- World
- અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી
અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. આ દેશોમાં રશિયા, યુક્રેન, લિબિયા અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે, જોકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થતો નથી.
US ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન કોન્સ્યૂલર અફેર્સે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. પોસ્ટમાં અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, ‘અમે અમેરિકન નાગરિકો માટે લેવલ-1 થી 4 સાથે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છીએ. તેમાં લેવલ-4નો અર્થ છે ત્યાં મુસાફરી ન કરો.’
https://twitter.com/TravelGov/status/2009272571314024512?s=20
પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘અમે સ્થાનિક પરિસ્થિતિઓ અને આ દેશોમાં અમેરિકન નાગરિકોને સહાય પૂરી પાડવાની અમારી મર્યાદિત ક્ષમતાના આધારે લેવલ-4 અસાઇન કરીએ છીએ. આ સ્થાનો ખતરનાક છે. કોઈપણ કારણોસર ત્યાં મુસાફરી ન કરો.’
અમેરિકાએ જે 21 દેશોની મુસાફરી ન કરવાની અપીલ કરી છે તેમાં અફઘાનિસ્તાન, બેલારુસ, બુર્કિના ફાસો, બર્મા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR), હૈતી, ઈરાન, ઈરાક, લેબનોન, લિબિયા, માલી, નાઇજર, ઉત્તર કોરિયા, રશિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, યુક્રેન, વેનેઝુએલા, યમન જેવા દેશોનો સમાવેશ થાય છે.
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી રશિયાની પરમાણુ ચીમકી બાદ લેવામાં આવી છે. હકીકતમાં, અમેરિકાની સેનાએ એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર, મરીનેરાને જપ્ત કરી લીધો હતો, જેનાથી બંને દેશો વચ્ચે સીધા ઘર્ષણની પરિસ્થિતી ઊભી થઈ છે.
રશિયાએ અમેરિકાની આ કાર્યવાહીને ચાંચિયાગીરી ગણાવી. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીના સભ્ય અને દેશમાં સંરક્ષણ બાબતોની રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ એલેક્સી ઝુરાવલેવે અમેરિકાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ચીમકી આપી નાખી હતી.

