- Sports
- છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી
વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ પણ ભારે ઉત્તેજનાવાળી જ રહી હતી. રામકૃષ્ણ ઘોષે મહારાષ્ટ્ર માટે એવો જાદુઈ સ્પેલ ફેંક્યો કે, તેણે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. લિસ્ટ A ક્રિકેટમાં ઘોષે જે પ્રકારની બોલિંગ બતાવી તે ભાગ્યે જ કશે જોવા મળે છે. આ મેચમાં મહારાષ્ટ્રના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ગોવા સામે અંતિમ ઓવર રામકૃષ્ણ ઘોષને આપી, અને જેમાં તેણે સનસનાટી મચાવી દીધી.
મહારાષ્ટ્ર ગોવા સામે લગભગ મેચ હારી જ ગયું હતું. ગોવાને અંતિમ ઓવરમાં જીતવા માટે ફક્ત 6 રનની જરૂર હતી, પરંતુ રામકૃષ્ણ ઘોષે મેડન ઓવર નાખી, જેનાથી મહારાષ્ટ્રનો 5 રનથી રોમાંચક વિજય થયો. રામકૃષ્ણની આ બોલિંગની હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. મેચમાં, રામકૃષ્ણે 10 ઓવરમાં માત્ર 35 રન આપીને મહારાષ્ટ્ર માટે 1 વિકેટ લીધી. આ સ્પેલ દરમિયાન તેણે 2 મેડન ઓવર ફેંકી.
મહારાષ્ટ્ર સામે 250 રનના લક્ષ્યનો પીછો કરવા માટે, ગોવાને છેલ્લી ત્રણ ઓવરમાં ફક્ત 11 રનની જરૂર હતી, પરંતુ રામકૃષ્ણ ઘોષે પોતાની બોલિંગથી આખી બાજી જ ઉલટાવી દીધી. મહારાષ્ટ્ર માટે અંતિમ ઓવરમાં સનસનાટી મચાવનાર રામકૃષ્ણ ઘોષે ઇનિંગની 48મી ઓવર પણ નાખી હતી, જે તેણે મેડન તરીકે ફેંકી. ગોવા 49મી ઓવરમાં ગમે તેમ કરીને પાંચ રન બનાવવામાં સફળ રહ્યું, પરંતુ રામકૃષ્ણે અંતિમ ઓવરમાં મેડન ઓવર નાખીને ફરીથી સનસનાટી મચાવી દીધી.
વિજય હજારે ટ્રોફીમાં સનસનાટી મચાવનાર રામકૃષ્ણ ઘોષ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. CSKએ આ બોલરને રૂ. 30 લાખના બેઝ પ્રાઈસ પર જાળવી રાખ્યો છે. અહીં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, CSK મેનેજમેન્ટે તેના આ પ્રદર્શન પર ધ્યાન આપ્યું હશે, કારણ કે રામકૃષ્ણ ઘોષને હજુ સુધી IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.

