- Gujarat
- ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાઈ એ પહેલા શખ્સ ઝડપાયો, ગોપાલે કહ્યું- ખૂણામાં લઈ જઈને...
ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાઈ એ પહેલા શખ્સ ઝડપાયો, ગોપાલે કહ્યું- ખૂણામાં લઈ જઈને...
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. માળીયા હાટીનાના ગડુમાં હતી ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ ઘટના હતી. જોકે આ મામલે તેમના પર જૂતું ફેંકાય તે અગાઉ જ શખ્સને પકડી લેવાયો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ખૂણામાં લઈ જઈને મારતા નહીં. ગોપાલ ઈટાલિયાએ રાજકીય ઈશારે આવા કૃત્યો કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવું કૃત્ય થાય છે. ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.
કાર્યકર્તાઓએ એ વ્યક્તિને ઝડપી પોલીસને સોંપી દીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયા જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ જામનગરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ AAPની જન સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સભામાં જ્યારે ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યા હતા, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતાનો ઘા કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ AAPના કાર્યકર્તાઓએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો અને AAPના કાર્યકર્તાઓએ છત્રપાલસિંહને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15-20 મિનિટ બાદ માંડ-માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હૉસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો.
જામનગરની ઘટનાની તપાસમાં સામે આવ્યું હતું કે, ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં જ્યારે તેઓ રાજકારણમાં સક્રિય નહોતા, ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંક્યું હતું. જામનગરની ઘટનામાં છત્રપાલસિંહે તેનો બદલો લેવાના ઇરાદે ઈટાલિયા પર હુમલો કર્યો હોવાનું કબૂલ્યું હતું.
જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં જૂતું ફેંકવાનો પ્રયાસ થતા સુરક્ષા-વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ પકડાયેલા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તેણે કયા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. AAPના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી હતી.

