- National
- ટ્રાન્સજેન્ડર શિક્ષિકાને બે વાર નોકરીમાંથી કાઢી મૂકાઈ, કોર્ટે શાળા અને સરકાર બંનેને વળતર ચૂકવવાનો હુ...
ટ્રાન્સજેન્ડર શિક્ષિકાને બે વાર નોકરીમાંથી કાઢી મૂકાઈ, કોર્ટે શાળા અને સરકાર બંનેને વળતર ચૂકવવાનો હુકમ કર્યો
જેન કૌશિક નામની 32 વર્ષીય ટ્રાન્સજેન્ડર મહિલાએ ટ્રાન્સજેન્ડર ઓળખને કારણે બે વાર નોકરી ગુમાવી. શાળા શિક્ષિકા તરીકેની લાયકાત પૂર્ણ કરવા છતાં, તેને ખાનગી શાળામાં નોકરી આપવામાં આવી નહીં. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે જેન કૌશિકને રાહત આપી અને શાળા અને રાજ્ય સરકારોને પીડિતાને 50,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. રાહત છતાં, જેન કૌશિક આ નિર્ણયથી નાખુશ છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મૂળ દિલ્હીની જેનને 2022 અને 2023 વચ્ચે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ખાનગી શાળાઓમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. 2022માં, તેણે આ શાળાઓ સામે ફરિયાદો દાખલ કરી. વિવિધ કાનૂની પાસાઓમાંથી પસાર થતો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ વર્ષે 17 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદો આપ્યો કે ખાનગી સંસ્થાઓને ટ્રાન્સ વ્યક્તિઓ સાથે ભેદભાવ કરવાની પરવાનગી નથી.
કોર્ટે શાળાઓ અને સંબંધિત રાજ્ય સરકારો બંનેને જેનને 50,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. ટ્રાન્સજેન્ડર અધિકારોનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે એક સલાહકાર સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. બેન્ચે એવી પણ ભલામણ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટ્રાન્સજેન્ડર લોકોને રોજગાર અને શિક્ષણમાં સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા માટે સમાન ક્ષેત્ર નીતિ વિકસાવશે.
આ નીતિ ડ્રાફ્ટ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર લાગુ થવી જોઈએ. જો કોઈ સંસ્થા (જેમ કે શાળા, કાર્યાલય, વગેરે) પાસે પોતાની નીતિ નથી, તો કેન્દ્ર સરકારની નીતિ લાગુ થશે. જોકે, જેન કૌશિકે આ નિર્ણયથી નિરાશા વ્યક્ત કરી હતી.
મીડિયા સૂત્રો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તે આ નિર્ણયથી નાખુશ છે. તેને ઉત્તર પ્રદેશની એક શાળામાંથી 45,000 રૂપિયાનો પગાર મળતો હતો. તેને આઠ મહિના સુધી કામથી દૂર રહેવું પડ્યું. અંતે, 2023માં, તેને ગુજરાતની એક શાળા તરફથી ઓફર લેટર મળ્યો. પરંતુ જ્યારે શાળાને ખબર પડી કે તે એક ટ્રાન્સજેન્ડર મહિલા છે, ત્યારે તેઓએ તેને નોકરી પર રાખવાનો ઇનકાર કર્યો જ નહીં પરંતુ તેને શાળામાં દાખલ થવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
જેને બતાવ્યું હતું કે, જો તેને નોકરી છોડવાની ફરજ પાડવામાં ન આવી હોત, તો તે લાખો રૂપિયા કમાઈ શકી હોત. આ વળતર તેને જીવનનિર્વાહ ચલાવવા માટે પૂરતું નથી. જો શાળા કે સરકારને પાઠ ભણાવવા માંગતા હોતે તો વળતર વધારે આપવાનું કહેવું હતું.
જેન સમજાવે છે કે, તેણે 2018માં તેના પરિવાર સમક્ષ પોતાનું સત્ય જાહેર કર્યું. ત્યારે તેના માતાપિતા અને બે નાના ભાઈ-બહેનોએ તેને સંપૂર્ણ ટેકો આપ્યો. તેઓએ તેના ટ્રાન્સજેન્ડર ટ્રાન્સફર અને લિંગ સર્જરીમાં પણ સાથ આપ્યો હતો, અને તે બાબતે સંપૂર્ણ ટેકો આપ્યો. 2022માં સ્નાતક થયા પછી, તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, ત્રણ કે ચાર શાળાઓએ તેને નકારી કાઢી. ઘણી શાળાઓએ તેને ફક્ત ત્યારે જ નોકરી પર રાખવાની ઓફર કરી જો તે તેની ઓળખ છુપાવી રાખે.
જેનના મતે, તે પરિવારનો ખર્ચ ઉઠાવવા માટે મદદ કરી શકે તેમ ન હતી. આનાથી ઘરનું વાતાવરણ વધુ ખરાબ થયું. ત્યાર પછી તેને ઘર છોડવું પડ્યું. આ દરમિયાન, તેને રસ્તા પર રહેવા, ભીખ માંગવા અને સેક્સ વર્કર તરીકે પણ કામ કરવાની ફરજ પડી. તમામ સંઘર્ષો વચ્ચે, તે હાલમાં હૈદરાબાદની એક શાળામાં તેની લિંગ ઓળખ છુપાવીને કામ કરી રહી છે, કારણ કે તે શાળાની આ જ શરત હતી.
તે કહે છે કે તે દિલ્હી-NCRમાં કામ કરવા માંગતી હતી, પરંતુ તેને નોકરી મળી નહીં. જેન માને છે કે, ટ્રાન્સજેન્ડર સમુદાય સામેની વાસ્તવિક સમસ્યા રાજકીય અને વહીવટી ઉદાસીનતા છે. તે કહે છે કે, જ્યાં સુધી નેતાઓ અને અધિકારીઓ સમુદાય સાથે સીધા જોડાઈને કામ કરશે નહીં, ત્યાં સુધી કંઈ બદલાશે નહીં.

