- Gujarat
- મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ડૉ.સ્મિત પરમારના પત્ની ડૉ.ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કર્યાંના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિયરી પક્ષના લોકો સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યવાહીથી પાટીદાર સમાજમાં ભારે રોષ હોવાથી આજે 21 ઑગસ્ટે મોટી સંખ્યામાં પાટીદારોએ મહેસાણાના A-ડિવિઝન પોલીસ સ્ટેશનના પરિસરમાં ધામા નાખ્યા છે.
પાટીદાર આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ દ્વારા તટસ્થ અને ન્યાયી કામગીરી કરવામાં નહીં આવે તથા ખોટી ફરિયાદો રદ કરી સામા પક્ષ સામે ગુનો દાખલ કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. આ મામલે પોલીસે બંને પક્ષે સરખો ન્યાય આપવો જોઈએ તેવી વિનંતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તાકીદે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
શું છે આખો મામલો
ડૉ. ચાંદની પટેલ અને ડૉ. સ્મિતના 4 મહિના અગાઉ જ પ્રેમલગ્ન થયા હતા. જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હતો. યુવતી તેની સાસરીમાં હતી. 18 ઓગસ્ટે બપોરના સમયે ચાંદની પોતાની સાસરીમાં સાસુ સાથે હતી. આ સમયે જ બપોરના સમયે ચાંદનીના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ સહિત અજાણ્યા પાંચેક શખ્સો વેગનઆર અને સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. ચાંદનીના માતાની તબિયત સારી ન હોવાનું કહી ઘરમાં પ્રવેશ કર્યો અને વાતચીત શરૂ કરી. માતા-પિતાએ પોતાની દીકરીને મળવાની ઈચ્છા વ્યકત કરતા ચાંદની ઉપરના રૂમમાં સૂતી હતી તેને નીચે બોલાવી હતી. આ સમયે જ માતા-પિતા સહિતના લોકોએ ઝપાઝપી શરૂ કરી દીધી અને ચાંદનીના વાળ પકડી ઘરની બહાર ધસડી ગયા હતા. અપહરણની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ.
અપહરણ દરમિયાન ભાગદોડ અને ઝપાઝપી થતા આરોપીઓ સાથે આવેલા ચાંદનીના માતા કારમાં ચડી ન શકતા નીચે પડ્યા હતા. જો કે, ચાંદનીને કારમાં બેસાડી દીધી હોય અન્ય પરિવારજનોએ ચાંદનીના માતા નીતાબેનને ઘટનાસ્થળે જ મૂકી નાસી ગયા હતા. આસપાસ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી.
ડૉ. સ્મિત પરમારના ઘરમાં CCTV લાગેલા હોવાથી આરોપીઓ જ્યારે ચાંદનીનું અપહરણ કરવા આવ્યા અને ખેંચીને લઈ ગયા તે સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો. પોલીસે CCTVના આધારે યુવતી અને તેને ઉઠાવી જનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ડૉ. સ્મિતના માતાએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પાટીદાર અગ્રણી સતિષ પટેલે જણાવ્યું હતું કે, આ મુદ્દે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ, SPG અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ સંસ્થાના બધા આગેવાનોએ એ-ડિવિઝનમાં ફરિયાદ લખાવા આવ્યા છીએ. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે, તો આખા ગુજરાત લેવલે મોટું આંદોલન કરીશું, એવું અમે સરકાર અને પોલીસ સ્ટેશનને વિનંતી કરીએ છીએ કે તમે વહેલામાં વહેલી તકે આ ફરિયાદ લેજો, નહીં તો આના વિપરીત પરિણામો આવે તો એના માટે જવાબદાર રહેશો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છોકરીએ જ્યારે ભાગીને લગ્ન કર્યાં, ત્યારે તેના મા-બાપ અને ભાઈઓને ધ્રાસકો પડ્યો. એટલે એની શોધખોળ કરવા એ છોકરાના પરિવારને ત્યાં સમજાવતા હતા. જો કે છોકરી માની નહીં, એટલે તેના ભાઈઓ તો છોકરીને લઈને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ છોકરીની મમ્મી ત્યાં હતી, તેમને પગ ઉપર લાકડીઓ મારવામાં આવી. એટલું જ નહીં હોઠ પણ મારના કારણે ચિરાઈ ગયેલો હતો.
'ત્યાં છોકરાના ઘરે એવું કહેવામાં આવ્યું કે 'તમારી દીકરી અમને આજ સોંપી દો અને તમારા ઘરવાળાઓને કહી દો. જો એમ નહીં કરો તો અમે તમને આજીવન અહીંયા રાખીશું. એ સાથે આ નીતાબેનને ખૂબ માનસિક ટોર્ચરિંગ કર્યું અને ખૂબ ગભરાવી દીધા. ત્યારબાદ એ લોકોએ ધરણા ઉપર બેસી અને પોલીસ ઉપર દબાણ લાવી અને આ સામાજિક પ્રશ્નમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે, તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ કરી.
સતિષ પટેલનું કહેવું છે કે, દીકરીની માતા ઉંમરલાયક છે એમને જેલમાં પુરાવ્યા, બીજા આઠ ભાઈઓને પણ જેલમાં પુરાવ્યા. નીતાબેનને જે માર મારવામાં આવ્યો, એમને બે દિવસ સુધી પોલીસ સ્ટેશન રાખ્યા હતા પણ ત્યાં દવાનો લેવા ન લઈ ગયા, એમને સારું ખાવાનું પણ ન આપ્યું. પોલીસ અને સરકારને કહીએ છીએ કે, તમે એક બાજુ ન્યાય આપ્યો, બીજી બાજુ ન્યાય આપ્યો નથી. ન્યાયપાલિકા બંને બાજુ સરખી હોવી જોઈએ. એ તમારા સગા-વહાલા નથી કે આ બાજુ કોઈ સગા-વહાલા નથી. એટલે જે ન્યાય થાય એ પ્રમાણે કરો, એવી અમે વિનંતી કરીએ છીએ.
આ અગાઉ A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં SPની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. એના માટે મંડપ અને ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે પાટીદાર સમાજના લોકો પોલીસ સ્ટેશને ધસી આવતા લોક દરબાર રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંડપ અને ખુરશીઓ પણ ડેકોરેશન વાળા ભરીને લઈ ગયા હતા.

