- National
- બાંકે બિહારીના મંદિરનો ખજાનો 54 વર્ષ પછી ખૂલ્યો, વાસણો, પેટીઓ અને... જાણો અન્ય કંઈ-કંઈ વસ્તુઓ મળી
બાંકે બિહારીના મંદિરનો ખજાનો 54 વર્ષ પછી ખૂલ્યો, વાસણો, પેટીઓ અને... જાણો અન્ય કંઈ-કંઈ વસ્તુઓ મળી
મથુરાના પ્રખ્યાત બાંકે બિહારી મંદિરનો ખજાનાનો રૂમ 54 વર્ષ પછી શનિવારે ખોલવામાં આવ્યો. આ રૂમ 1971થી બંધ હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ-શક્તિવાળી વચગાળાની સમિતિના આદેશથી તેને ખોલવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાનું નિરીક્ષણ સિવિલ જજ (જુનિયર ડિવિઝન) અને અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રૂમ ખોલવાની પ્રક્રિયા બપોરે 1 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહી. રૂમને ખોલવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર પછી કામ પૂરું કરીને ફરીથી સીલ કરી દેવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, કેટલાક પિત્તળના વાસણો, લાકડાની વસ્તુઓ અને કેટલાક બોક્સ મળી આવ્યા હતા, પરંતુ કોઈ સોનું, ચાંદી અથવા કિંમતી ધાતુઓ મળી આવી ન હતી.
ADM (નાણા અને મહેસૂલ) ડૉ. પંકજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, ઓડિટરની ટીમે રૂમમાં મળી આવેલી વસ્તુઓની સંપૂર્ણ યાદી તૈયાર કરી છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે; બાકીનું કામ હવે પછીની તારીખે કરવામાં આવશે, જ્યારે સિવિલ જજની હાજરીમાં રૂમ ફરીથી ખોલવામાં આવશે.
ગોસ્વામી સમુદાયના કેટલાક સભ્યોએ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે. સમિતિના સભ્ય શૈલેન્દ્ર ગોસ્વામીએ કહ્યું, 'આ વચગાળાની સમિતિ ફક્ત ભક્તોની સુવિધા માટે બનાવવામાં આવી હતી, મંદિરની તિજોરીનો રૂમ ખોલવા માટે નહીં. આ પગલું સત્તાનો દુરુપયોગ છે.' તેમણે ઉમેર્યું કે તેમણે આ અગાઉ પણ આનો વિરોધ કરતો પત્ર લખ્યો હતો.
મંદિર સેવાયત અને સુપ્રીમ કોર્ટના વકીલ સુમિત ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે, સમિતિ પાસે તિજોરી ખોલવાનો અધિકાર નથી. આ પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું ન હતું, જેનાથી તેની પારદર્શિતા પર સવાલો ઉભા થયા હતા. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.
મંદિરના અન્ય એક સેવક, જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે, પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હતો અને મીડિયાને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભક્તોની સુવિધામાં સુધારો કરવાનો હતો, આવા વિવાદો ઉભા કરવાનો નહીં.

