- National
- અંતિમ સંસ્કાર પહેલા 103 વર્ષના દાદી જીવતા થયા, સ્મશાન યાત્રા રદ કરી ધામધૂમથી જન્મદિવસ ઉજવાયો
અંતિમ સંસ્કાર પહેલા 103 વર્ષના દાદી જીવતા થયા, સ્મશાન યાત્રા રદ કરી ધામધૂમથી જન્મદિવસ ઉજવાયો
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. અહીં 103 વર્ષના એક વૃદ્ધાએ મૃત્યુના અંતિમ પડાવ પરથી પરત ફરીને નવું જીવન મેળવ્યું છે. જે પરિવારમાં થોડીવાર પહેલા આક્રંદ અને શોકનો માહોલ હતો, ત્યાં અચાનક ખુશીઓની લહેર દોડી ગઈ હતી.
રામટેકમાં રહેતા 103 વર્ષીય ગંગાબાઈ સાખરે સોમવારે સાંજે અચાનક પાર્થિવ દેહ બની ગયા હતા, શ્વાસ પણ નહોતો આવી રહ્યો.તેમના શરીરમાં કોઈ હલચલ નહોતી. પરિવારે માની લીધું કે ગંગાબાઈનું નિધન થયું છે. રાતભર શોકનો માહોલ રહ્યો અને દૂર-દૂરના સંબંધીઓને પણ જાણ કરી દેવામાં આવી.

મંગળવાર સવારે પરંપરા મુજબ અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગંગાબાઈને નવી સાડી પહેરાવવામાં આવી હતી, તેમના હાથ-પગ બાંધી દેવાયા હતા અને નાકમાં રૂ પણ મૂકી દેવામાં આવ્યું હતું. નનામી તૈયાર હતી અને સ્વજનો અંતિમ દર્શન કરી રહ્યા હતા.
બરાબર સ્મશાન યાત્રા નીકળવાની તૈયારી હતી ત્યારે પરિવારના એક સભ્યની નજર ગંગાબાઈના પગ પર પડી, જેમાં સહેજ હલચલ દેખાઈ. તરત જ નાકમાંથી રૂ હટાવવામાં આવ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે દાદીમાએ ઊંડો શ્વાસ લીધો. ગણતરીની મિનિટોમાં જ તેઓ હોશમાં આવી ગયા અને આંખો ખોલી. આ જોઈને ત્યાં હાજર લોકો ડર અને ખુશીના મિશ્રિત અનુભવ સાથે સ્તબ્ધ થઈ ગયા હતા.

સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જે દિવસે ગંગાબાઈ 'પુનર્જીવિત' થયા, તે જ દિવસે તેમનો 103મો જન્મદિવસ પણ હતો. પરિવારે આને ઈશ્વરનો સંકેત ગણીને તરત જ ઉજવણી શરૂ કરી:
- સ્મશાનની ગાડી પરત મોકલાઈ: અંતિમ સંસ્કાર માટે મંગાવવામાં આવેલી એમ્બ્યુલન્સ અને સામાન પરત મોકલી દેવાયો.
- જન્મદિવસની ઉજવણી: શોક માટે બાંધેલું પાંડલ હટાવીને ત્યાં જ કેક મંગાવવામાં આવી.
- માતમ ફેરવાયો ઉત્સવમાં: જે સંબંધીઓ અંતિમ સંસ્કારમાં માતમ મનાવવા આવ્યા હતા, તેઓ દાદીને આશીર્વાદ આપી કેક ખાઈને હરખાયા હતા.
હાલમાં આ 'ચાલતા-ફરતા ચમત્કાર' સમાન ગંગાબાઈને જોવા માટે આસપાસના ગામોમાંથી લોકો ઉમટી રહ્યા છે. આ ઘટના આખા મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની છે.

