- National
- બાપ બિહારમાં મૌલવી, દીકરો UPમાં પૂજારી... કાસિમ કૃષ્ણ બનીને શિવ મંદિરમાં પૂજા કરાવતો
બાપ બિહારમાં મૌલવી, દીકરો UPમાં પૂજારી... કાસિમ કૃષ્ણ બનીને શિવ મંદિરમાં પૂજા કરાવતો
ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, બિહારના એક મૌલવીનો પુત્ર મોહમ્મદ કાસિમ મંદિરમાં રહેતો હતો અને પોતાને કૃષ્ણ ગણાવીને પૂજા કરાવતો હતો. એક વર્ષથી પોતાની ઓળખ છુપાવીને મંદિરમાં રહેતા આ યુવકનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે મંદિર પરિસરમાં આવેલા કેટલાક લોકોને તેના પર શંકા ગઈ. પૂછપરછ દરમિયાન, તેણે સત્ય સ્વીકાર્યું. ત્યારપછી પોલીસે તેની ધરપકડ કરી.
જ્યારે કેટલાક ગ્રામજનોને તેના વર્તન પર શંકા ગઈ, ત્યારે તેની પાસેથી ઓળખ માટે તેનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું, પછી તે પહેલા તો બહાના બનાવવા લાગ્યો. પછી તે થોડા સમય માટે ગામમાંથી ગાયબ થઈ ગયો. ત્યાર પછી, તે અચાનક મંદિરમાં પાછો આવ્યો અને ત્યાં રહેવા લાગ્યો. આ સમય દરમિયાન, લોકોને ફરી એકવાર તેના વર્તન પર શંકા ગઈ અને આખરે તેની વાસ્તવિકતા સામે આવી.
હકીકતમાં, મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના દાદરી ગામમાં સ્થિત એક પ્રાચીન શિવ મંદિરમાં લાંબા સમયથી પૂજારી નહોતા. એક વર્ષ પહેલા, એક યુવક ગામમાં પહોંચ્યો અને દિલ્હીના રહેવાસી કૃષ્ણ પુત્ર સંતોષ તરીકે પોતાનો પરિચય આપીને મંદિરમાં રહેવાની પરવાનગી માંગી. ગામલોકોને કોઈ વાંધો નહોતો, કારણ કે મંદિરની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તેમણે તે યુવકને પરવાનગી આપી. કૃષ્ણ તરીકે ઓળખાતા આ યુવકે માત્ર મંદિરમાં રહીને પૂજા કરવાનું શરૂ કર્યું નહીં, પરંતુ ધીમે ધીમે સ્થાનિક ગ્રામજનોનો વિશ્વાસ પણ મેળવ્યો. તે સવાર-સાંજ પૂજા, પ્રસાદ વિતરણ, હવન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. આ ઉપરાંત, તે હસ્તરેખા અને જ્યોતિષશાસ્ત્ર વિશે પણ વાત કરવા લાગ્યો, જેના કારણે ગામલોકો તેને ધાર્મિક ગુરુની જેમ માનવા લાગ્યા.
થોડા સમય પછી, ગામના કેટલાક લોકોએ તેની ભાષા, વર્તન અને વ્યક્તિત્વમાં કંઈક અલગ જોયું. જ્યારે તેની પાસે તેનું ઓળખપત્ર માંગવામાં આવ્યું, ત્યારે તે છટકી ગયો અને આધાર કાર્ડ લાવવાના બહાને 15 દિવસ સુધી ગાયબ રહ્યો. તેનાથી ગામલોકોની શંકા વધુ ઘેરી બની. ઘણા દિવસો પછી, તે ફરીથી મંદિરમાં આવ્યો અને રહેવા લાગ્યો. થોડા દિવસો પછી, જ્યારે મંદિરમાં ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તે ત્યાં પણ પહોંચ્યો અને મંદિરના એક ઓરડામાંથી કેટલીક વસ્તુઓ કાઢવા લાગ્યો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક ગ્રામજનોએ તેને રોક્યો અને તેની પૂછપરછ શરૂ કરી. મામલો એટલો વધી ગયો કે કેટલાક લોકોએ તેને પકડી લીધો અને પોલીસને ફોન કર્યો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની કડક પૂછપરછ કરી. શરૂઆતની પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમ્મદ કાસિમ જણાવ્યું અને સ્વીકાર્યું કે તે મૂળ બિહારનો છે. એટલું જ નહીં, તેણે એ પણ સ્વીકાર્યું કે તેના પિતાનું નામ અબ્બાસ છે, જે બિહારમાં મૌલવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાસિમ ઘણા મહિનાઓથી મંદિરમાં રહેતો હતો અને દાનની રકમનો ઉપયોગ પોતાના અંગત ઉપયોગ માટે પણ કરી રહ્યો હતો.
SP સિટી મેરઠ આયુષ વિક્રમ સિંહે જણાવ્યું કે, થાણા દૌરાલા વિસ્તારમાં આવેલા એક મંદિરમાંથી માહિતી મળી હતી કે, એક વ્યક્તિ પોતાને હિન્દુ ગણાવીને પૂજારી તરીકે રહે છે. સ્થળ પર પહોંચ્યા પછી પૂછપરછ કરવામાં આવી ત્યારે તે વ્યક્તિની ઓળખ મોહમ્મદ કાસિમ તરીકે થઈ, જે બિહારનો રહેવાસી છે. તેણે પોતાનું નામ બદલીને કૃષ્ણ રાખ્યું હતું અને મંદિરમાં રહીને પૂજાના નામે દાન પણ એકત્રિત કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મંદિરમાંથી દાનમાં મળેલી રકમનો દુરુપયોગ કરવા અને ધાર્મિક ઓળખ છુપાવીને આસ્થા સાથે રમત કરવાના આરોપસર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે આરોપીના દાવાઓની ચકાસણી કરવા માટે બિહાર પોલીસનો સંપર્ક કર્યો છે અને તેના રહેઠાણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, શું આ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે વ્યક્તિગત લાભ માટે કરવામાં આવેલી છેતરપિંડી. SP સિટીએ સ્પષ્ટતા કરી છે કે, જો આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી જોવા મળશે અથવા જો કોઈ સંગઠિત પ્રયાસ જોવા મળશે, તો તે દિશામાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

