- Gujarat
- વડોદરા ભાજપમાં આ શું ચાલી રહ્યું છે? 3 ધારાસભ્યો સંકલન બેઠકમાં ગેરહાજર રહ્યા
વડોદરા ભાજપમાં આ શું ચાલી રહ્યું છે? 3 ધારાસભ્યો સંકલન બેઠકમાં ગેરહાજર રહ્યા
વડોદરા જિલ્લાની સંકલન સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદર ગેરહાજર રહ્યા હતા અને જૂના કામો પૂરા ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ હેમાંગ જોશીની અલગ બેઠક યોજાઈ હતી. CMને લેટર બાદ ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.
તો અમદાવાદ કલેક્ટર કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક આયોજિત થઈ હતી. આ બેઠકમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી, પરંતુ આ દરમિયાન તેઓ બેઠકમાંથી વોકઆઉટ કરીને નીકળી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારી રજૂઆતો નહીં પણ ભાજપના ધારાસભ્યોની રજૂઆત પર પણ કામ થતા નથી.
divyabhaskar.co.in અહેવાલ મુજબ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ‘જૂના વિકાસકામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી નહીં આપે. આ નિર્ણય તેમણે વહીવટી વિભાગના વલણને લઈને લીધો છે. તેમણે કહ્યું હતું કે, આ મહત્ત્વની બેઠક છે તો પછી આગળના કામ કેમ પૂરા થતા નથી. આમાં કોઈ કારણ નથી, કારણ કે સંકલનમાં એકના એક પ્રશ્નો સંકલનમાં કહેવાના અને તેના જવાબ લઈ ઘરે જવાનું તેનો કોઈ મતલબ નથી.’ તો અક્ષય પટેલે જણાવ્યું હતું કે ‘હું વડોદરા શહેરની બહાર છું અને એટલે બેઠકમાં હાજર રહી શક્યો નથી.’
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે, ‘હું સ્થાનિક કોઈ કામગીરીને કારણે બેઠકમાં આવી શક્યો નથી.’ વડોદરા જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. આ મામલે કલેક્ટર ડૉ. અનિલ ધામલિયાએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને પોતાની કેબિનમાં જતા રહ્યા હતા.
તો બીજી તરફ, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડો. હેમાંગ જોશી સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠક જિલ્લા સંકલન શરૂ થાય એ પહેલાં તમામ પદાધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.
આ બેઠકમાં અંતિમ સમયે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયૂર રોકડિયા આજની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. બહિષ્કાર અંગે પૂછતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે મને બહિષ્કાર અંગે કંઈ ખબર નથી. આ વિવાદ વડોદરા જિલ્લાનાં વિકાસકાર્યોને અસર કરી શકે છે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
તાજેતરમાં જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ મળીને વિકાસકાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. હવે વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવું લાગી છે.

