- National
- પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!
પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!
આંધ્રપ્રદેશના કુર્નૂલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ આ વિશેની જાણકારી એક સમાચાર એજન્સીને આપી હતી. એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, તેણે જે ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપ્યું હતું તે તેના ભૂતપૂર્વ ડોક્ટર પ્રેમીની પત્ની છે.
આરોપીઓની ઓળખ કુર્નૂલના રહેવાસી B. બોયા વસુંધરા (34), કોંગ જ્યોતિ (40), એડોનીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ, અને તેના બે બાળકો, જે દરેક 20ની ઉંમરના છે, તરીકે થઈ છે. મહિલાએ ત્રણ લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, તેમની 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓએ એક સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસેથી HIV પોઝીટીવ લોહીના નમૂના લીધા હતા. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિઓએ નમૂનાઓ લેવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે નમૂનાઓ સંશોધન માટે લેવામાં આવી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ચેપગ્રસ્ત લોહી રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવાનો દાવો કર્યો હતો અને ત્યાર પછી પીડિતાને તે જ નમૂનાથી ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરે તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા, જેને તે સહન કરી શકી ન હતી.
તેથી, તેણે તેમને અલગ કરવાનું કાવતરું રચ્યું. ત્યારપછી તેણે જાણી જોઈને રોડ અકસ્માત કર્યો અને પીડિતાને મદદ કરવાનું નાટક કર્યું. પછી, તેને હોસ્પિટલ લઈ જતી વખતે, તેણે પીડિતાને HIV વાયરસનું ઇન્જેક્શન આપી દીધું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 9 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યે બની હતી. કુર્નૂલની એક ખાનગી મેડિકલ કોલેજમાં સહાયક પ્રોફેસર, પીડિતા તેની હોસ્પિટલમાંથી લંચ માટે પોતાના સ્કૂટર પર ઘરે પરત ફરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મોટરસાઇકલ પર આવેલા બે માણસોએ વિનાયક ઘાટ નજીક KC કેનાલ પાસે તેના સ્કૂટરને ઇરાદાપૂર્વક ટક્કર મારી હતી, જેના કારણે તે પડી ગઈ હતી અને તેને ઈજા થઈ હતી. ત્યારપછી આરોપીઓ મદદ કરવાના બહાને તેની પાસે આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વસુંધરાએ તેને ઓટો-રિક્ષામાં લઈ જવાનો પ્રયાસ કરતી વખતે તેને HIV વાયરસનું ઇન્જેક્શન આપી દીધું હતું. જ્યારે પીડિતાએ જોરથી બૂમ બરાડા પાડ્યા ત્યારે તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
પીડિતાના પતિ, જે પોતે પણ એક ડોક્ટર છે, તેમણે 10 જાન્યુઆરીએ કુર્નૂલ-3 ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 126(2), 118(1), 272 અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલુ છે.

