારોની જવાબદારી માત્ર ગુજરાત પુરતી નથી: આરિફ મોહમંદ ખાન
ઉદ્યોગકારોની જવાબદારી માત્ર ગુજરાત પુરતી નથી: આરિફ મોહમંદ ખાન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬' (EPE)નુ ઉદઘાટન બિહારના રાજ્યપાલ આરિફ મોહમંદ ખાનના હસ્તે કરવામાં આવ્યું
તેમણેપોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારી સમજ મુજબ ગુજરાતીઓની વિશેષતા એ છે કે તેઓ ઇનોવેટિવ છે. સમસ્યામાંથી પણ તેઓ તક શોધી કાઢે છે અને સમસ્યાનું નિવારણ લાવે છે. કુદરતે ગુજરાતીઓને વિશેષ ક્ષમતાઓ આપી છે, જેના કારણે તેઓ બિઝનેસ ક્ષેત્રે હંમેશા આગળ રહ્યા છે.
તમારી જવાબદારી માત્ર ગુજરાત પૂરતી સિમિત નથી, પરંતુ સમગ્ર દેશ માટેની છે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. આ તકે તેમણે સુરત સહિત ગુજરાતના ઉદ્યોગકારોને બિહાર રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરવા અને બિઝનેસ કરવા આમંત્રણ આપતા કહ્યું હતું કે, બિહાર રાજ્ય ઉદ્યોગકારોનું સ્વાગત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બિહારમાં ઉદ્યોગ સ્થાપનારા અને રોકાણ કરનાર ઉદ્યોગકારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની પૂરતી તકેદારી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
ભારત સરકારે જીએસટીમાં વ્યાપક સુધારા કર્યા છે તેમજ શ્રમ કાયદાઓમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યા છે. પરિણામે ભારતની અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ‘મધર ઓફ ઓલ ટ્રેડ’ તરીકે ભારત માટે યુરોપિયન દેશો સહિત સમગ્ર વિશ્વમાં નવા ઔદ્યોગિક અવસરો સર્જાઈ રહ્યા છે. આવનારા સમયમાં આશરે ૭૦થી ૮૦ લાખ લોકોને રોજગાર મળવાની સંભાવના છે. રોજગારમાં વધારો થવાથી ઉર્જાની માંગમાં પણ નોંધપાત્ર વધારો થશે. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અગ્રણી સ્થાન મેળવવા માટે પણ પૂરતી અને વિશ્વસનીય ઉર્જા ઉપલબ્ધતા અનિવાર્ય બનશે.
તેમણે સ્વામી વિવેકાનંદના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, બીજાઓ માટે જે જીવે છે, એ જ સાચે અર્થમાં જીવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, જીવનનો ઉદ્દેશ્ય સુખની પ્રાપ્તિ નહીં પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ છે. તેમણે ભારતીય દાર્શનિક વિચારધારાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ વિશ્વમાં જે કંઈ પરિવર્તનશીલ છે તે મિથ્યા છે અને સત્ય માત્ર બ્રહ્મ છે. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે આત્મસંશોધન અત્યંત જરૂરી છે.
SGCCIના પ્રમુખ નિખિલ મદ્રાસી, અશોક જીરાવાળા, બિજલ જરીવાળા, મિતિશ મોદી સહિત અન્ય ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા.

