- Gujarat
- ઋષિભારતી બાપુ બોલ્યા- અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવતા દુઃખ, સમાજના કેટલાક નેતાઓ...
ઋષિભારતી બાપુ બોલ્યા- અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવતા દુઃખ, સમાજના કેટલાક નેતાઓ...
ગુજરાતના રાજકીય પટલ પર એક નવો વિવાદ જન્મ લઈ રહ્યો છે, અને તેનું કારણ છે ઠાકોર સમાજ માટે સન્માનિય અને પ્રખ્યાત ધર્મગુરુ ઋષિભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન. માણસાના ધમેડા ગામમાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં ઋષિભારતી બાપુએ એવું નિવેદન આપી દીધું કે રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. જે કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ હાજર હતા ત્યાં સંબોધન દરમિયાન ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, આ વખતે અલ્પેશજી ઠાકોર નાયબ મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસો ચાલુ હતા, ગાંધીનગરમાં બેઠક કરી છતા બાકાત રહ્યા. સારા ખાતા પણ ન મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. આપણા સમાજના કેટલાક નેતાઓ વ્હાઈટ કોલર ગુલામી કરી રહ્યા છે, જે રાજનીતિમાં કૂટનીતિનો અભાવ દર્શાવે છે.’ આ નિવેદનની ગુંજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની હાજરીમાં વધુ તીવ્ર બની અને ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ જન્મી છે.
ઠાકોર સમાજના નેતાઓને ગુજરાતમાં અને દેશમાં સમાજની વસ્તીના આંકડા જણાવતા કહ્યું કે, આપણે પોઝિશનિંગમાં નહીં, પાવરમાં આવવાની જરુર છે. આપણા સમાજના નેતાઓને રાજનીતિ આવડે છે પરંતુ કૂટનીતિ કરતા આવડતી નથી, એટલા માટે પાછળ રહી જાય છે. કુટનીતિ શીખશો, ત્યારે પોઝિશનમાં નહીં, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. રાજકીય પક્ષો આપણી નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે.
ગાંધીનગરના માણસા તાલુકાના ઘમેડા ગામમાં માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષના નેતાઓ અને સમાજના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઋષિભારતી બાપુએ આ નિવેદન અપ્યું હતું. ઋષિભારતી બાપુએ કહ્યું કે, ઠાકોર સમાજ 4 વિભાગમાં વહેંચાયેલો છે. જેમાં 10 ટકા VIP ગુલામ થઈ ગયા છે. 20 ટકા અવસરવાદી છે, જેઓ ડબલ ઢોલકી વગાડે છે. જ્યારે 50 ટકા હજી પણ નિદ્રાધિન અવસ્થામાં છે. રાજકીય પક્ષો આપણા સમાજની નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે.
આ નિવેદન બાદ રાજકીય પક્ષોમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગણી અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ નિવેદન રાજુલાના હડદડ ગામની મુલાકાત દરમિયાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઋષિ ભારતી બાપુને જે લાગ્યું હશે તે બોલ્યા હશે. વાત પાર્ટીની હોય તો સમાજને સમયે સમયે પદ આપ્યા જ છે અન્યાયની કોઈ વાત નથી. ગુજરાતમાં ઠાકોર-કોળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પાર્ટીએ સમય સમયે આ સમાજને યોગ્ય પદ આપ્યા છે અને કોઈ અન્યાય થયો નથી. આગામી સમયમાં પણ જ્યાં કોળી સમાજની વસ્તી વધુ હશે, ત્યાં ટિકિટો આપવામાં આવશે અને યોગ્ય વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, તેઓ તેમની સાથે સહમત છે. બાપુ સાથે મોટો સમાજ જોડાયેલો છે અને જો તેમને ક્યાંક અન્યાય થયો હોવાનું લાગતું હોય તો તે તેમની વિચારધારા છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે આ નિવેદનની ટીકા કરતા કહ્યું કે, ‘આવા નિવેદનો સમાજમાં વિભાજન પેદા કરે છે. અમે હંમેશાં ઠાકોર સમાજના હિત માટે કામ કર્યું છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરે આ નિવેદનને ઋષિભારતીના અંગત વિચારો ગણાવી સમાજને એકજૂટ રહેવાની અપીલ કરી. ભાજપના કેટલાક નેતાઓએ આ નિવેદન પર હાલ કોઈ સીધી પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પક્ષની અંદર ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે નાયબ મુખ્યમંત્રીના સવાલથી કિનારો કરી દીધો હતો અને સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો, અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી, સરકાર તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ ફૂંકી-ફૂંકીને જવાબો આપ્યા હતા.
આ નિવેદનથી યુવાનોમાં રાજકીય સજાગતા અને સમાજના હિત માટે એકજૂટ થવાની ચર્ચાઓ શરૂ થઈ શકે છે. ઋષિભારતી બાપુની આધ્યાત્મિક અને સામાજિક પ્રભાવને જોતાં તેમનું આ નિવેદન સમાજના લોકોને રાજકીય રીતે વધુ સક્રિય બનાવી શકે છે. જોકે, કેટલાક લોકો માને છે કે આવા નિવેદનો સમાજમાં વિભાજન પણ પેદા કરી શકે છે.
ઋષિભારતી બાપુના આ નિવેદન બાદ રાજકીય પક્ષો હવે ઠાકોર સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસોમાં લાગી શકે છે. ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજની ભૂમિકા અને વોટિંગ પાવરને લઈને ચર્ચાઓ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આ ઘટનાએ એકવાર ફરીથી રાજનીતિ અને કૂટનીતિના સમન્વયનું મહત્ત્વ ઉજાગર કર્યું છે.

