- National
- બંગાળમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી! તેમાં 75 ટકા સુધી જીવ જવાનું જોખમ; જાણો કેટલો ભયાનક છે, અને તેને...
બંગાળમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી! તેમાં 75 ટકા સુધી જીવ જવાનું જોખમ; જાણો કેટલો ભયાનક છે, અને તેને કેવી રીતે અટકાવવો
પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ પછી નિપાહ વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. આનાથી આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. આ વાયરસ અત્યંત ખતરનાક છે અને તેનો મૃત્યુદર ખૂબ જ ઊંચો હોવાનું કહેવાય છે. હાલમાં, તેના માટે કોઈ રસી કે ચોક્કસ દવા નથી. પરિસ્થિતિ પર નજર રાખવા માટે બંગાળમાં એક ખાસ કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 જાન્યુઆરીએ કોલકાતા નજીક AIIMS કલ્યાણીમાં ચેપની પુષ્ટિ થઈ હતી. આ પછી, પરીક્ષણ અને તકેદારી તાત્કાલિક વધારી દેવામાં આવી હતી. બંગાળ પહોંચેલી કેન્દ્રીય ટીમમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી અને પર્યાવરણ મંત્રાલયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ તમામ મળીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ચેપના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, બંને શંકાસ્પદ દર્દીઓ નર્સ જ છે, જે તે જ હોસ્પિટલમાં કામ કરે છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. સરકાર એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આખરે તેમને નિપાહ વાયરસનો ચેપ લાગ્યો કેવી રીતે. જાણવા મળ્યું છે કે, તેઓ થોડા દિવસો પહેલા બર્ધમાન ગયા હતા, તેથી ત્યાં પણ પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સરકારે હાલના નજીકના દિવસોમાં આ નર્સોના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર 24 પરગણા, પૂર્વ બર્ધમાન અને નાદિયા જિલ્લામાં મોટા પાયે પરીક્ષણ અને દેખરેખ ચાલી રહી છે. જ્યાં આ નર્સો કામ કરી ચુકી છે અથવા તો મુસાફરી કરી છે, તે વિસ્તારો પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ત્રણ હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યા છે.
નિપાહ વાયરસ સામાન્ય રીતે ફળ ખાનારા ચામાચીડિયા દ્વારા ફેલાય છે. આ ઉપરાંત તે ડુક્કર અને કેટલાક અન્ય પ્રાણીઓથી પણ માણસોમાં ફેલાઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાયો છે. આ રોગ મગજ પર અસર કરે છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીઓનું મૃત્યુ પણ થઇ શકે છે. નિષ્ણાતોના મતે, મૃત્યુદર 40 થી 75 ટકા સુધીનો હોઈ શકે છે. હાલમાં, આ વાયરસ માટે કોઈ કાયમી ઈલાજ કે રસી નથી.
નિપાહ વાયરસને રોકવા માટે સ્વચ્છતા અને સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. બીમાર પ્રાણીઓથી અંતર જાળવી રાખવું, હોસ્પિટલોમાં યોગ્ય રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવો અને ચેપગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. શરૂઆતના લક્ષણો સામાન્ય તાવ જેવા જ હોય છે. રોગને ઓળખવો મુશ્કેલ બની શકે છે. મગજ સંબંધિત લક્ષણો દેખાય કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર કહે છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાની કોઈ જરૂર નથી; ફક્ત સાવધાની અને તકેદારી રાખવી ખુબ જરૂરી છે.

