- Gujarat
- કોણ છે ભાવેશ રબારી, જેના ફાર્મહાઉસ ‘રામાધણી’ પર સતત બીજા દિવસે ચાલ્યું બુલડોઝર?
કોણ છે ભાવેશ રબારી, જેના ફાર્મહાઉસ ‘રામાધણી’ પર સતત બીજા દિવસે ચાલ્યું બુલડોઝર?
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે સરકારી તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. 'સ્ટેટ ઓફ રામાધણી' મિલકત પર થયેલા ગેરકાયદે દબાણોને JCB મશીન દ્વારા ધ્વસ કરવામાં આવી રહ્યા છે, જેમાં શેડ અને ફ્લોરિંગના બાંધકામોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ઝીલીયા ગામે બે કુખ્યાત જૂથો વચ્ચે ગેંગવોરની ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા અને તણાવ જગાવ્યો છે. આ ઘટનાએ મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચેની જૂની અદાવતને ફરી એક વાર સામે લાવી છે. આ બંને જૂથો વચ્ચેની બબાલ મુખ્યત્વે પૈસાની લેતડદેવડના મામલે ફાટી નીકળી હતી. ઝીલીયાના રામાધણી ફાર્મ હાઉસ ખાતે પોલીસ પર હુમલો થયા બાદ પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને વામૈયા ગેંગના 18 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, વામૈયા ગેંગ સામે આકરી કાર્યવાહી કર્યા બાદ હવે મસ્તાની ગેંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસની ટીમ મસ્તાની ગેંગના મુખિયા તરીકે ઓળખાતા ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલીયાના ફાર્મ હાઉસ પર પહોંચી છે. ભાવેશ રબારીના રામાધણી ફાર્મમાં પોલીસની ટીમ JCB સાથે પહોંચી છે, પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. મસ્તાની ગેંગના મુખિયા અડ્ડા પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.
ઝીલીયા ગામના ફાર્મહાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે જણાવ્યું કે, ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું હતું. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કોણ છે ભાવેશ રબારી?
મસ્તાની ગેંગના મુખિયા તરીકે ઓળખાતા ભાવેશ રબારી (અથવા ભાવેશ બળદેવ દેસાઈ) ઝીલીયા ગામનો રહેવાસી છે. તે રામાધણી ફાર્મહાઉસનો માલિક છે અને તેની ગેંગને સ્થાનિક લોકો ‘મસ્તાની ગેંગ’ અને ‘ચોટી ગેંગ’ તરીકે ઓળખે છે. અમદાવાદમાં પણ આ ગેંગનો આતંક જોવા મળ્યો છે, જ્યાં તે ગેરકાયદેસર વ્યાજખોરી, ઉઘરાણી અને હિંસક વસૂલાત માટે કુખ્યાત છે.
ભાવેશ રબારી સાથે તેના સાગરીતો તલવાર, છરી અને લોખંડના પાઈપ જેવા હથિયારો વાપરીને ‘પઠાણી ઉઘરાણી’ કરતા હોવાના આરોપો છે. ભાવેશ રબારી સામે અત્યાર સુધીમાં 13થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. આમાં વ્યાજખોરી, હુમલો અને હત્યાના પ્રયાસ જેવા આરોપો સામેલ છે.
તાજેતરમાં જ અમદાવાદની સરખેજ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે તેણે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ 25 ડિસેમ્બર 2025ના રોજ જમીન દલાલ મનોજ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો જૂની અદાવત અને વ્યાજ વિવાદને કારણે થયો હતો. તેના સાગરીતો સાથે તેણે જમીન દલાલની ઓફિસમાં ઘૂસીને તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ પાટણ જિલ્લામાં પણ તેની સામે 10 જેટલા ગંભીર ગુના નોંધાયા છે.
મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચેની બબાલનું મૂળ જૂની અદાવત અને નાણાકીય મનદુઃખ છે. વામૈયા ગામ અને તેના આસપાસના વિસ્તારમાંથી આવતા આ જૂથ સાથે મસ્તાની ગેંગના સભ્યો વચ્ચે રૂપિયાની લેવડ-દેવડ અને સ્થાનિક વિવાદો લાંબા સમયથી ચાલી રહ્યા છે.
15 માર્ચ 2026ની રાત્રે આ વિવાદ ઉગ્ર બન્યો. વામૈયા જૂથના 15 થી 20 શખ્સો 6 જેટલી ગાડીઓમાં ઝીલીયા રોડ પર આવેલા ભાવેશ રબારીના રામાધણી ફાર્મહાઉસ પર હુમલો કરવા પહોંચ્યા હતા. તેમણે લાકડી, ધારિયા, તલવાર અને પથ્થરો વડે ફાર્મના ગેટ અને સંપત્તિની તોડફોડ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની 112 વાન પર પણ પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી હતી, જેથી પોલીસકર્મીઓએ જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું.
આ હુમલા બાદ ભાવેશના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને વામૈયા જૂથના આરોપીઓના નામ જણાવ્યા હતા. આ મામલો દેશભરમાં ચર્ચામાં આવ્યો હતો. જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાણસ્માના PI સહિત અન્ય અધિકારીઓની બેદરકારીને કારણે 13 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. આ ઘટનાએ પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના બાદ હવે જેના ફાર્મ હાઉસ પર હુમલો થયો છે, તેની સામે પણ એક્શન લેવામાં આવ્યું છે. પોલીસે ભાવેશ ઝીલીયાના ફાર્મ હાઉસ પરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું છે.
મસ્તાની ગેંગના મુખિયા ભાવેશ રબારીની વિશે વાત કરીએ તો તે એકદમ 'ડોન' જેવી અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. પાટણ જિલ્લા અને રબારી સમાજમાં ભાવેશ રબારી અને તેનો ભાઈ ભાર્ગવ ઝીલીયાનું મોટું નામ છે. બંને ભાઈઓને 'રામપીર' પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર હાજર વીડિયો મુજબ, બંને ભાઈઓ પાસે મોંઘી-મોંઘી ગાડીઓ, મોંઘી-મોંઘી બાઈક્સ છે. જેમાં ટોયોટા ફોર્ચ્યૂનર, ડિફેન્ડર, મહિન્દ્રા સ્કોર્પિયો વગેરે સામેલ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેના દરેક વાહન પર સરકાર માન્ય નંબર પ્લેટને બદલે ‘સ્ટેટ ઓફ રામાધણી’ લખેલી પ્લેટ જોવા મળે છે. એટલું જ નહીં બંને ભાઈઓને ઘોડા (અશ્વ)નો પણ ભારે શોખ છે.
ભાવેશ રબારી અને તેનો ભાઈ ભાર્ગવ ઝીલીયાએ વ્યાજના ધંધાથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, બંનેની સત્તાવાર સંપત્તિનો કોઈ સ્પષ્ટ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી. સોશિયલ મીડિયા પર હાજર વીડિયો મુજબ, બંને ભાઈઓ મોટાભાગે ડાયરા કલાકારો સાથે વધારે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાજર વીડિયો મુજબ, ગુજરાતી લોકગાયક ગમન સાંથલ બંને ભાઈઓના ખાસ મિત્ર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગમન સાંથલના કાર્યક્રમમાં ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી અચૂક જોવા મળે છે. એટલું જ નહીં અવારનવાર ગમન સાંથલ ઝીલીયાના ફાર્મ હાઉસ ઉપર પણ આવતા હોવાના વીડિયો છે.

