- National
- 45 દિવસમાં 30 કરોડની કમાણી... CM યોગીએ વિધાનસભામાં સંભળાવી મહાકુંભના નાવિકની સક્સેસ સ્ટોરી
45 દિવસમાં 30 કરોડની કમાણી... CM યોગીએ વિધાનસભામાં સંભળાવી મહાકુંભના નાવિકની સક્સેસ સ્ટોરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે વિધાનસભામાં મહાકુંભને લઈને તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે, મહાકુંભમાં કરોડો લોકો આવ્યા અને છેડતી, લૂંટ, હત્યા જેવી કોઈ અઘટિત ઘટના ન બની. આ દરમિયાન તેમણે એક નાવિકની સક્સેસ સ્ટોરી પણ શેર કરી.
સદનને સંબોધતા મુખ્યમંત્રીયોગીએ કહ્યું કે, તમે કહ્યું કે અમે સાંપ્રદાયિક છીએ, બતાવો અમે ક્યાંથી સાંપ્રદાયિક છીએ. અમારો તો આદર્શ છે ‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામય’ અને તેનું સૌથી આદર્શ ઉદાહરણ મહાકુંભનું આયોજન છે. મહાકુંભમાં ભારતના વિકાસ અને વારસાની છાપ નજરે પડી. શું કુંભમાં કોઈ સાથે ભેદભાવ થયો? કોઈ સાથે ન જાતિનો, ન ક્ષેત્રનો, ન મત અને ન તો ધર્મના આધારે કોઈ ભેદભાવ ન થયો.
મુખ્યમંત્રી યોગીએ વિધાનસભામાં કુંભ દરમિયાન એક નાવિક પરિવારની સફળતાની કહાની શેર કરી. તેમણે કહ્યું કે, હું અહીં એક નાવિક પરિવારની સફળતાની કહાની કહી રહ્યો છું. આ નાવિક પરિવાર પાસે 130 નાવ હતી. 45 દિવસની અવધિમાં આ લોકોએ 30 કરોડ રૂપિયાની ચોખ્ખી બચત કરી છે. એટલે કે એક નાવે 45 દિવસમાં 23 લાખ રૂપિયાની કમાણી કરી. સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'કાકા મહાકુંભમાં જવા માગતા હતા, પરંતુ ચૂકી ગયા.'
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે સૌનો સાથ, સૌના વિકાસની વાત કરીએ છીએ. 45-દિવસીય આ આયોજને ભારતના વારસા અને વિકાસની એક અનુપમ છાપ ન માત્ર ભારત, પરંતુ આખી દુનિયામાં છોડી છે. આ કાર્યક્રમના સફળ આયોજનનો પડઘો લાંબા સમય સુધી દુનિયામાં સંભળાશે. આ આપણા સનાતન ધર્મ માટે ગર્વની વાત છે. આ માત્ર આધ્યાત્મિક ઉપલબ્ધિ નથી, પરંતુ આ આયોજનથી આપણી અર્થવ્યવસ્થાને 3.5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થવાની અપેક્ષા છે.
સંભલ પર તેમણે કહ્યું કે, સંભલમાં 56 વર્ષથી શિવ મંદિર જળાભિષેકનો કાર્યક્રમ થઈ રહ્યો છે. માત્ર સંભલમાં જ 68 મંદિરો અને 19 કૂપ હતા, જેમને એક શરારત હેઠળ એક નિશ્ચિત સમયની અંદર નષ્ટ કરી દેવામાં આવ્યા. 68 તીર્થોમાંથી 54 તીર્થને શોધવા એ આપણા વારસાનો એક ભાગ છે. અમે તો એ જ કર્યું. અમે તો એટલું જ કહ્યું કે, જે અમારું છે તે મળવું જોઈએ. અમે તેની વિરુદ્ધ ક્યાંય જવાના નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વભરમાંથી સંત સમાજ આવ્યા. છેડતીની કોઈ ઘટના ન બની. મહાકુંભમાં આવનાર દરેક વ્યક્તિ અભિભૂત થયા. મહાકુંભ આપના માટે અગ્નિપરીક્ષા હતો. કુંભ દરમિયાન લૂંટ, હત્યા કે અપહરણની કોઈ ઘટના બની નથી.