- National
- મસ્જિદ 1100 એકર જમીનને ગણાવી રહી હતી વક્ફ પ્રોપર્ટી, હાઈકોર્ટે એક ઝટકામાં છીનવી લીધી; જાણો શું છે આખ...
મસ્જિદ 1100 એકર જમીનને ગણાવી રહી હતી વક્ફ પ્રોપર્ટી, હાઈકોર્ટે એક ઝટકામાં છીનવી લીધી; જાણો શું છે આખો મામલો
તામિલનાડુના તિરુનેલવેલીમાં એક મસ્જિદ 1100 એકર ગામની જમીનનો દાવો કરી રહી હતી અને કહી રહી હતી કે તે વક્ફ સંપત્તિ છે અને તેનો ઉપયોગ માત્ર મુસ્લિમ ધાર્મિક કાર્યો માટે થવો જોઈએ. જ્યારે આ કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો, ત્યારે મદ્રાસ હાઇકોર્ટે દાવાને એક ઝટકામાં ફગાવી દીધો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વક્ફ સંપત્તિમાં માત્ર 2.34 એકર જમીન છે, જે 1712માં મદુરાઇ સામસ્થાનમના તત્કાલીન શાસકે દાન કરી હતી. કાંસ્ય પત્રક પર તેના પુરાવો છે, પરંતુ બાકીની જમીન બિલકુલ મસ્જિદની નથી.
આ કેસમાં મસ્જિદે દાવો કર્યો હતો કે, આ વિશાળ ક્ષેત્ર વક્ફ સંપત્તિમાં આવે છે અને તેનો ઉપયોગ ધાર્મિક અને સામાજિક હેતુઓ માટે થવો જોઈએ. મસ્જિદ તરફથી તર્ક આપવામાં આવ્યો હતો કે સમગ્ર 1100 એકર પર તેનો ધાર્મિક અધિકાર છે. તેનાથી વિપરીત જમીન પર અધિકાર ધરાવતા અન્ય પક્ષોએ તેનો વિરોધ કર્યો અને તેને કોર્ટમાં પડકાર્યો. મદ્રાસ હાઇકોર્ટે આ કેસની સુનાવણી બાદ ઇતિહાસ અને દસ્તાવેજોના આધારે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે ઇતિહાસ કાંસ્ય પત્રોમાં બોલે છે, ત્યારે ખોટા દાવાઓ ઓગળી જાય છે. 1712ના કાંસ્ય પત્રક સ્પષ્ટ દર્શાવે છે કે માત્ર 2.34 એકર જમીન પર મસ્જિદનો અધિકાર છે અને બાકીની જમીન અન્ય પક્ષની છે અથવા જાહેર ઉપયોગ માટે અનામત રાખવામાં આવી હતી.
આ નિર્ણયમાં કોર્ટે એ પણ દર્શાવ્યું હતું કે, વક્ફ સંપત્તિની વાસ્તવિકતા અને તેના કાયદાકીય દાવાને ઇતિહાસ અને દસ્તાવેજોના આધારે નક્કી કરવા જોઈએ. આ પ્રકારે મોટા દાવાઓ અને આરોપો છતા કોર્ટે ઐતિહાસિક દસ્તાવેજોને સર્વોપરી ગણાવ્યા. આ નિર્ણય મસ્જિદ માટે ઝટકો છે, કારણ કે તેણે જમીનના મોટા હિસ્સા પર દાવો કર્યો હતો. હવે, મસ્જિદ માત્ર 1712માં આપવામાં આપવામાં આવેલી મણ્યમ હેઠળ પ્રમાણિત જમીનનો ઉપયોગ કરી શકે છે. કોર્ટના નિર્ણયથી એવો સંદેશ પણ મળ્યો કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા વક્ફ દાવા કાયદાકીય અને ઐતિહાસિક દસ્તાવેજોના આધારે જ માન્ય રહેશે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ કેસ વક્ફ સંપત્તિ અને ઐતિહાસિક દસ્તાવેજોના મહત્ત્વને ઉજાગર કરે છે. તે દર્શાવે છે કે લાંબા સમયથી કરવામાં આવી રહેલા દાવાઓ પણ કાયદાકીય પ્રક્રિયા અને પુરાવાઓનો સામનો કરી શકતા નથી. આ નિર્ણય તિરુનેલવેલી જિલ્લામાં જમીન વિવાદો પર પણ અસર કરી શકે છે. આ અન્ય વક્ફ સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનોને સંકેત આપશે કે ઐતિહાસિક પુરાવા અને કાયદાકીય દસ્તાવેજો તેમના દાવાઓ માટે આવશ્યક છે.
મદ્રાસ હાઈકોર્ટનો આ નિર્ણય વક્ફ સંપત્તિના મામલામાં ઇતિહાસ અને દસ્તાવેજીકરણના મહત્ત્વ પર ભાર મૂકે છે અને ભવિષ્યમાં આવા કેસોમાં કોર્ટના દૃષ્ટિકોણનું માર્ગદર્શન કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે ખોટા દાવાઓ અને અતિશયોક્તિઓ માટે કોઈ જગ્યા નથી અને નિર્ણયો માત્ર પુરાવાના આધારે લેવામાં આવશે. આ નિર્ણય ધાર્મિક સંસ્થાઓ માટે એક ચેતવણી પણ છે કે તેઓ પોતાના દાવાઓમાં ઈમાનદારી અને ચોકસાઈ બતાવે.

