- Gujarat
- AAPની સભાઓમાં ગોપાલ..ગોપાલના નારા કેમ લાગી રહ્યા છે!
AAPની સભાઓમાં ગોપાલ..ગોપાલના નારા કેમ લાગી રહ્યા છે!
હાલ સ્થાનિક સ્વરાજની ચાલી રહેલી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની પ્રચાર સભાઓમાં એક નવીનતા જોવા મળી રહી છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે મંચ પર બોલવા ઉભા થાય છે ત્યારે ગોપાલ..ગોપાલ..ના નારા લોકો લગાવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતના યુવાન નેતાઓમાં એક સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભરી રહ્યા છે.
આપણે ગુજરાતના રાજકારણમાં ફક્ત એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારા લાગતા આજ સુધી જોયા છે. જ્યારે નરેન્દ્રભાઇ મંચ પર ભાષણ આપવા જાય ત્યારે મોદી..મોદી..ના નારા લાગતા હોય છે. આવી જ સ્થિતિ હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયાના પ્રશંસકોની સંખ્યા આખા ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે.
ગોપાલ ઇટાલિયા માટેના નારા લાગવા પાછળના કારણો તપાસીએ તો તેઓ ધારાસભ્ય બનવા પહેલાથી જ પોતાના પ્રશંસકો અને ફોલોઅર્સનું જૂથ બનાવી ચૂક્યા હતા. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિમાં સક્રિય હતા. પરંતુ ત્યારે તેમની એટલી લોકચાહના ન હતી. પરંતુ તેમણે જ્યારે તત્કાલીન ગૃહમંત્રીને જૂતું માર્યું ત્યાર પછી તે ખાસ્સા ચર્ચામાં આવી ગયા. ત્યાર બાદ તેઓ સુરતમાં કાયદા કથાઓના માધ્યમથી લોકોમાં કામ કરી રહ્યા હતા. તેમણે સતત લોકો વચ્ચે રહી કંઇક ને કંઇક કામ કર્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેમની ઇમેજને સૌથી વધુ બુસ્ટ સુરત મહાનગરપાલિકાની વર્ષ 2021ની ચૂંટણીમાં મળ્યું. તેમની આગેવાનીમાં આશ્ચર્યજનક રીતે પાર્ટીએ 27 કોર્પોરેટરોને જીતાડ્યા. આ બાબતે આખા દેશમાં ચર્ચા જગાવી. નવી સવી પાર્ટી દેશના એક મહત્ત્વના શહેર અને તે પણ ભાજપના ગઢમાં આટલું મોઢું ગાબડું પાડે તે બધા માટે એક આશ્ચર્ય હતું. પછી આવી વિધાનસભાની ચૂંટણી. આ ચૂંટણીમાં ગોપાલ તો ન જીતી શક્યા પરંતુ 5 ધારાસભ્યોને જરૂર જીતાડ્યા. આમ પણ ગોપાલનો ફાળો મોટો હતો. પછી આવી વિસાવદરની પેટા ચૂંટણી. આ ચૂંટણીમાં ભાજપના મજબૂત ઉમેદવારને 17000 મતે હરાવીને ગોપાલે પોતાને એક રાજ્યસ્તરના સફળ રાજકારણી તરીકે સાબિત કર્યા.
ગોપાલ ઇટાલિયાની ખાસિયત છે નીડરતા. તેઓ કોઇપણ મોટા કે શક્તિશાળી નેતા સામે સ્પષ્ટ રીતે બોલવાથી ડરતા નથી. આને કારણે ઘણીવાર વિવાદો પણ ઊભા થાય છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી જાણે છે. કયા સમયે શું નિવેદન આપવું, કોની સામે નિવેદન આપવું. કયો મુદ્દો ઉપાડવો, તેમાં હથોટી આવી ગઇ છે. આ ઉપરાંત તે સતત સોશિયલ મીડિયા પર લાઇવ આવીને લોકો સાથે જોડાયેલા રહે છે. તેમની ભાષણ આપવાની સ્ટાઇલ પણ પ્રભાવક છે. ખૂબ જ તર્કબદ્ધ રીતે તળપદા ઉદાહરણો આપીને તે લોકોને પોતાની વાત સમઝાવે છે.
વિસાવદરની ચૂંટણી પછી ધારાસભ્ય બન્યા પછી અભિવાદન સભામાં ગોપાલ ઇટાલિયાએ જ્યારે વરાછામાં ભાષણ આપ્યું. આ ભાષણનો સાર એ હતો કે તેઓ માત્ર વિસાવદરની ચૂંટણી નથી જીત્યા પરંતુ જાણે આખું ગુજરાત જીતી લીધું હોય. તેઓ આખા ગુજરાતના એક મજબૂત યુવા નેતા તરીકે ઊભરી આવ્યા . કદાચ પહેલીવાર ત્યારે જ લોકોમાંથી ગોપાલ..ગોપાલ..ના નારા લાગવાના શરૂ થઇ ગયા. ત્યારપછી હાલ ચાલી રહેલી ચૂંટણીઓમાં પણ તે નારાઓ યથાવત છે. જો પાટીદાર યુવા નેતાઓની વાત કરીએ તો એક સમય હતો હાર્દિક પટેલના નારા લાગતા હતા. તેમની લોકચાહના ખૂબ હતી. પરંતુ હવે તે નેપથ્યમાં ધકેલાઇ ગયા છે. આજે કદાચ પેન ગુજરાત સૌથી પોપ્યુલર પાટીદાર યુવા નેતાઓના નામ નક્કી કરવા હોય તો ગોપાલ ઇટાલિયાનું નામ સૌથી આગળની હરોળમાં હશે તે નક્કી છે. તો શું ગોપાલ ઇટાલિયા ગુજરાતના કેજરીવાલ બની ગયા છે...

