- National
- ₹11ની વસ્તુ પર ₹325ની MRP: તુકારામ મુંઢેએ હોસ્પિટલોના જંગી નફાખોરીના ખેલનો પર્દાફાશ કર્યો
₹11ની વસ્તુ પર ₹325ની MRP: તુકારામ મુંઢેએ હોસ્પિટલોના જંગી નફાખોરીના ખેલનો પર્દાફાશ કર્યો
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના વડા અને સીનિયર IAS અધિકારી તુકારામ મુંઢેએ હોસ્પિટલોમાં વપરાતી તબીબી સામગ્રીઓ અને દવાઓ પર વસૂલવામાં આવતા અંધાધૂંધ નફાખોરી સામે લાલ આંખ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ખરીદ કિંમત કરતાં સેંકડો અને હજારો ગણી વધુ કિંમત ચૂકવી રહ્યા છે, જ્યારે તેમને તેની મૂળ પડતર કિંમત વિશે કશી જ ખબર હોતી નથી.
મહારાષ્ટ્રમાં અત્યારે મુંઢેના નેતૃત્વ હેઠળ FDA દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું કે, ‘હોસ્પિટલના બિલનો સૌથી મોંઘો ભાગ કદાચ ક્યારેય હોસ્પિટલ સુધી પહોંચતો જ નથી. સારવાર માટે દાખલ થયેલા દર્દી પાસે એ જાણવાનો કોઈ રસ્તો નથી હોતો કે મેડિકલ કન્ઝ્યુમેબલ પર લખેલી કિંમત તેની વાસ્તવિક પડતર કિંમત દર્શાવે છે કે વોર્ડ સુધી પહોંચતા પહેલાં જ નક્કી કરી દેવાયેલું જંગી માર્જિન. માહિતીનો આ તફાવત મૂળભૂત રીતે જાહેર આરોગ્યનો એક ગંભીર મુદ્દો છે.’

તુકારામ મુંઢેએ મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં વપરાતી સામગ્રી અંગેના એક સર્વેક્ષણના આંકડા ટાંકીને ખરીદ કિંમત અને MRP વચ્ચેનો આશ્ચર્યજનક તફાવત જાહેર કર્યો હતો:
IV ઇન્ફ્યુઝન સેટ: જેની ખરીદ કિંમત માત્ર ₹11.05 છે, તેના પર ₹325ની MRP છાપવામાં આવી છે, જે 2,841 ટકાનો જંગી માર્જિન દર્શાવે છે.
સિરિંજ (Syringe): ₹6.75માં ખરીદાયેલી સિરિંજ પર ₹57.20ની MRP છાપવામાં આવી છે.
કેથેટર (Catheter): ₹29.41માં મળતું કેથેટર દર્દીઓને ₹310ની MRP સાથે વેચવામાં આવે છે.
મુંઢેએ ઉમેર્યું કે, ‘આ કોઈ મરજિયાત ખરીદી નથી.’ જ્યારે કોઈ દર્દી સારવાર હેઠળ હોય છે, ત્યારે તે કિંમતો સરખાવી શકતો નથી, અન્ય વિકલ્પો શોધી શકતો નથી કે મેડિકલ પ્રોડક્ટ પર છાપેલી કિંમત સામે સવાલ પણ ઉઠાવી શકતો નથી.

ઉત્પાદકો અને વિતરકો દ્વારા પહેલેથી જ ઊંચી MRP નક્કી કરી દેવામાં આવે છે, જે મૂળ ખરીદ કિંમત સાથે કોઈ મેળ ખાતી નથી. આનાથી એક અસ્પષ્ટ માર્જિન ઊભું થાય છે. આના પરિણામે એવી સિસ્ટમ બને છે જ્યાં ખર્ચ ભોગવનાર (દર્દી) પાસે જ કિંમતના મૂલ્યાંકન માટે સૌથી ઓછી માહિતી હોય છે.
દવાઓની કિંમતો અને નિયમનનું કામ સંભાળતા FDA કમિશનર મુંઢેએ તબીબી સામગ્રીના ભાવ નિર્ધારણમાં રહેલી માળખાકીય ખામી તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે 'ડ્રગ્સ (પ્રાઇસ કન્ટ્રોલ) ઓર્ડર, 2013' હેઠળ નિયત કરેલી દવાની કિંમતો પર મહત્તમ મર્યાદા લાગુ પડે છે, પરંતુ મોટાભાગના મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમેબલ્સ પર આવું કોઈ નિયંત્રણ નથી. આ કારણે તેમની કિંમતો અને દર્દીઓને મળતી માહિતી બંને સંપૂર્ણપણે મોનિટરિંગ વગરના રહી જાય છે.
આ પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે તુકારામ મુંઢેએ જણાવ્યું કે, આ સર્વેક્ષણના તારણોની સમીક્ષા કરીને ખરીદ કિંમત અને જાહેર કરાયેલી MRP વચ્ચે સ્વીકાર્ય તફાવત અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)ને ભલામણ કરવામાં આવી છે. આ પગલાંથી કિંમતના તફાવતની સાથે દર્દીઓ જે માહિતીના અભાવનો સામનો કરે છે તેને પણ દૂર કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે મુંઢેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રભરમાં ખાદ્ય સુરક્ષાને લઈને વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. અનેક હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ક્લબો પર દરોડા પાડીને નોટિસો આપવામાં આવી છે તેમજ નિયમભંગ બદલ કેટલાંક એકમો બંધ પણ કરાવાયા છે. કડક કામગીરી માટે તેમની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.

