- National
- શિક્ષક બનવું હોય તો હવે TET પાસ કરવું જરૂરી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
શિક્ષક બનવું હોય તો હવે TET પાસ કરવું જરૂરી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સોમવારે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે બધા નવા શિક્ષકો અને અગાઉ જ નોકરી કરતા અને પ્રમોશન ઇચ્છતા શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘જો કોઈ શિક્ષક નવી નોકરી અથવા પ્રમોશન ઇચ્છે છે, તો TET પાસ કર્યા વિના તેમનો કોઈ દાવો યોગ્ય માનવામાં નહીં આવે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે કહ્યું કે, જે શિક્ષકોની 5 વર્ષથી ઓછી સેવા બાકી છે તેમણે TET પાસ કરવાની જરૂર નથી. તેઓ નિવૃત્તિ સુધી નોકરી પર રહી શકે છે. જો કે, જો આવા શિક્ષકો પ્રમોશન મેળવવા માગતા હોય, તો તેમના માટે TET પાસ કરવું ફરજિયાત રહેશે.
કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે શિક્ષણ અધિકાર અધિનિયમ (2009) અમલમાં આવ્યા પહેલા જેમની નિમણૂક થઈ હોય અને જેમની 5 વર્ષથી વધુ સેવા બાકી છે, તેમણે 2 વર્ષની અંદર TET પાસ કરવી પડશે. જો તેઓ આમ ન કરી શકે, તો તેમણે નોકરી ગુમાવવી પડશે. આવા શિક્ષકોને માત્ર ટર્મિનલ બેનિફિટ્સ જ મળશે.
લઘુમતી દરજ્જો પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓને રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આદેશ હાલ તેમને લાગૂ નહીં પડે. કોર્ટે કહ્યું કે, RTE કાયદો લઘુમતી શાળાઓને લાગૂ પડે છે કે નહીં તે કાયદાકીય સવાલ હાલમાં સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી લઘુમતી સંસ્થાઓના શિક્ષકો માટે TET ફરજિયાત નહીં રહે.

