- Gujarat
- સુરતની 7 વર્ષની બાળકીને દીક્ષા નહીં અપાવી શકાય, કોર્ટે કર્યો આદેશ, માતાની હાર-પિતાની જીત
સુરતની 7 વર્ષની બાળકીને દીક્ષા નહીં અપાવી શકાય, કોર્ટે કર્યો આદેશ, માતાની હાર-પિતાની જીત
સુરત શહેરમાં 7 વર્ષની માસૂમ બાળકીને દીક્ષા અપાવવા બાબતે માતા-પિતા વચ્ચેનો વિવાદ હવે કાયદાકીય જંગમાં ફેરવાયો છે. સુરત ફેમિલી કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા પત્નીને કોર્ટમાં એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવા આદેશ કર્યો છે કે તે બાળકીને દીક્ષા નહીં અપાવે. બાળકીની માતા બાળકીને દીક્ષા અપાવવા માંગતી હતી, પરંતુ પિતા આનો વિરોધ કરીને કોર્ટમાં પહોંચ્યા હતા અને ત્યાં પિતાની જીત થઈ છે.

શું છે સમગ્ર મામલો?
સુરતમાં શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા એક પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષા લેતા અટકાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
- માતાની જીદ: બાળકીની માતા છેલ્લા 6 મહિનાથી દીકરીને લઈને અલગ રહે છે અને આગામી 8 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીકરીને દીક્ષા અપાવવા પર અડગ હતી.
- પિતાનો વિરોધ: પિતાનું કહેવું છે કે બાળકી હજુ ખૂબ નાની છે. તેમણે દલીલ કરી હતી કે પત્નીએ શરત મૂકી હતી કે જો દીકરીની દીક્ષા માટે હા પાડવામાં આવે તો જ તે ઘરે પરત આવશે.
પિતાએ કહ્યું હતું કે અમે દીકરી મોટી થાય પછી દીક્ષા અપાવવા તૈયાર હતા, પરંતુ તેને વેકેશનમાં મહારાજ સાહેબ પાસે મોકલી દેવાઈ અને હવે દબાણ કરવામાં આવી રહ્યું છે. મારી પત્ની સમજી ગઈ હોત તો આ બાબત કોર્ટમાં ન આવત. અમે દીકરી મોટી થાય પછી દીક્ષા અપાવવા તૈયાર હતા. છેલ્લા 7 મહિનાથી આ ઘટનાની શરૂઆત થઈ છે.
પિતાના વકીલ સ્વાતિ મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી છે કે 7 વર્ષની વયે બાળક સંયમ માર્ગ પર જવાનો નિર્ણય જાતે લઈ શકે એટલું પુખ્ત હોતું નથી. બાળકીના કલ્યાણ અને તેના અધિકારોનું રક્ષણ થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 4 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના બોરીવલીમાં એક વિશાળ દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે, જેમાં 59 મુમુક્ષુઓ દીક્ષા લેવાના છે. આ 59 લોકોમાં સુરતની આ 7 વર્ષની બાળકી સૌથી નાની વયની મુમુક્ષુ હતી. પણ હવે કોર્ટના આદેશ બાદ બાળકી દીક્ષા લઈ શકશે નહીં.

સુરતમાં 7 મહિના પહેલા પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં 12 વર્ષના કિશોરની દીક્ષા મામલે પિતાએ વાંધો ઉઠાવતા કોર્ટે દીક્ષા પર સ્ટે (મનાઈહુકમ) આપ્યો હતો. હવે ફરી એકવાર નાની વયની દીક્ષાનો મુદ્દો કાયદાકીય ગૂંચમાં ફસાયો છે.

