- National
- ભાજપના MLA જેમની 3300 કરોડની સંપત્તિ છે, તેમણે અચાનક રિક્ષાચાલકને મારવાનું કેમ શરૂ કર્યું?
ભાજપના MLA જેમની 3300 કરોડની સંપત્તિ છે, તેમણે અચાનક રિક્ષાચાલકને મારવાનું કેમ શરૂ કર્યું?
મુંબઈના ઘાટકોપર વિસ્તારનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ધારાસભ્ય અને એક ઓટો-રિક્ષા ચાલક દેખાય છે. જોકે, ધારાસભ્યના આ કૃત્યથી વિપક્ષને ધારાસભ્ય પરાગ શાહ અને BJP પર હુમલો કરવાનો મોકો મળી ગયો.
વીડિયોમાં ધારાસભ્ય પરાગ શાહ એક રિક્ષા રોકે છે અને તેની સાથે વાતચીત કરે છે, તે દરમિયાન અચાનક ડ્રાઇવરને થપ્પડ મારવા લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે રિક્ષા ચાલક ખોટી દિશામાં રીક્ષા ચલાવી રહ્યો હતો. આ ઘટના ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં બની હતી, જ્યાં ધારાસભ્ય શાહ અને સ્થાનિક રહેવાસીઓ ગેરકાયદેસર ફેરિયાઓ અને ટ્રાફિક સમસ્યા સામે વિરોધ કરી રહ્યા હતા. વિરોધની વિગતો ધારાસભ્ય શાહના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી હતી, જ્યાં તેમણે લખ્યું હતું કે, 'ઘાટકોપર પૂર્વમાં ફેરિયાઓ સામે કડક આંદોલન.'
હવે અહીં ધારાસભ્ય કદાચ એ ભૂલી ગયા હોય તેવું લાગે છે કે તેમનો અધિકાર ફક્ત વિરોધ કરવાનો છે અને સરકાર કે વહીવટીતંત્ર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવાનો છે, વ્યક્તિગત રીતે હાથમાં ડંડો લઈને રસ્તાનું સંચાલન કરવાનો નથી. પરંતુ નેતાજી તો નેતાજી જ રહ્યા. સમર્થકો તેમની સાથે હતા, તેથી તેમનામાં જોશ આવી ગયું અને તેમણે ઓટો ડ્રાઈવરને માર મારવાનું શરૂ કર્યું.
https://twitter.com/IndiaToday/status/2002446852063678655
જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી વિપક્ષ ધારાસભ્ય પરાગ શાહ અને BJP પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે ધારાસભ્ય પરાગ શાહ પર નિશાન સાધતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે BJPના ધારાસભ્યો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું, 'BJPના ધારાસભ્ય એટલા ઘમંડી થઈ ગયા છે કે તેઓ ગરીબ રિક્ષા ડ્રાઈવરોને પણ છોડતા નથી. ઘાટકોપરમાં, BJPના ધારાસભ્ય પરાગ શાહે આજે એક રિક્ષા ડ્રાઈવરને માર માર્યો, કારણ કે તેણે ટ્રાફિક નિયમો તોડ્યા હતા. BJPના ધારાસભ્યો કાયદો પોતાના હાથમાં લે છે, કારણ કે તેઓ માને છે કે તેઓ કાયદાથી ઉપર છે, અને હવે તેઓ રસ્તા પર માર મારવા લાગ્યા છે! આ BJPનો અસલી ચહેરો છે. BJP મોટા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો માટે લાલ જાજમ પાથરીને ગરીબ અને મહેનતુ લોકોને માર મારવાની મજા લે છે.'
પરાગ શાહ 2019થી મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘાટકોપર પૂર્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ચૂંટણી સોગંદનામા મુજબ, શાહ પાસે 3,383.06 કરોડ રૂપિયાની સંપત્તિ છે, અને 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યના સૌથી ધનિક ઉમેદવાર હતા.

