- Gujarat
- ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસં...
ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા
ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર-7 ભરી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી કરી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, વોર્ડ નંબર-7ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ મણવરે જણાવ્યું હતું કે, ‘મેં જે અરજી કરી છે તેમાં રાઠોડ હાજી કાસમ નામના વ્યક્તિનું નામ કમી કરવા માટે ‘7 નંબરનું ફોર્મ’ ભર્યું છે અને હાજીભાઈ કાસમ એટલે કે હાજી રમકડું નામના વ્યક્તિનો ખોટો દુર ઉપયોગ થતો નથી ને એ મામલે સંપૂર્ણ સચોટતાથી કામગીરી કરવામાં આવે છે કે નહીં તેને લઈને મેં અરજી કરી છે.
હાજી રમકડુંએ આ વિવાદ અંગે કહ્યું કે હું જૂનાગઢના વોર્ડ નંબર 8માં 60 વર્ષથી રહું છું. મને ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ એવોર્ડ આપ્યા છે. મારામાં શું કમી છે કે મારી વાંધા અરજી કરી નાખી છે. જ્યારે વાંધા અરજી કરનારા ભાજપના કોર્પોરેટરે કહ્યું હતું કે, હાજીભાઈના આધારકાર્ડમાં મીર અટક છે. તે મીર સરનેમથી જ ઓળખાય છે. તેમના જ વિસ્તારમાં હાજીભાઈ રાઠોડ શંકાસ્પદ નામ લાગતા મેં અરજી કરી હતી.
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, એક તરફ આપણે જેને પદ્મશ્રી આપીને સન્માન કરીએ છીએ તેનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના કોર્પોરેટર અરજી કરે છે. આ ગોરખધંધાની પરાકાષ્ઠા છે. શાહબુદ્દીન રાઠોડ અને હાજી રમકડું સાથે જો રમત રમાતી હોય તો પછી સામાન્ય નાગરિકો સાથે શું નહીં થતું હોય?. આ બે ઉદાહરણ બાદ ચૂંટણી પંચે જાગી જવાની જરુર છે.
જૂનાગઢ મનપાના નેતા વિપક્ષ લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ હાજી રમકડુંને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી જાહેર કરાયો છે. ત્યારે જ ભાજપના કોર્પોરેટર દ્વારા હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાજી રમકડું સ્થળાંતર થયા હોવાની અરજી કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે, બે દિવસ અગાઉ જ ભાજપના ધારાસભ્ય તેમના ઘર પર સન્માન કરવા ગયા હતા તો શું ભાજપના લોકોને ખબર નથી કે ‘હાજી રમકડું’ જૂનાગઢમાં જ રહે છે.
આ મામલે જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, SIRની કામગીરી દરમિયાન જ્યારે કોઈ વ્યકિત દ્વારા કોઈ મતદારના નામ સામે વાંધો લેવામાં આવે ત્યારે તેની સ્ક્રુટીની કર્યા બાદ વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ સુનાવણી રાખવામાં આવે છે. જે વ્યકિત દ્વારા વાંધો લેવામાં આવે છે તેણે જ જરુરી પુરાવાઓ રજૂ કરવાના રહે છે.
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર-7 ભરવામાં આવ્યું હતું. તો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે.
નામ કમી કરવાની પ્રક્રિયા
સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. નાયબ ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે.

