- National
- કંઈ પણ ચાલી રહ્યું છે... ગ્રામ પંચાયતે 2 પાનાની ઝેરોક્ષ માટે 4000 રૂપિયાનું બિલ ચૂકવ્યું
કંઈ પણ ચાલી રહ્યું છે... ગ્રામ પંચાયતે 2 પાનાની ઝેરોક્ષ માટે 4000 રૂપિયાનું બિલ ચૂકવ્યું
મધ્ય પ્રદેશના શહડોલમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. જનપદ પંચાયત જયસિંહનગરની ગ્રામ પંચાયત કુંદરીમાં માત્ર 2 પાનાંની ઝેરોક્ષ માટે 4000 રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું હતું. સરપંચ અને પંચાયત સચિવની કથિત મિલીભગતથી આ નકલી બિલ પાસ થઈ ગયું અને તેની ચૂકવણી પણ કરી દેવામાં આવી. હવે આ બાબત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બિલમાં બતાવવામાં આવ્યું છે કે, 'રાજ ઝેરોક્ષ સેન્ટર અને ડિજિટલ સ્ટૂડિયો’ પરથી 2 પાનાંની ઝેરોક્ષ માટે પાનાં દીઠ 2000 રૂપિયાના દરે કુલ 4000 રૂપિયા લેવામાં આવ્યા હતા, જ્યારે ઝેરોક્ષની કિંમત સામાન્ય રીતે પાનાં દીઠ 1-2 રૂપિયા હોય છે. બિલમાં અન્ય સામગ્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્યત્વે આ ઝેરોક્ષ પર કેન્દ્રિત છે. પંચાયતે પોતાનો સત્તાવાર સિક્કો લગાવીને તેને મંજૂરી આપી.
https://twitter.com/RaviTripathi25/status/1960876465375076835
શહડોલ જિલ્લામાં સતત ભ્રષ્ટાચારના કેસોની શ્રેણીમાં આ ઘટના એક નવો અધ્યાય છે. ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવેલી રકમની આવી હેરાફેરી સામાન્ય લોકો સુધી પહોંચતી સુવિધાઓને પ્રભાવિત કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આવા નકલી બિલો પંચાયત સ્તરે પારદર્શિતાનો અભાવ દર્શાવે છે.
તો, શાહડોલના કલેક્ટર કેદારસિંહે આ કેસ પર કહ્યું કે, ‘સંભવત ક્વોન્ટિટી 2000 અને રેટ 2 રૂપિયા લખવામાં ભૂલ થઈ હશે.’ જો કે, તેમનું નિવેદન લોકોને સંતુષ્ટ ન શક્યું. વિરોધી પાર્ટીઓ અને સામાજિક કાર્યકરો તપાસની માગ કરી રહ્યા છે. જિલ્લા પ્રશાસને તપાસનો આદેશ આપ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

