- National
- શું ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર બેન લાગશે? કોર્ટે સરકારને કહ્યું...
શું ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર બેન લાગશે? કોર્ટે સરકારને કહ્યું...
ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પૂરી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ વધી રહી છે. મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જનહિતની અરજી (PIL) પર સુનાવણી કરતા ન્યાયાધીશ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચન્દ્રનની ડિવિઝન બેન્ચે ઇન્ટરનેટ પર બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને એક સલાહ પણ આપી છે.
મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની શક્યતા શોધવા અને ઓસ્ટ્રેલિયા જેવો જ કાયદો બનાવવાની સલાહ આપી છે. બેન્ચે કહ્યું કે સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી બાળકો માટે હાનિકારક છે. માતા-પિતા સાથે-સાથે સરકારની પણ જવાબદારી છે કે તેઓ બાળકોને આવી સામગ્રીથી બચાવે, કારણ કે તેનાથી તેમના સામાજિક, નૈતિક અનેવ્યાવહારિક જીવન પર અસર પડે છે અને દેશ માટે પણ તે ખતરનાક છે.
મદુરાઈ બેન્ચે કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને કાયદો નહીં બનાવે, ત્યાં સુધી દેશભરના સંબંધિત અધિકારીઓ અને વિભાગો જાગૃતિ અભિયાન ચલાવીને માતા-પિતાને બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગથી થતા નુકસાન અને જોખમો વિશે જણાવે અને તેનાથી બચવા માટે ઉપાય પણ જણાવે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે કમિશન બનાવીને બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર દેખરેખ રાખવાની જરૂર છે, કારણ કે તેનાથી સાઇબર બુલિંગનું જોખમ વધારે છે.
તમને જણાવી દઈએ કે, મદુરાઈ જિલ્લાના એસ. વિજયકુમારે 2018માં જનહિતની અરજી દાખલ કરીને રિટ ઓફ મેન્ડમસની માંગ કરી હતી. સાથે જ દેશભરના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs)ને પેરેન્ટ વિન્ડો અથવા પેરેન્ટલ કંટ્રોલ સર્વિસ પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટ પર જે અશ્લીલ સામગ્રી પ્રસારિત થાય છે, તે બાળકો સુધી સરળતાથી પહોંચી રહી છે. માત્ર અશ્લીલ સામગ્રી જ નહીં, પરંતુ જાતીય શોષણ કરતી સામગ્રી પણ તેમના સુધી સરળતાથી પહોંચે છે, જેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેમના ભાવનાત્મક અને વ્યાવહારિક વિકાસ પર અસર પડે છે.

