- National
- શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે
મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત એક ગુરુદ્વારાની અંદર શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર એક નિહંગ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બાદલના હાથ પર ઈજા પહોંચતાં તેમને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે આશરે 1.45 વાગ્યે નાંદેડના ગુરુદ્વારા નજીક આ ઘટના બની હતી. હોસ્પિટલ જતી વખતે બાદલના હાથ પર કાપડ વીંટાળેલું જોવા મળ્યું હતું. તેમના હાથ પર બે થી ત્રણ ટાંકા આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ હુમલા દરમિયાન બાદલની સુરક્ષામાં તૈનાત ગાર્ડ પણ ઘાયલ થયો હતો. નાંદેડના જિલ્લા કલેક્ટર રાહુલ કારડેલે જણાવ્યું હતું કે, બાદલ અને તેમની રક્ષા કરતી વખતે ઘાયલ થયેલા પોલીસ અધિકારી બંને હાલ સુરક્ષિત અને ખતરાથી બહાર છે.
https://twitter.com/ANI/status/2087867557516877900
કલેક્ટરે વધુ વિગતો આપતાં કહ્યું, બાદલ અને સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટના એક PSI બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બંનેના હાથ પર વાગ્યું છે. સુખબીર સિંહ બાદલના જમણા હાથ પર લગભગ 4 થી 5 સેન્ટીમીટરનો ઘા પડ્યો છે અને ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ હુમલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે નાંદેડના પોલીસ સુપ્રિટેન્ડન્ટ પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી માંગી છે અને હુમલા પાછળનો હેતુ શું હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ બાદલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, જેમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

(ગયા વર્ષે ગોલ્ડન ટેમ્પલમાં થયો હતો હુમલો)
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ બાદલ સાથે વાત કરીને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી અને સુરક્ષામાં થયેલી ચૂક સ્વીકારી હતી.
મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તુરંત જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. નાંદેડના SP નીલાભ રોહને જણાવ્યું, ગુરુદ્વારાની અંદર એક નિહંગે કિર્પાણ વડે બાદલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરને તુરંત જ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા વિરસા સિંહ વલ્ટોહાએ પાર્ટી પ્રમુખ પર થયેલા આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને ઊંડી તપાસની માંગ કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, આવા હુમલા પાછળ કયા બળો કામ કરી રહ્યા છે તે સામે આવવું જોઈએ.
https://twitter.com/PTI_News/status/2087830614099837305
બીજી તરફ, અકાલી નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ આ સમગ્ર ઘટનાની CBI તપાસની માંગ કરી છે.
ગયા વર્ષે ગોલ્ડન ટેમ્પલ બહાર બાદલ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં મજીઠિયાએ આરોપ લગાવ્યો, નારાયણ ચોરા નામનો વ્યક્તિ ISI દ્વારા તાલીમ પામેલો છે અને પંજાબ પોલીસ પાસે તેના સંબંધિત મજબૂત પુરાવા છે. પંજાબના મુખ્યમંત્રીએ 2024ના એ હુમલાની નિંદા પણ કરી નહોતી. એસપી હરપાલ રંધાવા આજે પણ અમૃતસરમાં જ તૈનાત છે. જૂની ઘટનાની યોગ્ય તપાસ ન થવાને કારણે જ આજે આ બીજી ઘટના બનવા પામી છે.

