- National
- લાંચના આરોપમાં ફસાયા ન્યાયાધીશ, તરફેણમાં ચુકાદો આપવા માટે રૂ. 15 લાખની લાંચ માંગી!
લાંચના આરોપમાં ફસાયા ન્યાયાધીશ, તરફેણમાં ચુકાદો આપવા માટે રૂ. 15 લાખની લાંચ માંગી!
મુંબઈમાં સિવિલ કોર્ટના જજ પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ કડક પકડ બનાવી છે. ન્યાયાધીશ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તેઓ આ કેસમાં વોન્ટેડ જાહેર છે.
મુંબઈની સિવિલ કોર્ટમાંથી તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જમીન વિવાદના કેસમાં તરફેણમાં ચુકાદો મેળવવા માટે એડિશનલ સેશન્સ જજ તરફથી રૂ. 15 લાખની લાંચ લેવાના આરોપમાં એક કારકુનની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ બુધવારે આ જાહેરાત કરી. મઝગાંવ સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝીને આ કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં આ પહેલી ઘટના છે, જેમાં એડિશનલ સેશન્સ જજ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ACBએ મંગળવારે ક્લાર્ક ચંદ્રકાંત વાસુદેવની ધરપકડ કરી હતી.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ના જણાવ્યા અનુસાર, ફરિયાદીની પત્નીએ કંપનીની જમીન બળજબરીથી જપ્ત કરવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારપછી, ન્યાયાધીશે શરૂઆતમાં અનુકૂળ નિર્ણય માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી, પરંતુ ત્યાર પછી આ રકમ રૂ. 15 લાખમાં નક્કી થઇ ગઈ હતી. અહેવાલો અનુસાર, રૂ. 25 લાખની લાંચમાંથી રૂ. 10 લાખ ક્લાર્ક વાસુદેવનો હિસ્સો હતો, અને બાકીના રૂ. 15 લાખ જજ કાઝી માટે અનામત રાખવામાં આવ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, 2016માં હાઈકોર્ટે વિવાદિત જમીન પર તૃતીય પક્ષના અધિકારો પર પ્રતિબંધ મૂક્યો હતો. જમીનની કિંમત રૂ. 10 કરોડથી ઓછી હોવાથી, કેસ મઝગાંવની સિવિલ સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. ACBએ અહેવાલ આપ્યો કે, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ, ફરિયાદીને વાસુદેવનો ફોન આવ્યો. ત્યારપછી વાસુદેવ ચેમ્બુરના એક કાફેમાં ફરિયાદીને મળ્યા અને રૂ. 25 લાખની માંગણી કરી. ફરિયાદીએ મોટી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વાસુદેવ વારંવાર ફોન કરીને લાંચની માંગણી કરતા રહ્યા, જેના પગલે ફરિયાદીએ 10 નવેમ્બરના રોજ ACBમાં ફરિયાદ નોંધાવી.
ત્યારપછી ACBએ તેમને ફસાવવા માટે છટકું ગોઠવ્યું. ACBના નિર્દેશ પર, ફરિયાદી કોર્ટ પરિસરમાં વાસુદેવને 15 લાખ રૂપિયા ચૂકવવા સંમત થયા. ત્યાં પહોંચીને, વાસુદેવે ન્યાયાધીશને પૈસા મળ્યાની જાણ કરી. વાસુદેવની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. હાલમાં, વાસુદેવને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, જ્યારે જજ કાઝી હજુ પણ વોન્ટેડ છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલુ છે.

