- Politics
- બંગાળમાં ફાઇટ ફોર ફીશ... ફાઇટ ટુ ફિનિશ...
બંગાળમાં ફાઇટ ફોર ફીશ... ફાઇટ ટુ ફિનિશ...
પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્યાં જે ચૂંટણીનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ફાઇટ ફોર ફીશ છે અને ફાઇટ ટુ ફિનિશ પણ છે.
ફાઇટ ફોર ફીશની વાત કરીએ તો બંગાળની ચૂંટણીમાં આ વખતે માછલીનો મુદ્દો ખૂબ જ ચગી રહ્યો છે. એક અંદાજ મુજબ બંગાળમાં 65 ટકા લોકો માછલી ખાય છે. તેમાં બધી જ જ્ઞાતિયોનો સમાવેશ થાય છે. ત્યાં હાલમાં નેતાઓ માછલી હાથમાં લઇને ફરી ફરીને પ્રચાર કરી રહ્યા છે. ભાજપના મોટા નેતા અનુરાગ ઠાકુરે તો માછલી ખાતા વીડિયો જ ફરતા કરી દીધા છે. માછલી પોલિટિક્સનું કારણ એ છે કે મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી એવો પ્રચાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો માછલી ખાવા નહીં દે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણમાં કહ્યું કે મમતા દીદીની સરકારે બંગાળમાં માછલીઓના ઉત્પાદન માટે કંઇ કર્યું નથી. આખા દેશમાં માછલીઓનું ઉત્પાદન અને એક્સપોર્ટ બમણું થઇ ગયું પરંતુ બંગાળ હજુ પાછળ છે. તો મમતા દીદીએ કહ્યું કે પહેલા બંગાળ માછલીઓ આંધ્રપ્રદેશથી મગાવતું હતું. આજે જરૂર પડતી નથી. આમ માછલીનું ઉત્પાદન વધ્યું છે. બિચારી માછલીએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેને આટલું મહત્ત્વ મળશે.

ખેર તો હવે વાત કરીએ ફાઇટ ટુ ફિનિશની. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે નક્કી કરી લીધું કે બંગાળમાં મમતા દીદીનું રાજ ખતમ કરી દેવું છે. મમતા દીદી ચોથી વાર જીતવા માટે જોર લગાવી રહ્યા છે. તેઓ 3 વાર જીતી ચૂક્યા હોવાથી તેમની સામે ગુજરાતમાં ભાજપની જેમ જ એન્ટીઇન્કમબન્સી છે. જોકે, તે બંગાળની અસ્મિતા અને મહિલા વોટર્સના ભરોસે જોર લગાવીર રહ્યા છે. આ ઉપરાંત મુસ્લિમ વોટર્સ પણ તેમના માટે ખૂબ મહત્ત્વના છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ હથિયારો કાઢી લીધા છે. મમતા દીદી જેનો તમામ રીતે વિરોધ કરી રહ્યા છે તે એસઆઇઆર દ્વારા 27 લાખ જેટલા મતો કમી થઇ ગયા છે. ઘુસપેઠિયાનો મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ મતોના વિભાજન માટે હુમાયુ કબીર અને એઆએમઆઇએમ તૈયાર છે. બંગાળની ચૂંટણીઓ લોહિયાળ હોય છે. એટલે બંગાળના તમામે તમામ અધિકારીઓના ટ્રાન્સફર થઇ ચૂક્યા છે. સુરક્ષા માટે પોલીસ ઉપરાંત કેન્દ્રિય બળો તૈનાત કરી દેવાયા છે. ભાજપના ચાણક્ય ગૃહમંત્રી અમિત શાહ પોતે ત્યાં 15 દિવસનો કેમ્પ લગાવી ચૂક્યા છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે આ વખતે કાંટાની ટક્કર છે. ફાઇટ ટુ ફિનિશ છે. 1 મેના દિવસે આવનારા બંગાળ સહિત તામિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીના ના પરિણામો દેશની આગામી રાજનીતિ ને નક્કી કરશે.

