- National
- પ્રશાંત કિશોરે AAPની હાર પર કહ્યું કે, કેજરીવાલની એક ભયંકર ભૂલથી બંને તરફ થયું નુકસાન
પ્રશાંત કિશોરે AAPની હાર પર કહ્યું કે, કેજરીવાલની એક ભયંકર ભૂલથી બંને તરફ થયું નુકસાન

દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 67 અને 62 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી (AAP)ને આ વખતે મોટી હારનો સામનો કરવો પડ્યો. તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં, અરવિંદ કેજરીવાલનો પક્ષ ફક્ત 22 બેઠકો પર સમેટાઈ ગયો અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા કબજે કરી. AAPની હાર અંગે, જન સૂરાજના સ્થાપક અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે આવું ત્રણ ભૂલોને કારણે થયું, જેમાંથી એક તો અરવિંદ કેજરીવાલની ભયંકર ભૂલ હતી.

પ્રશાંત કિશોરે મીડિયા સૂત્રને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, AAP શાસન, ગઠબંધન અને અરવિંદ કેજરીવાલના રાજીનામા અંગે કરેલી ત્રણ ભૂલોને કારણે AAP હારી ગઈ. તેમણે કહ્યું, 'AAP ક્યારેય કેડર આધારિત પાર્ટી રહી નથી. આ એક એવો પક્ષ છે, જે એક આંદોલનમાંથી ઉભરી આવ્યો છે અને લોકોએ તેને જીત અપાવી છે. તે એક સ્વયંસેવકો દ્વારા સંચાલિત પાર્ટી હતી, જે તમારા સમર્થકો છે તેઓ ચૂંટણી દરમિયાન સ્વયંસેવકો બની જાય છે. તે તમારો પ્રતિબદ્ધ કાર્યકર્તા નથી. તેમને લાગ્યું કે તમે એક નવા પ્રકારની રાજકીય વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો, તેથી તેમણે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને તમને જીતાડ્યા હતા.'
AAPની હારના કારણો જણાવતા પ્રશાંત કિશોરે કહ્યું, 'ત્રણ-ચાર વાતો જે દૂરથી સમજી શકાય છે. એક, શાસનના અભાવે સત્તા વિરોધી લહેર હતી. આ સમયગાળામાં જનતાને શિક્ષણ સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. શાસન તેના નીચલા સ્તરે હતું, ખાસ કરીને ગયા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ઘટના અને મોહલ્લા ક્લિનિક ધરાશાયી થવાની ઘટના. યમુના, પ્રદૂષણની સમસ્યા પર તમે આપેલા વચનો... એકંદરે, લોકોના જીવનને અસર કરતી સમસ્યાઓમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અથવા કેટલાક કિસ્સાઓમાં તો ઉલટો ઘટાડો થયો છે. એક એની કોઈ અસર થઈ જ હશે.'

પ્રશાંત કિશોરે કહ્યું કે, ક્યારેક 'INDIA' ગઠબંધન સાથે રહેવાને કારણે અને ક્યારેક દૂર રહેવાને કારણે તેમને બેવડું નુકસાન સહન કરવું પડ્યું. તેમણે કહ્યું, 'આમ આદમી પાર્ટી જે પાર્ટી વિથ ડિફરન્સના ટેગ સાથે આવી હતી, તે ધીમે ધીમે નબળી પડતી ગઈ. INDIA જોડાણમાં ભાગ લેવો અને નહીં લેવો, બંનેમાં તેની સ્થિતિ સમાજ નહોતી આવતી, તમે તેનો ભાગ છો કે નહીં, લોકસભામાં સાથે મળીને લડ્યા અને વિધાનસભામાં અલગથી લડ્યા. એક મોટો વર્ગ કહેતો હતો કે, ઉપર PM મોદી અને નીચે કેજરીવાલ, તે તમારા હાથમાંથી નીકળી ગયો છે, તે વર્ગ, જે ઇચ્છે છે કે તમે PM મોદીને હરાવવા માટે INDIA ગઠબંધનનો ભાગ બનો, તે પણ ગુસ્સે થઈ ગયો, બંને બાજુ નુકસાન થયું.'
ચૂંટણી રણનીતિકારે કહ્યું કે, તેમણે ખોટા સમયે રાજીનામું આપવાનો નિર્ણય લીધો જેના કારણે તેમને બંને તરફ નુકસાન થયું. PKએ તેને મહા ભયંકર ભૂલ ગણાવી. તેમણે કહ્યું, 'તેમણે કરેલી ત્રીજી વ્યૂહાત્મક ભૂલ એ હતી કે, જ્યારે કેજરીવાલજી સામે દારૂ કૌભાંડનો કેસ આવ્યો, ત્યારે તેમણે જેલમાં જતા પહેલા ઉચ્ચ નૈતિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈતું હતું.' તેનો એક ફાયદો થઇ શકે તેમ હતો. લોકોને લાગે છે કે આ એ રાજકીય લોકો છે જે એવા ધોરણો નક્કી કરી રહ્યા છે કે, જો મારા પર કોઈ આરોપ લાગશે તો હું રાજીનામું આપી દઈશ. તમે એવું ન કર્યું, તેથી તમને નૈતિક ઉચ્ચ સ્થાન ન મળ્યું. જ્યારે તમે જેલમાંથી બહાર આવ્યા, ત્યારે તમે તમારા પદ પરથી રાજીનામું આપ્યું અને તે વર્ગ પણ ગુસ્સે થયો જે ઇચ્છતો હતો કે કેજરીવાલ કોઈપણ સંજોગોમાં CM રહે. શાસન, રાજકીય સ્થિતિ અને રાજીનામું, આ ત્રણેય મુખ્ય નિર્ણયોમાં સ્પષ્ટતાનો અભાવ હતો.'