- National
- દિલ્હીમાં પેલેટ ગનનો શિકાર બનેલા પીડિતની FIR ના નોંધાતા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધીના ધરણા
દિલ્હીમાં પેલેટ ગનનો શિકાર બનેલા પીડિતની FIR ના નોંધાતા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધીના ધરણા
દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન બહાર શુક્રવારે ભારે રાજકીય નાટક સર્જાયું હતું. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા એક પીડિત સાથે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. પીડિત યુવકે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ આ મામલે FIR નોંધવાનો ઈનકાર કરી રહી છે. રાહુલ ગાંધી 19 વર્ષીય સાહિલ લોચબ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સાહિલ 20 જુલાઈના રોજ Gen Z દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના પ્રહારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
સામે આવેલા દૃશ્યોમાં રાહુલ ગાંધી સાહિલ લોચબ અને અન્ય સાથીઓ સાથે અચાનક પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા, જેને જોઈને ત્યાં હાજર પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. જ્યારે પોલીસે FIR નોંધવાની ના પાડી, ત્યારે રાહુલ ગાંધીએ પોલીસ સ્ટેશનની બહાર જ જમીન પર બેસીને વિરોધમાં ધરણા શરૂ કરી દીધા હતા. કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પોલીસ FIR નહીં નોંધે ત્યાં સુધી રાહુલ ગાંધી ધરણા સમાપ્ત નહીં કરે.

કોંગ્રેસ પક્ષે દાવો કર્યો છે કે 20 જુલાઈના 'સંસદ ચલો' માર્ચ દરમિયાન RAF - રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ત્યારબાદના દિવસોમાં કેટલાક દેખાવકારો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જોકે, દિલ્હી પોલીસે પેલેટ ગન ચલાવવાના દાવાઓને સતત નકાર્યા છે, જ્યારે CRPF તરફથી આ મુદ્દે હજુ સુધી મૌન જાળવવામાં આવ્યું છે.

આમ છતા ઈજાગ્રસ્ત દેખાવકારોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ્સ અને ઈન્ડિયા ટુડેના તપાસ અહેવાલ બાદ 20 જુલાઈના રોજ પેલેટ ગનનો ઉપયોગ ન થયો હોવાના પોલીસના દાવા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
https://twitter.com/ANI/status/2090701255366869469
ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈના રોજ પરીક્ષાના પેપર લીક મામલે તત્કાલીન શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ વિરોધ પ્રદર્શનના પરિણામે થોડા દિવસો બાદ તત્કાલીન શિક્ષણ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ ઘટનાક્રમ દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સૌપ્રથમ પીડિત યુવક સાથે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમને માહિતી મળી હતી કે નવી દિલ્હીના DCP સચિન શર્મા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં હાજર છે. ત્યાર બાદ રાહુલ ગાંધી સીધા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ અંગે અપડેટ માંગી હતી.

