- Opinion
- PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો અને અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. આ અભિયાન દ્વારા સરકારી જમીનોને મુક્ત કરવામાં આવી જેનાથી વિકાસના કાર્યોને વેગ મળ્યો છે અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળી છે. આ પગલાં PM મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની નેતૃત્વશૈલીનું પરિણામ છે જેમાં કાયદાનું પાલન અને જનહિતને પ્રાથમિકતા આપવામાં આવી છે.
2025માં ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાનની શરૂઆત અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારથી થઈ જ્યાં 12,000થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. આ વિસ્તારમાંથી 1,200થી વધુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા વસાહતીઓને હટાવવામાં આવ્યા જેમાં અલકાયદા સાથે જોડાયેલા તત્ત્વો અને નશીલા પદાર્થોની કાર્ટેલના કનેક્શન્સ પણ જોવા મળ્યા. આ અભિયાનમાં 74 જેસીબી, 200 ટ્રક અને 2,000 પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા જેણે 3.5 લાખ ચોરસ મીટર જમીનને મુક્ત કરી અને ₹200 કરોડની કિંમતની સરકારી જમીનને પુનઃપ્રાપ્ત કરી. આ કાર્યવાહીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી મળી હતી જેણે અતિક્રમણકારોની અરજીઓને ફગાવી દીધી.
આ અભિયાનને દ્વારકા અને સોમનાથમાં પણ વિસ્તારવામાં આવ્યું. દ્વારકાના બેટ દ્વારકા અને પિરોટન ટાપુ પર 36થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા જેમાં મસ્જીદો અને દરગાહોનો સમાવેશ છે. આ વિસ્તારને 100% અતિક્રમણમુક્ત જાહેર કરવામાં આવ્યો છે જેના ડ્રોન ફૂટેજને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માં શેર કર્યા હતા. આ કાર્યવાહીએ સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવી અને અનધિકૃત પ્રવૃત્તિઓ જેમ કે ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગને અટકાવી. સોમનાથમાં પણ 9 મસ્જીદો અને દરગાહોને તોડી પાડવામાં આવ્યા જેણે 102 એકર જમીનને મુક્ત કરી અને ₹32 કરોડની સરકારી જમીનને પુનઃપ્રાપ્ત કરી.
આ અભિયાનની સફળતા PM મોદીની નેતૃત્વશૈલીનું પરિણામ છે જેમાં તેઓ હંમેશા વિકાસ અને કાયદાના શાસનને પ્રાથમિકતા આપે છે. PM મોદીની દૂરદર્શીતા અને નિર્ણયાત્મક અભિગમથી ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાં અતિક્રમણ જેવી સમસ્યાઓને કડકંપગલા લઈને નિકાલ કરવામાં આવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહની કાર્યશૈલી પણ પ્રશંસનીય છે જેમાં તેઓ રાજ્યની અને રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે જાણીતા છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આવા અભિયાનોને વેગ મળ્યો છે જે અનધિકૃત પ્રવેશ અને આતંકવાદી તત્ત્વોને અટકાવે છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલી આ અભિયાનની કરોડરજ્જુ છે. તેઓએ કહ્યું હતું કે ‘અમે સરકારી જમીનને ખાલી કરાવીશું અને અનધિકૃત વસાહતીઓને હટાવીશું.’ તેમની નિર્ણયાત્મક અને પારદર્શી અભિગમથી અભિયાનને સફળતા મળી છે જેમાં પોલીસ અને વહીવટી તંત્રનું સંકલન જોવા મળ્યું. સંઘવીજીની નેતૃત્વમાં ગુજરાતે અતિક્રમણમુક્ત વિસ્તારોનું નિર્માણ કર્યું છે જે વિકાસના પ્રોજેક્ટ્સ માટે જમીનને ઉપલબ્ધ કરાવે છે.

આ અભિયાનથી ગુજરાતમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. તળાવો અને દરિયાકિનારાને મુક્ત કરવાથી પર્યાવરણનું રક્ષણ થયું છે અને રાષ્ટ્રીય સુરક્ષા વધી છે. PM મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ અને સંઘવીની ત્રિપુટીએ ગુજરાતને એક સુરક્ષિત અને વિકસિત રાજ્ય તરીકે સ્થાપિત કર્યું છે જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે. આ કાર્યશૈલીથી સ્પષ્ટ છે કે કાયદાનું પાલન કરવું એ જ વિકાસની ચાવી છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

