- National
- રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન મુશ્કેલ! અઢી મહિનાનું બુકિંગ ફૂલ છે, 1.21 લાખ રૂપિયા તો ભાડું છે
રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન મુશ્કેલ! અઢી મહિનાનું બુકિંગ ફૂલ છે, 1.21 લાખ રૂપિયા તો ભાડું છે
દિલ્હીના નવા વિરોધ પ્રદર્શન સ્થળોમાંના એક રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન હવે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ શકે છે. હકીકતમાં, આગામી અઢી મહિના માટે મેદાન પર બુકિંગ માટે કોઈ તારીખો ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, ભારે બુકિંગ ફી 1 લાખ રૂપિયાથી ઉપર પહોંચી શકે છે.
અહીં તમને બતાવી દઈએ કે, દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર દ્વારા 11 ઓક્ટોબરના રોજના આદેશ હેઠળ, જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. પૂર્વ દિલ્હીમાં રામલીલા મેદાન, બુરારી મેદાન અને CBD ગ્રાઉન્ડને વિરોધ પ્રદર્શન માટે નવા સ્થળો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પરંતુ હવે, રામલીલા મેદાન પર પણ વિરોધ પ્રદર્શન કરવાનું મુશ્કેલ લાગે છે, કારણ કે આ વર્ષે મેદાન ફક્ત 29, 30 અને 31 ડિસેમ્બર માટે જ બુક કરી શકાય એમ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 12 એકરના મેદાનમાં 50,000 લોકોની બેસવાની ક્ષમતા છે. જોકે, એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, મેદાનનો એક નાનો ભાગ વિરોધ પ્રદર્શન માટે અલગ રાખવામાં આવ્યો છે, પરંતુ તેની ક્ષમતા 150 લોકો સુધી મર્યાદિત છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'મેદાન માટે બુકિંગ દર રૂ. 50,000 પ્રતિ દિવસ છે, આ સાથે જ રૂ. 55,000ની રિફંડપાત્ર સુરક્ષા ડિપોઝિટ પણ છે. કર સહિત, એક દિવસ બુકિંગનો પ્રારંભિક ખર્ચ આશરે રૂ. 1.21 લાખ થાય છે.'
રામલીલા મેદાન ભારતીય મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના બાગાયત વિભાગ દ્વારા બુક કરવામાં આવે છે, જે પરવાનગી આપે છે. નાગરિક સંસ્થા અરજીને મંજૂરી આપે તે પહેલાં દિલ્હી પોલીસ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવું પણ ફરજિયાત છે.
દિલ્હી પોલીસે તેના આદેશમાં જણાવ્યું હતું કે, આ 3 સ્થળોએ વિરોધ પ્રદર્શન માટે વિગતવાર અને સુધારેલ SOP અલગથી બહાર પાડવામાં આવશે.
વિરોધીઓનું કહેવું છે કે રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન કરવું એ કોઈપણ સંગઠન અથવા સ્થાનિક જૂથ માટે મોટો નાણાકીય બોજ છે, જ્યારે જંતર મંતર પર આવી કોઈ ફીની જરૂર નહોતી પડતી. અધિકારીઓ માને છે કે જો તેને કોઈપણ ફી વિના પ્રદર્શન માટે આપી દેવામાં આવે, તો મ્યુનિસિપલ બોડીને દરરોજ ઓછામાં ઓછા રૂ. 50,000 કે તેથી વધુનું નુકસાન થશે.
નાગરિક સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે, આ મેદાન આગામી અઠવાડિયામાં વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓ માટે અનામત છે, જેમાં દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો આવી રહ્યા છે. આ મેદાન એક વ્યસ્ત વ્યાપારી વિસ્તારમાં આવેલું છે, જેની આસપાસ 3 મુખ્ય હોસ્પિટલો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય મથકથી ઘેરાયેલું છે. મોટા કાર્યક્રમો દરમિયાન, ત્યાંના રસ્તાઓ પર ખુબ વધારે દબાણ થઇ જાય છે, જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થાય છે.
આનો ઈતિહાસ જોવા જઈએ તો આ મેદાન, એક તળાવ તરીકે શરૂ થયું હતું. જેને 1930માં માટી નાખીને એક સમાન કરી દેવામાં આવ્યું હતું, જેથી કરીને ત્યાં રામલીલાનું આયોજન કરી શકાય, ત્યાર પછીથી, આ મેદાન રાષ્ટ્રીય રાજકારણનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જે સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી અસંખ્ય ઐતિહાસિક રેલીઓ અને રાજકીય ચળવળોનું આયોજન કરવામાં આવ્યું હતું.

