- National
- મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ
મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ
પત્ની, સગીર બાળકો અને માતા-પિતા આર્થિક રીતે પોતાનો ખર્ચ ઉછાવવામાં અસમર્થ હોય, તો તેમનો ખર્ચ ઉઠાવવો એ પતિ માટે માત્ર કાયદાકીય જવાબદારી જ નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. અલ્લાહબાદ હાઈકોર્ટે મનુસ્મૃતિના એક શ્લોકનો સંદર્ભ આપતા આ વાત કહી છે. ત્યારબાદ, કોર્ટે પતિના પગારનો 25% હિસ્સો પત્નીને આપવાનો આદેશ આપ્યો.
એક મહિલાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં criminal revision petition દાખલ કરી હતી, જેમાં કાનપુર નગરની ફેમિલી કોર્ટ દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલી ભરણપોષણની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટે પતિને દર મહિને 19,000 રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો; જોકે, મહિલાએ દાવો કર્યો હતો કે આ રકમ તેના અને તેની સગીર પુત્રી બંને માટે અપૂરતી છે. તેણે આ રકમ વધારીને દર મહિને 40,000 રૂપિયા કરવાની માંગ કરી હતી.
22 ઓક્ટોબરે ચૂકાદો આપતા, જસ્ટિસ પ્રવીણ કુમાર ગિરીની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે પતિ પોતાની પત્ની, સગીર બાળકો અને વૃદ્ધ માતા-પિતાનું ભરણપોષણ કરે. ન્યાયાધીશે મનુસ્મૃતિના 11મા અધ્યાયના 10મા શ્લોકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે,
વૃદ્ધૌ ચ માતાપિતરૌ સાધ્વી ભાર્યા સુતઃ શિશુઃ।
અપકારશતં કૃત્વા ભર્તવ્યા મનુરાબ્રવીત્॥
ન્યાયાધીશે આ શ્લોકનો અર્થ જણાવ્યો કે વૃદ્ધ માતા-પિતા, સદાચારી પત્ની અને નાના બાળકોનું ભરણપોષણ કરવું જ જોઈએ. ભલે તે માટે સો ખરાબ કામોકેમ ન કરવા પડે.
LiveLawના અહેવાલ મુજબ, જસ્ટિસ પ્રવીણ કુમાર ગિરીની ખંડપીઠે અંજુ ગર્ગ અને અન્ય વિરુદ્ધ દીપક કુમાર ગર્ગ 2022ના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ આધાર લીધો હતો. આ કેસમાં, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પત્ની અને સગીર બાળકોને આર્થિક સહાયતા આપવી એ પતિની ફરજ છે. જોકે, સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કાયદેસરના કમાણી કરવાની વાત કહી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો પતિ શારીરિક રીતે સક્ષમ હોય, તો તેણે કમાવા માટે શારીરિક મહેનત પણ કરવી પડી શકે છે. તે પોતાની આ જવાબદારીથી ત્યાં સુધી નહીં બચી શકે, જ્યાં સુધી કાયદા દ્વારા જણાવવામાં આવેલા કોઈ યોગ્ય આધાર હેઠળ તેને મુક્તિ ન મળી હોય.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અન્ય એક ટિપ્પણી પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે, CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણનો મતલબ ત્યજી દેવાયેલી પત્નીને લાચાર કે ગરીબીની સ્થિતિમાં પહોંચતા બચાવવાનું છે. તેના માટે તેને તાત્કાલિક, ભોજન, કપડાં અને રહેઠાણની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
અરજદારનો પતિ ઉન્નાવ જિલ્લામાં આવેલી ઇન્ડિયન બેંકમાં 'વિન્ડો ઓપરેટર' તરીકે કામ કરે છે. તેના વકીલે જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટની પત્ની અને સગીર પુત્રી સાથે રહેવાની કોઈ શક્યતા નથી. પતિ તેમના પગારનો 25 ટકા હિસ્સો ભરણપોષણ પેટે આપવા તૈયાર છે. પછી, હાઈકોર્ટે ઇન્ડિયન બેંકના સંબંધિત વરિષ્ઠ અધિકારીને નિર્દેશ આપ્યો કે તેઓ પતિના કુલ પગારમાંથી (આવકવેરાની કપાત બાદ કર્યા વિના) 25% રકમ કાપી લે અને આ પત્નીના બેંક ખાતામાં જમા કરી દે.

