- Agriculture
- રાજ્યની પુનઃ જમીન માપણી પૂરી થઈ, ગોટાળા તેમ જ રહ્યાં
રાજ્યની પુનઃ જમીન માપણી પૂરી થઈ, ગોટાળા તેમ જ રહ્યાં

ગુજરાતના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે દાવો કર્યો હતો કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પારદર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રિ-સરવેની કામગીરી આરંભી હતી. એટલું જ નહીં ખાતેદારોના હિત પ્રત્યે પૂર્ણસંવેદનશીલતા દાખવીને આ કામગીરી સફળતાથી હાથ ધરાઈ છે. જમીન રિ-સરવેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે પૂરી તકેદારી રાખી છે અને એટલે જ ગુજરાતની શ્રેષ્ઠ કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવી છે અને ગુજરાતની આ કામગીરીથી અન્ય રાજ્યો માર્ગદર્શન મેળવી રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં જમીનોની રિ-સરવે કામગીરી સને 2009-10થી શરૂ કરી તબક્કાવાર તમામ 33 જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવેલી છે. આ કામગીરીનું ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરની સમિતિઓ દ્વારા સતત મોનીટરિંગ અને સુપરવિઝન પછી નવું રેકર્ડ તૈયાર કરવામાં આવી રહેલું છે. આ કામગીરી ઓનલાઈન સ્પર્ધાત્મક ટેન્ડરો મેળવી રાષ્ટ્રીય સ્તરે આધુનિક માપણીની ટેક્નોલોજીની જાણકાર નિષ્ણાત અને જમીન મોજણીની કામગીરીના અનુભવ ધરાવતી કુલ 9 (નવ) એજન્સીઓ મારફતે હાથ ધરાઈ છે.
કેન્દ્ર પુરસ્કૃત યોજના ડીજીટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઈઝેશન પ્રોગ્રામ
DILRMP હેઠળ ગુજરાત રાજ્યે ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડ સુસ્પષ્ટ અને સ્થળ સ્થિતિ તથા કબજા મુજબ તૈયાર થાય તે સારું સમગ્ર દેશમાં આ કામગીરીની પહેલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ઈલેકટ્રોનિક ટોટલ સ્ટેશન (DGPS) સીસ્ટમ અંતર્ગત સેટેલાઈટ દ્વારા જમીન રિ-સરવેની કામગીરી છે.
રિ-સરવે કામગીરી મુખ્ય ચાર તબક્કામાં કરવામાં આવે છે. જેમાં માપણી , માપણીના પ્રાથમિક નકશા પરત્વે ખાતેદાર દ્વારા કોઈ ભૂલ અંગેની રજૂઆત કરે તો તેનો નિકાલ, માપણીની ભૂલોની નિકાલ થયા પછી નવા તૈયાર થયેલ રેકર્ડની મહેસુલીતંત્રના તમામ જવાબદાર કર્મચારી અને અધિકારી દ્વારા નિયમાનુસાર ચકાસણી અને રેકર્ડ ચકાસણી પછી તેને પ્રમાણિત એટલે કે પ્રમોલગેશન કરવાની કામગીરી. આ ચારેય તબક્કાની કામગીરી પારદર્શી અને ભૂલો વગરની થાય તે માટે સ્વયં સ્પષ્ટ સૂચનાઓ,પરિપત્રો અને માર્ગદર્શિકા અમલમાં છે.
માપણીની વૈજ્ઞાનિક પદ્ધતિ
દરેક ગામે ગ્રામસભા પછી જે તે ખાતેદાર કે હિસ્સેદારની હાજરીમાં સ્થળ પર જઈ જમીન માપણી આધુનિક સાધનો ETS અને DGPS. મશીન વડે કરવામાં આવે છે. રિ-સરવે પછી તમામ પૈકી સરવે નંબરોને નવા નંબર અપાનાર હોય માપણી શરૂ કરતાં પહેલાં તમામ પૈકી નંબરોની માહિતી મેળવી તથા તેની માપણીના ડેટાને કચેરીમાં પ્રોસેસ કરી સ્થળ સ્થિતિ મુજબના દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે. માપણી કામગીરી વધુ ચોક્કસ થાય તે હેતુસર સમગ્ર રાજ્યમાં DGPS અક્ષાંશ રેખાંશ મુજબના 1.70 લાખ જેટલા બેંચ માર્ક ચાર સ્તરની ગ્રીડના કાયમી રેફરન્સ તરીકે ઊભા કરેલા છે. જેના આધારે વિગતવાર માપણી કરવામાં આવી છે. જમીનોના નકશાના ઉપયોગ માટે 93 જેટલા ચિંન્હ ઉપરાંત ઓળખ પ્રમાણે ફીચર કોડ તરીકે જુદા જુદા 30 જેટલા ચિન્હ અને કલર મુજબની માહિતી નવા રેકર્ડમાં આવરી લેવાયેલ છે. માપણી સમયે જિલ્લા જમીન દફ્તર નિરીક્ષકની કચેરીના સરવેયરો અને જે તે ગામના આગેવાનોની ગ્રામ સમિતિના સભ્યો સતત ઉપસ્થિત રહે છે.
માપણી પછી દરેક ખાતેદારોને તેમના ખેતરના નકશા અને ક્ષેત્રફળમાં પારદર્શીતા લાવવા સારું પ્રથમવાર મીટર સેંટીમીટરમાં ફરતાં બાંધમાપ દર્શાવી નોટીસ પાઠવી જો માપણી કામગીરીમાં ભૂલ હોય તો વાંધા રજુ કરવા વિનંતી કરવામાં આવે છે,અને સરવેયર દરેક ગામે અગાઉ જાણ કરી ખાસ કાર્યક્રમ કરી ખાતેદારના વાંધા નિકાલ કરે છે.
નવા તૈયાર થયેલા રેકર્ડને પણ નિયમાનુસાર વિગતવાર ચકાસણી જિલ્લા જમીન દફ્તર નિરીક્ષક કચેરી, મામલતદાર કચેરી અને તલાટી કચેરી દ્વારા કર્યા પછી નાયબ કલેકટર દ્વારા એક માસની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી ફરીથી દરેક ખાતેદારને વાંધા રજુ કરવાની તક આપી મુદત પુરી થયા પછી પ્રમાણિત એટલે કે પ્રમોલગેશન કરવામાં આવે છે.
આ રિ-સરવેમાં ખેડૂતોને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે અને એટલે જ પ્રમોલગેશન પછી પણ કોઈપણ ખેડૂત ખાતેદારને નવા મહેસુલી રેકર્ડ અંગે કોઈપણ વાંધો હોઈ કે ભૂલ જણાય તો તેવી ક્ષતિઓ દુર કરાવવા અંગે પ્રમોલગેશન થયા તારીખથી બે વર્ષ સુધીના સમયગાળા માટે માત્ર સાદી અરજી કરી અને કોઈપણ માપણી ફી ભર્યા વગર દાદ મેળવી શકે તેમ મહેસુલ વિભાગે ઠરાવ કરેલ છે. આવા કિસ્સામાં અપીલ કરવાની કાયદાકીય જોગવાઈ સામે સાદી અરજીથી ખેડૂત વાંધો લઈ શકે છે.
આ કામગીરીના દરેક તબક્કે ગુણવત્તા જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે, અને કરારમાં પેનલ્ટી અંગે વિગતવાર જોગવાઈ પણ રખાઈ છે.
ગુજરાતમાં 18,047 ગામોમાંથી હાલ પ્રથમ તબક્કામાં 18034 ગામોની માપણી પૂર્ણ કરવામાં આવી છે તથા 12,102 ગામોનું પ્રમોલગેશન પણ કરવામાં આવ્યું છે. પ્રમોલગેશન પછી આવેલી વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.
રિ-સરવે કામગીરીનો ફાયદો
સમગ્ર રાજ્યમાં એકસરખા રેકર્ડ ઉપલબ્ધ થશે. ડીજીટલ રેકર્ડ સહેલાઈથી કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ પરથી જોઈ શકાશે અને તેની નકલો પણ મેળવી શકાશે. દરેક ખાતેદારોને બાંધમાપ સાથેના નક્શા અને ગામ નમૂના નંબર 7 ઉપલબ્ધ થશે અને ખાતેદારને પોતાના ખેતરના માપ ખબર હોવાથી અંદરોઅંદરના દબાણ ઘટશે.
ખરેખર શું સ્થિતિ છે
જમીન પુનઃ માપણીમાં ખેડૂતોની જમીનોના 80 ટકા સરવે નંબરની માપણી ખોટી થઈ હોવાનો આરોપ ખએડૂતોએ અનેક જગ્યાએ મૂકેલો છે. છતાં પોતાની સરકાર ભૂલ સ્વીકારવા તૈયાર નથી. જમીન પુનઃ માપણીની કામગીરી પારદર્શક રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે પૂરતી તકેદારી રાખી હોવાનું સરકારે કહે છે પણ તે કાગળ ઉપર દોરેલી જમીન માપણી વાસ્તવમાં સ્થળ પર જઈને કરાયેલી ન હોવાથી સરવે ખોટા છે. કૌશિક પટેલ કહે છે કે સમગ્ર રિ-સરવેની કામગીરી વૈજ્ઞાનીક ઢબે કરાઈ છે. રાજ્ય સરકારના મોજણી અધિકારીઓએ મહેસૂલ વિભાગને અહેવાલ આપ્યો છે કે, મોજણી ખોટો થઈ છે. લોકો ફરિયાદ કરે છે કે 80 ટકા નકશા ખોટા છે. તેમ છતાં મહેસુલ પ્રધાન કહે છે કે, ડીફરન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ મુજબના અક્ષાંશ-રેખાંશ માટે 1.70 લાખ બેન્ચ માર્ક ઉભા કરાયા છે. તો 80 ટકા નકશા ખોટા કેમ છે તે એક સવાલ છે. હજારો ગામોમાં ખેડૂતો આવેદન આપી રહ્યાં છે કે તેમની જમીનની મોજણી ખોટી થઈ છે. ફરીથી કરો. મહેસૂલ પ્રધાન વારંવાર કહે છે કે મોજણી બરાબર થઈ છે. તો શું આ હજારો ખેડૂતો ખોટા છે ?
નદી ત્યાં રસ્તો અને રોડ ત્યાં નદી
ખેડૂતોના ખેતરોમાં રોડ આવી ગયા છે અને રોડ હતા ત્યાં નદી આવી ગઈ છે. ખેતરો બદલાઈ ગયા છે. આ પરીણામાં સદીઓ સુધી ખેડૂતોએ ભોગવવા પડશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગારીમાં પોલંપોલ બહાર આવ્યું છે. ખેતરોમાં જઈને જમીન માપણી કરવાના બદલે સેટેલાઈટની મદદથી જ માપણી કરતા જમીનોના કબજેદારો બદલાઈ ગયા છે.
સવા કરોડ ખેતર બરબાદ, ભ્રષ્ટાચાર કેટલો
ગુજરાત સરકારના રૂ.262 કરોડના જમીન પુન: સરવે પ્રોજેક્ટમાં ગોટાળા બહાર આવ્યા છે. રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો છે અને એકેય ખેતરોની જમીન માપણી સાચી રીતે થઈ નથી. IICT ટેકનોલોજી નામની હૈદરાબાદ ખાનગી એજન્સી દ્વારા ખેતરોમાં જઈને કામગીરી કરવાના બદલે સેટેલાઈટની મદદથી માપણીની કામગીરી પૂર્ણ કરી લીધી છે. આ એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. સરકારી અધિકારીઓને પણ કામગીરીની પુરતી ચકાસણી વગર જ કામગીરી પૂર્ણ થયાના પ્રમાણપત્રો કંપનીને આપી દીધા છે. મહેસૂલ વિભાગના 99 ટકા અધિકારીઓ પૈસા લીધા વગર કોઈનું કામ કરતાં નથી. રાજ્ય સરકારે ખાનગી કંપનીને નાણાં પણ ઝડપથી ચૂકવી દીધા છે. બન્ને પક્ષના રાજકારણીઓને પણ તેમાં હિસ્સો આપી દેવાયો છે. એક મીટરે રૂ.4નો ભાવ હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. જમીન સરવેમાં થોડા ફૂટનો પણ તફાવત આવે તો તે કંપનીએ એના પોતાના ખર્ચે ફરી સર્વે કરવાની શરત હતી. પણ એવું કરવા માટે સરકારે ક્યારેય ફરજ પાડી નથી.
ભ્રષ્ટાચાર
જમીન માપણી માટેના પ્રોજેક્ટ પાછળ સરકાર રૂ.800થી રૂ.1200 કરોડનો તોતીંગ ખર્ચ કરી રહી છે પરંતુ આ કામગીરી જે એજન્સીને સોંપવામાં આવી છે તે સ્થળ માપણીને બદલે સેટેલાઈટ મેપિંગનો આધાર લઈને કામગીરી કરી છે. જમીન માપણી માટેના નીતિ-નિયમોનું પાલન કરાયું નથી. આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કરતા ખેડૂત અગ્રણીઓ કહે છે કે, આ કામગીરીથી માપણીનો હેતુ સરવાનો નથી પરંતુ ઝઘડા વધી જશે.
ગૌચરો ગુમ, માફિયાઓને ફાયદો
ગામના ગૌચર ગાયબ થઈ ગયા હોવા છતાં પણ કંપની સામે કોઈ પગલાં ભાજપના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે લીધા નથી. એટલું જ નહીં રાજ્ય સરકાર પોતે ભાજપના નેતા સાથે જોડાયેલી આ કંપનીનું કૌભાંડ છાવરવા માટે પ્રજાના પૈસે, સરકારના ખર્ચે વાંધા અરજીઓ લઈને સરવે કરાવી રહી છે. ખરેખર તો તે કંપની પાસેથી વસૂલ કરવી જોઈતી હતી. પણ આ પ્રોજેક્ટ સરકારને પાંચ હજાર કરોડથી વધારેમાં પડશે. કારણ કે સમગ્ર રાજ્યમાં ફરીથી મોજણી કરવી પડશે.
કરાર પ્રમાણે પુનઃ માપણી કરવી પડે
ગુજરાત સરકાર અને કંપની વચ્ચે થયેલા કરાર મુજબ 50% કરતા વધારે જમીન માપણીમાં ભૂલો નીકળે તો જે તે ગામની કે જિલ્લાની જમીન માપણી સંપૂર્ણ રદ્દ કરીને ફરીથી જમીન માપણી કરવી જોઈએ. આવો લેખિતમાં કરાર હોવા છતાં તે અંગે કોઈ પગલાં સરકારે આજ સુધી લીધા નથી તેથી મહેસૂલ પ્રધાન તરફ શંકાની સોય તાકવામાં આવી રહી છે.
અરજીઓ કાને ધરાતી નથી
જમીનની સ્થળ પર માપણી કરવા 7 કંપનીઓને એક પણ મોજણીદાર ગયા નથી. બધું ઉપગ્રહની મદદથી કર્યું છે. જે કાગળ પર કંઈક છે અને સ્થળ પર કંઈક છે. કૌશિક પટેલ કહે છે કે, જમીન માપણી સમયે જમીન દફ્તર કચેરીના મોજણીદાર જાતે ગ્રામ સમિતીના સભ્યોની સાથે ઉપસ્થિત રહે છે. પણ એક પણ ગામમાં ન જો મોજણી કરનાર ગયા છે કે તેની સાથે સરકારી અધિકારી ગયા છે. ખેડૂતો અરજી કરી શકશે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ બે વર્ષથી અરજી કરી છે તે ખેડૂતોને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
મોજણી થઈ જ નથી
ગુજરાતના 18 હજાર 47 ગામોમાંથી હાલ સુધીમાં 18 હજાર 34ની માપણી પૂર્ણ થઈ છે. 12 હજારથી વધુ ગામોનું પ્રમોલગેશન પૂર્ણ થયું છે. ખેડૂતોને હતાશ કરે એવી વાત તો એ છે કે આટલી ક્ષતિવાળી જમીન માપણીને કેન્દ્ર અને રાજ્ય સરકારે બિરદાવી છે. જે કંપની તરફની વફાદારી બતાવે છે. પણ ખેડૂતો તરફી કોઈ વાત કરવા ભાજપ સરકાર તૈયાર નથી. કૌશિક પટેલ 7 કંપનીઓના ગોટાળાને છાવરી રહ્યાં છે. એક ગામોની જમીન માપણી સ્થળ પર કરવી હોય તો એક અઠવાડિયું એક ટૂકડીને લાગે પણ સેટેલાઈટ પધ્ધતીથી 3 કે 4 દિવસમાં જ જમીન માપણી કરવામાં આવી છે. રિ-સરવેની નવી માપણીમાં ૭-૧રનું ક્ષેત્રફળ વાસ્તવિક મળવા ન સાથે ખાસ્સો તફાવત મળે છે.
બ્લોક પ્રથા કારણભૂત
મધ્ય ગુજરાતમાં પેટલાદ જેવા તાલુકામાં ભૂલોવાળા ગામોના નવા નક્શા જે તે ગામોના 1930ના જમીન નક્શાની જુના સર્વે નંબરોની પ્લોટ સીટ બુકો જે ગ્રામ પંચાયતો અને જીલ્લા માપણી ઓફીસોમાં છે તે મુજબના નવા નક્શાઓ આપવામાં આવે તેવી માંગ પેટલાદ તાલુકાના પાળજના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. સરપંચો તથા તલાટીઓની ખોટી દોરવણી મુજબ જમીનોની બ્લોક પધ્ધતી દાખલ કરવામાં આવી હતી તેવા ગામડાઓનાં અધીકારીઓએ જમીન માપણી જે તે સમયે કરી હતી તે દરમ્યાન ખેડૂતોની ખેતીની જમીનોમાં ક્ષેત્રફળમાં ગંભીર ભૂલો કરી આડેધડ બ્લોક બનાવી ખેડૂતોને અંદરોઅંદર લડાઈ મારવાની સ્થીતી સર્જી હતી. આ બ્લોક પધ્ધતિવાળા ગામોના જમીન નક્શાઓમાં ખેડૂતોને ખેતરમાં આવવા જવાના રસ્તાઓ, નળીઓ, કુવાઓ, ડેડ કેનાલો, ગૌચર જમીનો, ખરાબાની જગ્યાઓ દર્શાવવામાં આવી નથી. જે 1930ની માપણીના જુના સર્વે નંબરો વાળી જમીનોના જે તે ગામોના નક્શાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતોની મુંઝવણો વધી જવાની સાથે અંદરોઅંદર દુશ્મનીઓ વધી જવા પામી છે. જ્યારે અધીકારીઓ અને સરકારને ઘી-કેળાં થઈ ગયાં છે.
23 નિશાની ભૂલાઈ
જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો જેવી કે તૈયાર થયેલા ગામના નકશના હાર્દ સમાન વિવિધ 23 નિશાનીઓ વાળા અનુશ્રુતિમાં જ ભૂલો, ગાડા મારગ, રોડ રસ્તા ગાયબ, ગામના ખરબા, ગૌચર ગાયબ, કેટલાક ખેડૂતોની જમીનમાં વધારો તો કેટલાક ખેડૂતોની જમીનમાં ઘટાડો, કેટલાક ખેડૂતોની જમીન તો ગામના નકશામાંથી સમૂળગી ગાયબ જ થઈ ગઈ, ઉત્તર દક્ષિણ લાંબા ખેતર હતા એને પૂર્વ પશ્ચિમ લાંબા કરી દીધા, ખેતર જ્યાં હતું ત્યાંથી 2 - 5 ખેતર આગળ પાછળ કરી દીધા હતા. આવી અનેક ભૂલોના કારણે ભવિષ્યમાં ખેડૂત ખેડૂત વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર ઉભા થાય, ખૂન ખરાબા થાય એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ખેતરની ચતુર્થ દિશા કરતા નકશામાં દિશા જુદી દર્શાવેલ હોય છે.
અગાઉની પદ્ધતિ સારી હતી
અગાઉના સમયમાં ડિસ્ટ્રિકટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડની તાલુકા કે જિલ્લા કચેરીના સર્વયરો દ્વારા જમીનોની જે-તે ખાતેદારોને માપણી કરી આપવામાં આવતી હતી. જેમાં સ્થળ પર પહોંચ્યા બાદ સર્વયરો દ્વારા કરાતી માપણીમાં ભાગ્યે જ ભૂલો થતી હોવાથી ખાતેદારોને પોતાની જમીનના સાચા માપવાળો નકશો મળી રહેતો હતો.
પ્રચાર ન કરાયો
સેટેલાઈટ દ્વારા જમીન રિ-સરવેની કામગીરી અંતર્ગત જિલ્લામાં નિયત કરેલા દિવસોમાં એક કે બે ગામોની જમીન માપણી પૂરી કરવામાં આવી રહી છે. પરંતુ કયા દિવસે કયા ગામની જમીન માપણી કરવામાં આવનાર છે તેનો પૂરતો પ્રચાર-પ્રસાર જ કરવામાં આવતો નથી. જેના કારણે મૂળ જમીન માલિકને માપણી અંગેની જાણકારી જ પહોંચતી નથી. જે તે ગ્રામ પંચાયતમાં જમીન માપણી અંગેની નોટિસ લટકાવી દેવાય છે પરંતુ ગામમાં જમીન ધરાવનાર મૂળ માલિક વિદેશ કે અન્ય શહેરમાં વસવાટ કરતા હોય તો તેઓ સુધી આ જાણકારી પહોંચતી જ નથી. જેથી જમીન માપણી વખતે મૂળ માલિક હાજર રહી શકતા નથી. બાદમાં જમીન માપણી કર્યાનો કાચો નકશો પણ ગ્રામ પંચાયતમાં જ મૂકાય છે. જેમાં ભૂલ હોવા અંગે મૂળ જમીન માલિક અજાણ હોવાથી નિયત સમયમાં કાચો નકશો સાચો હોવા બાબતની એન્ટ્રી પડી જાય છે.
કડક નિયમો ન બનાવાયા
ખાનગી એજન્સીને કામગીરી સોંપતા અગાઉ કડક નિયમો અને તેની અમલવારી અંગે આયોજન જ ગોઠવવામાં આવ્યું ન હતું. ઉપરાંત ફીકસ દિવસોમાં ચોકકસ ગામોની જમીન માપણી પૂરી કરવાનો એજન્સીને ટાર્ગટ આપવામાં આવ્યો હોવાથી જમીન માપણી જેવી ગંભીર કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહ્યાંની ફરિયાદો વધી રહી છે.
ક્યાં શું થયું, કેવો વિરોધ થયો
સમગ્ર રાજ્યમાં જમીનની પુનઃ માપણીમાં મોટા ભાગના વિસ્તારમાં ગોટાળા થયા છે. જેના કેટલાંક ઉદાહરણો અહીં છે.
સૌરાષ્ટ્ર : 2010 થી 2016ના ગાળામાં ગુજરાતના 1 કરોડ 25 લાખ સર્વે નંબરની સેટેલાઈટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી. તેમાં મોટાપાયે માપણીમાં ભૂલો રહી હતી. ખેડૂત હીત રક્ષક સમિતિની સતત લડતના કારણે અત્યારે સરકારે એટલી તૈયારી બતાવી છે કે દરેક જિલ્લામાં એક ગામ પસંદ કરી ખેડૂતોને સાથે રાખી તેની ફરીથી જમીન માપણી કરવામાં આવે અને અગાઉ આઈઆઈસી હૈદરાબાદ કંપની દ્વારા થયેલી માપણી સાથે સરખાવવામાં આવે અને કેટલી અને કેવી કેવી ભૂલો રહી ગઈ છે તે બાબતોનો અભ્યાસ કરવામાં આવે જેથી વાસ્તવિકતા સામે આવે નોંધનીય બાબત એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાનું સામોર ગામ પસંદ કરવામાં આવ્યું હતું. સામોર ગામના તમામ સર્વે નંબર ફરીથી માપવામાં આવશે.
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ આઈ સી હૈદરાબાદ નામની ખાનગી કંપનીને સેટેલાઈટથી જમીન માપણી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી આ ખાનગી કંપનીએ જિલ્લાના એસએલઆર અને ડીઆઈએલઆર કચેરી સાથેની મિલી ભગતથી આડેધડ માપણી કરી જિલ્લાના નકશા બગાડી નાખ્યા હતા. જમીન માપણી બાબતે સરકાર અને ખાનગી કંપની વચ્ચે થયેલા કરારો અને આ યોજનાના સરકારે બનાવેલા નિયમોનો છડેચોક ઉલાળીયો કરી સાવ ખોટી રીતે જમીન માપણી કરી સરકારને કંપનીએ દસ્તાવેજો આપ્યા હતા. સરકારના તલાટી મંત્રીથી લઈ SLR, DILR, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરીઓએ પણ તેનું ક્રોસ વેરીફીકેશન કરવાનું હતું. આ ઉપરાંત વીપ્રો જેવી સંસ્થાઓને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્સનની જવાબદારી આપવામાં આવી હતી. આટલા કર્મચારીઓ, અધિકારીઓ વેરિફિકેશન કરે, થર્ડ પાર્ટી ઈન્સ્પેક્સન કરે તેમ છતાં સો એ સો ટકા ભૂલો વાળા જમીનના દસ્તાવેજો તૈયાર થાય તો શંકા એ થાય છે કે આ કર્મચારીઓ, અધિકારીઓની મિલીભગત હશે કે મજબૂરીએ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હતો.
જામનગર : ગુજરાતમાં સૌ પ્રથમ ખેડૂત હીત રક્ષક સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા અને જાણીતા વકીલ ગિરધારભાઈ વાઘેલાએ અવાજ ઉઠાવી, સરકાર સામે મોરચો માંડ્યો હતો. ખેડૂત હીત રક્ષક સમિતિએ પહેલા દેવભૂમિ દ્વારકા અને પછી જામનગર , પોરબંદરના ગામોમાં જાગૃતિ કેમ્પ કર્યા હતા અને ખેડૂતોને ભૂલ સુધારણા અરજી કરવા સમજાવ્યા હતા. ત્યાર બાદ વિરોધપક્ષના આગેવાનોને સમજાવી રાજ્યવ્યાપી લડત કરવા માટે મનાવ્યાં બાદ રાજકોટ સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચમાં પણ કેમ્પ કર્યા હતા. ગુજરાતના તમામ ખેડૂતો સામે આ ખોટી જમીન માપણીની પોલખોલી હતી. સરકારને આ મુદ્દો કણાની જેમ ખૂંચવા લાગ્યો.
ગાંધીનગર : ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં 31 ડિસેમ્બર 2017ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જમીન રી-સર્વેની કામગીરીમાં માપણી રેકર્ડમાં ક્ષતિઓ અંગેની અનુક્રમે 4,122 ફરિયાદો મળી હતી.
પાલનપુર : પાલનપુરમાં જમીન માપણીના રિ-સરવેમાં સમગ્ર રાજ્યમાં ગોટાળા બહાર આવ્યા છે રિ-સરવે માં ખેડૂતોની જમીન ની ખોટી માપણી કરી અને ખેડૂતોની જમીન જમીન દફતર કચેરી દ્વારા પડાવી લેવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યાં છે ત્યારે આ જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ પીડિત ખેડૂતો કલેકટર કચેરીએ દોડ્યા હતા અને કલેકટર ને 10 દિવસ નું અલ્ટીમેટમ આપ્યું હતું.
આંણદઃ જમીનની માપણીમાં ગોટાળા કરી કર્મચારીઓ ચાલ્યા ગયા, હવે ખેડૂતો ખાઈ રહ્યાં છે કચેરીના ધક્કા 7 કંપનીઓ તો પૈસા મળતાં જતી રહી છે. પણ ખેડૂતો દોડતા થયા છે. આણંદના ખાધલી અને પાળજ ગામના ખેડૂતો પણ સરકારના ગોટાળાનો ભોગ બન્યા છે. ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલી જમીન માપણી બાદ કેટલાક ખેડૂતોને ઓછી તો કેટલાક ખેડૂતોને વધુ જમીન દર્શાવવામાં આવી છે. જેથી ખેડૂતોમાં અંદરખાને લડાઈ શરૂ થઈ છે. ખેડૂતોની માગણી છે કે, જમીન માપણીની કામગીરી ફરીવાર કરવામાં આવે. ત્યારે ખેડૂતોએ આ મામલે પેટલાદમાં નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.
વડોદરા : વડોદરામાં આરટીઆઈ એકટીવિસ્ટ અને ધરતીપુત્રો દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોગ્ય રીતે જમીન માપણી થાય તે માટે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે. આ મામલે તાત્કાલીક અસરથી નવી માપણી કરવાની માંગણી કરી છે. પ્રમોલગેશન રદ કરવાની માંગ કરીને જૂની માપણી અને રેકોર્ડઝ ચાલુ રાખવા પર આવેદન આપ્યું છે. જમીન માપણીમાં ભ્રષ્ટાચારની તપાસની રજૂઆત કરાઈ છે.
બનાસકાંઠા : બનાસકાંઠામાં 30,000 ખેડૂતો સરકારની ભૂલનો ભોગ બન્યા છે. ભારતીય કિસાન સંઘની સાથે ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. કિસાન સંઘ ભાજપનું હોવાથી રજૂઆત કરીને બેસી ગયું છે. ખેડૂતો હવે જમીન દફતર કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે. અધિકારીઓ દ્વારા ખેડૂતોની વાતને સાંભળવામાં આવતી નથી. કંપનીના માણસો દેખાતા નથી.
જેતપુર : રાજકોટ જિલ્લાના જેતપુરમાં ખેડૂત સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન આપી કહ્યું હતું કે જમીન માપણીના ગોટાળાનો ભોગ તેઓ બન્યા છે. ખાનગી કંપની દ્વારા પોતાની કચેરીમાં બેસીને જમીન માપણી કરવામાં આવી હતી. તેમને ખેતરમાં કોઈ આવ્યું નથી. ફરીવાર જમીન માપણીની માગ કરી રહ્યાં છે.
સુરત : સુરત જિલ્લાના ખેડૂતો તેમના ખેતરની સરવે કારમગીરીના ગોબાચારીના કારણે સરકાર પર ગુસ્સે છે. નકશામાંથી જમીનનો ભાગ કાઢી જમીન માફિયાઓને ફાયદો કરાવવામાં આવ્યો હોવાની વાત સુરત જિલ્લાના ખેડૂતોએ કરી રહ્યાં છે. ખાનગી કંપની સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે.
અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં જમીન માપણીમાં કરવામાં આવેલા ગોટાળાના કારણે ખેડૂતો પરેશાન થયા છે. માપણી કરવા ગામમાં પથ્થર મુકવામાં આવ્યા છે. ખેડૂતનો આક્ષેપ છે કે, જે જમીન બે એકર છે તેનો માપ ફેર કરી દેવામાં આવ્યો છે અને તેને અઢી અને જે દોઢ એકર જમીન છે તેને એક એકર કરી દેવામાં આવી છે. ખંભીસરમાં જમીન માપણ માટે કંપાસની શિલા ભલે મુકવામાં આવી હોય પરંતુ જમીન માપણીમાં ખાનગી એજન્સીએ ભરપુર ગોટાળા કર્યા છે. ખેડૂત આગેવાનોનુ કહેવુ છે કે , જૂનો ઊતારો અને સરકારી એજન્સીના આંકડામાં વિસંગતતા જોવા મળે છે.
પાદરા : વડોદરાના પાદરામાં 2010થી 2016ના જમીન માપણી થઈ હતી તેમાં મોટા પાયે છબરડા થયા છે. ખાનગી કંપનીએ ભારે બેદરકારી બતાવી છે. અન્યાયનો ભોગ બનેલા ખેડૂતોની વેદના સરકાર સાંભળતી નથી. ભારતીય કિસાન સંઘ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ ફરીથી જમીન માપણી કરવાની માંગણી કરી હતી. પછી કિસાન સંઘ મૌન બની ગયું છે.
પેટલાદ : આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના ખેડૂતોએ પણ સરકારની જમીન માપણી પધ્ધતી વિરૃધ્ધ પોતાનો વિરોધ નોંધાવી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર અને કંપનીની બેદરકારીથી અણઘડ માપણી થતાં ખેડૂતોની માહામૂકી કરોડો-અબજોની જમીનો કપાઈ ગઈ છે. એકબીજામાં ભળી ગઈ છે. ખેડૂતોની જમીનો રસ્તામાં તો રસ્તાની જમીનો ખેતરોમાં ફેરવાઈ જતાં ઠેર-ઠેર ખેડૂતોને અંદરોઅંદર ઝડઘા શરૂ થયા છે. જમીન માપણી બે-બે વાર કરવા છતાં જમીનોની ક્ષેત્રફળની ભૂલો સુધારવામાં આવી નથી. ફરી એજ ભૂલો કરવામાં આવે છે. ખેડૂતો કોર્ટમાં જાય તો વર્ષો સુધી ઉકેલ ન આવે અને ખેડૂતોના નાણા અને સમયના વ્યય થવા છતાં તેમને ન્યાય તો ન જ મળે.
પાળજ : પેટલાદના ગામના એક ખેડૂતની જમીન જુના રેકોર્ડમાં 0.21 ગુંઠા હતી. પરંતુ 1982માં બ્લોક પધ્ધતીથી માપણી કરતાં જમીનનો 0.32 ગુંઠાનો નક્શો આપવામાં આવ્યો. જેને પગલે સામેની જમીનવાળા સામે રસ્તા મામલે ખટરાગ ઉભો થયો અને જે તે વખતના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છતાં ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવી સેટેલાઈટ પધ્ધતી મુજબ ગામોની જમીન માપણી કરવામાં આવી તેમાં જે ગામોમાં બ્લોક પધ્ધતીવાળા છે ત્યાં ગોટાળા વધારે છે.
પાટણ : પાટણના હારીજના અડિયા ગામમાં થયેલ સમગ્ર સર્વેમાં ખેડૂતોના જમીનની ખોટી માપણી થઈ હોઈ ખેડૂતોની જમીન કપાઈ છે તો કોઈ ખેડૂતની જમીન વધી ગઈ છે જેને ગામમાં ખેડૂતો ખેડૂતો વચ્ચે તાલમેલ બગડ્યો હોઈ ગામમાં ખેડૂતોના હિત માટે ફરી જમીન માપણી અને સર્વે કરવામાં આવી તેવી માંગ સાથે ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. ખેડૂતોને નવા સર્વે નંબરો આપવામાં આવ્યા છે જેમાં જમીનનું ક્ષેત્રફળ ક્યાંક ઘટ્યું છે ક્યાંક વધુ ગયું છે. ખેડૂતોની રજૂઆત બાદ જીલ્લા કલેકટર દ્વારા સત્વરે જમીન મોજણી વિભાગ સાથે ચર્ચા કરી ઘટતું કરવા બાહ્યધરી આપી હતી.
દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2010થી 2016 દરમ્યાન આખા જિલ્લાની જમીન માપણી માત્ર કાગળ પર કરવામાં આવી જેના કારણે આખે આખી જમીન માપણી ભૂલ ભરેલી કરવામાં આવી છે જેમાં દરેક ગામના નકશાઓ ભૂલ ભરેલા છે. સર્વે નંબર ખોટા છે, કેટલાક ખેડૂતોની ખરેખર જમીન હતી તેમા મોટા પ્રમાણમાં ઘટાડો નોધાયો છે (40 વિઘા વાળાને 10 વિઘા જ જમીન રહી છે), કેટલાક ખાતેદારોને તો સમુળગી જમીન જ ગાયબ થઈ ગઈ છે, ખેડૂતોની જમીન અરસ પરસ બદલાય ગયેલ છે, ભાયુ ભાગ, હદ, દિશા બધુ જ બદલાય ગયું છે. કેટલાક ખેડૂત ન હતા તે રાતોરાત ખેડૂત થઈ ગયા છે. વારસાઈ એન્ટ્રી, ભાયુભાગ, બોજા મુકિત, બોજો દાખલ, હકક ઉઠાવવા જેવી એન્ટ્રીઓનો કયાંય ઉલ્લેખ નથી, ખેતરમાં આવેલા કુવા, વૃક્ષ કે મકાનનું નકશામાં કયાંય ઉલ્લેખ નથી, એક ગામથી બીજે ગામ જતા ગાડા માર્ગ, કેડીઓ ખેતરે જવાના સીમ મારગનો પણ નકશામાં કયાંય ઉલ્લેખ નથી, સરકારી ખરાબાઓ ગૌચરની જમીન સાથે મોટા પાયે છેડ છાડ થઈ છે.
સતાપર : જમીન માપણીના આધારે નવા બનેલા ગામના નકશાઓની વાસ્તવિકતા એ છે કે, જેની જમીન હતી તેની તો રહી જ નથી 80 ટકા કરતાં વધારે જમીનોની હદ દિશા બદલાઈ ગઈ છે, 90 ટકા કિસ્સાઓમાં રસ્તા, વૃક્ષ, કૃવા, બોર, મકાન ગાયબ થઈ ગયા છે. આ ભૂલો બાબતે સરકારનું અનેક વખત ધ્યાન દોરવા છતાં સરકાર દ્વારા કોઈ નકકર પગલા લેવાની જગ્યાએ ભૂલ સુધારણા અરજીઓ મંગાવી સંતોષ માની લીધો છે. અભણ ખેડૂતને પણ સમજાય છે, કે ભૂલ સુધારણા અરજીઓ અને તેના આધારે અરજી કરનાર એકલ દોકલની ફરીથી જમીન માપણી કરવાથી સુધારો નથી થતો પરંતુ વધારે બગાડ કરાઈ છે આથી આપ સમક્ષ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ અલગ અલગ ગામો ઉદાહરણ સ્વરૂપે રજૂ કરીએ છીએ. સતાપર ગામમાં જમીન માપણી સમયે ગ્રામસભામાં ઠરાવ કરી જાહેર કર્યુ હતુ કે જો નિયમોનુસાર જમીન માપણી થતી હોય તો જ કરવી નહીતર ન કરવી તેમ છતાં જમીન માપણી થઈ ગઈ જમીન માપણી થઈ ગયા પછી ગ્રામ સભામાં ફરીથી ઠરાવ પસાર કરી પ્રમોલગેશન ન કરવાનું નકકી કરવામાં આવ્યું જેના આધારે મામલતદાર કલ્યાણપુર દ્વારા પણ જમીન માપણી અધિકારીને પત્ર લખી પ્રમોલગેશન ન કરવા વિનંતી કરવામાં આવી તેમ છતાં સતાપર ગામનું અને એવી જ રીતે જામ દેવળીયા ગામનું પ્રમોલગેશન શા માટે કરવામાં આવ્યું.
પાનેલી : રાજકોટના પાનેલી ગામના તમામ સર્વે નંબર ભૂલ ભરેલા છે તેથી આખા ગામના ખેડૂતોએ સંયુકત રીતે એક એક ખેડૂતની વ્યકિતગત ભૂલ સુધારણા અરજીઓ તૈયાર કરી આપ સમક્ષ લઈ આવ્યા છે તો આખા ગામની અરજીઓ સ્વીકારી ગામની અગાઉ થયેલી જમીન માપણી રદ કરી ફરીથી જમીન માપણી કરી પ્રમોલગેટ કરી ગામનો નવો નકશો બનાવવી આપવા વિનંતી (અગાઉ સામોર, વિજલપર, દાત્રાણા, હંજડાપર, મોટા આસોટા, મહાદેવીયા, જાકસીયા વગેરે અનેક ગામોએ સંયુકત વાંધા અરજીઓ રજૂ કરેલી છે. હંજડાપર : હંજડાપર ગામમાં પણ તમામ ખેડૂતોના સર્વે નંબર ભૂલ ભરેલા હતા આખા ગામે બે વર્ષ પહેલા ભૂલ સુધારણા અરજીઓ કરી દીધી હતી ગત ઓગષ્ટ મહિનાના છેલ્લા અઠવાડીયામાં જમીન માપણી અધિકારીઓની ગાંધીનગર અને આપણા જિલ્લાની સંયુકત ટીમ ગામમાં આવી ફરીથી જમીન માપણી કરવા કહેતા ગામ લોકોએ વિરોધ કરી માંગ કરી હતી કે ગામના બધા સર્વે નંબર, રોડ રસ્તા, વૃક્ષ, બોર, કુવા, મકાન, ગાડા માર્ગ સહિતની નિયમોનુસાર ફરીથી જમીન માપણી કરી ફરીથી પ્રમોલગેટ કરી આખા ગામનો નવો નકશો બનાવી આપો તો જ અમો માપણી કરવા દઈએ જમીન માપણી અધિકારીઓની ટીમે ત્યારે સહમતી દશાર્વી 15 દિવસમાં ગામનો નવો નકશો આપવાની બાંહેધરી આપી હતી 15 દિવસની જગ્યાએ છ-છ મહિના વિતવા છતાં હજૂ પણ ગામનો નકશો તૈયાર કરવામાં આવ્યો નથી.
જામનગર : જામનગર જિલ્લાના 1,50,000 કરતાં વધારે સર્વે નંબર છે ને એ તમામ સર્વે નંબરની હાલત ભૂલ ભરેલી છે જો જિલ્લાના બધા જ ખેડૂતોના સર્વે નંબર ભૂલ ભરેલા હોય તો બધા ખેડૂત પાસેથી અરજી મંગાવવાની જગ્યાએ આખેઆખી જમીન માપણી રદ કરી ફરીથી જમીન માપણી શા માટે કરવામાં નથી આવતી તે ખેડૂતોને મુંજવતો પ્રશ્ન છે. સરકાર દ્વારા જમીન માપણીની ભૂલોનો ખુલ્લામને એકરાર કરી ભૂલ સ્વીકારવાને બદલે ખેડૂતો પાસેથી ભૂલ સુધારણા અરજીઓ મંગાવી ભૂલ ઉપર ડબલ ભૂલ કરવામાં આવે છે જેના કારણે સરકારનો ખર્ચ, કર્મચારીઓ, અધિકારીઓના માનવ કલાકોનું વ્યય તો થાય જ છે અને ખેડૂતોના ખેતર સુધરવાને બદલે વધારે બગડે છે કેમ કે એક અરજીના આધારે ભૂલ સુધારવાનું પ્રયત્ન બિજા ચાર ખેતરને બગાડે છે તે વાત અભણ ખેડૂતને સમજાય છે પણ સરકારને કેમ નથી સમજતી સરકારનું ધ્ાયન દોરો કે સયુંકત જામનગર જિલ્લાઓ આ યોજનાનો પાઈલટ પ્રોજેકટ હતો અખતરાઓ કરવામાં ને કરવામાં આખા જિલ્લાના બધા જ 1,53,000 જેટલા સર્વે નંબરમાં ભૂલો હોય 1,53,000 ખેડૂતો પાસેથી વાંધા અરજીઓ કે ભૂલ સુધારણા અરજીઓ મંગવવાને બદલે જમીન માપણી રદ કરી ફરથી જમીન માપણી કરવામાં આવે જો આમ નહી થાય તો આ ભૂલો પેઢી દર પેઢી ચાલશે કયારેય નહી સુધરે અને અંતી ખેડૂતોમાં અંદરો અંદર વાદ વિવાદ ઝઘડાઓ થશે, ખુન ખરાબાઓ થશે, આ નકશાઓના આધારે કોર્ટ યોગ્ય ન્યાય નહી આપી શકે અંતે સિવીલવોર જેવી પરિસ્થિતિનું નિમાર્ણ થશે જો એવૂં ન થવા દેવું હોય તો એક માત્ર ઉપાય છે કે આખે આખી જમીન માપણી રદ કરી ફરીથી નિયમોનુસાર જમીન માપણી કરવામાં આવે તે જરૂરી હોવાની રજૂઆત ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
ધંધુકા : સાણંદ, ધોળકા અને ધંધુકાના સરપંચોની લેખિત ફરિયાદ ખોટી માપણી અંગે જિલ્લાના ધોળકા તાલુકાના કરિયાણા અને રૂપગઢ, સાણંદ તાલુકાના ઉપરદળ અને નિધરાડ, રાણપુર તાલુકાના ચંદરવા અને ધંધુકા તાલુકાના મુંડી ગામના સરપંચોએ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે માગણી કરી છે કે, એજન્સી દ્વારા તૈયાર કરેલાં નકશાની આકૃતિ, ક્ષેત્રફળ નકશામાં દર્શાવેલા બાંધમાપ મળતા નથી. અને રેકર્ડ મુજબ જગ્યા પર હદ નિશાન થયા નથી. આ સંજોગોમાં જમીનના તૈયાર કરાયેલા રેકર્ડ દરેક ખાતેદારને તેનો આકાર-નકશામાં દર્શાવેલાં માપ સ્થળ પર રૂબરુમાં દર્શાવ્યા પછી જ રેકર્ડનું પ્રમોલગેશન કરવું જોઈએ.
અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં જ 992 વાંધા અરજીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જમીન માપણી સામે ઉઠી રહેલી ફરિયાદને પગલે અમદાવાદ લેન્ડ રેકર્ડ કચેરી પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત વાંધા રજિસ્ટરની વિગતો મંગાઈ હતી. જેમાં સનાથલ ગામ, ધંધુકામાંથી 44, સાણંદમાંથી 87, દસક્રોઈમાંથી 174, વિરમગામમાંથી 118, ધોળકામાંથી 135, દેત્રોજમાંથી 140 અને બાવળામાંથી 294 મોળી કુલ 992 વાંધા અરજીઓ મળી છે.
આણંદ : આણંદ જમીન માપણી કચેરીના સૂત્રોએ સેટેલાઈટ દ્વારા રિ-સરવેની હાથ ધરાયેલ કામગીરીમાં ગંભીર ભૂલો હોવા મામલે જણાવ્યું હતું કે, અનેક ખેડૂત, અરજદારોની આ અંગેની ફરિયાદો કચેરીને મળી છે. જેની તકેદારી આયોગમાં પણ રજૂઆત થવા પામી છે. જેના પગલે કલેકટર દ્વારા જમીન માપણી કચેરીને સૂચના આપવામાં આવી છે કે અરજી સંદર્ભ સ્થળ પર જઈને સુધારા કરવા. જો કે સેટેલાઈટ રિ-સરવેની માપણીમાં તફાવત આવી રહ્યાં મામલે કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં મોટાભાગના ખેતર સહિતના સ્થળોએ શેઢા પર, રસ્તા પર વૃક્ષો અને ઘટાદાર ઝાડીઓ વધુ પ્રમાણમાં છે. આથી સેટેલાઈટ દ્વારા જે-તે જમીનના ખેંચાતા ફોટામાં ઝાડીઓ,વૃક્ષો પણ આવી જતા હોવાથી જે-તે સ્થળના માપ અંગેનો ચોકકસ કયાસ કદાચ નીકળી શકતો ન હોવાથી માપમાં તફાવત આવી રહ્યો છે.
પ્રતિપક્ષનો આરોપ
યુપીએની સરકારે જમીન માપણી અને રેકર્ડ સુધારણા યોજના માટે રૂ.2100 કરોડ મંજૂર કર્યા હતા. આ યોજના અંતર્ગત ગુજરાતમાં જમીન માપણીમાં ગંભીર ગેરરીતિઓને કારણે ખેતી, ગામતળ, તળાવો, કાચા-પાકા રસ્તાઓ, ગૌચરો, સરકારી પડતર સહિતની જમીનોનું દાયકાઓ પહેલા ખૂબ જ ચોકસાઈથી બતાવેલું રેકોર્ડ ખાનગી સર્વે કંપનીઓએ જૂનું રેકર્ડ રફે-દફે કરી નાંખ્યું છે. નવી માપણી રદ કરીને માપણી કરનારી એજન્સીઓ તથા તેમના બિલો મંજૂર કરનારા સામે ગુનો દાખલ કરીને પગલાં લેવાની કોંગ્રેસે માગણી કરી હતી. જામનગર સહિત ત્રણ જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ થઈ ત્યારે વિધાનસભામાં રજૂઆત થઈ હતી કે ખાનગી માપણી એજન્સીઓએ કરેલી પુન: માપણીમાં એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતના હદમાં બતાવવું, રસ્તાઓ, મકાનો અદૃશ્ય કરી દેવા, ગામના નકશામાં ખેતરનું લોકેશન ફરી જવું જેવી ગંભીર ક્ષતિઓ થઈ હોવાનું જણાવી ભવિષ્યમાં ગામડાઓમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે વેરઝેર ઊભા થશે તેવી ચેતવણી આપીને બિનઅનુભવી રાજ્ય બહારની એજન્સીઓ પાસેથી આવું સંવેદનશીલ કામ પરત લઈ લેવા અને સરકારી સર્વેયરો પાસે સમગ્ર ગુજરાતમાં માપણી કરાવવા માગણી કરી હતી, પરંતુ ભાજપની સરકારે ભ્રષ્ટાચારમાં ભાગીદારી કરવાના ઈરાદે સમગ્ર રાજ્યમાં રૂ.2100 કરોડના ખર્ચે આવી કંપનીઓ પાસે માપણીઓ કરાવીને તેના આધારે નવા લેન્ડ રેકોર્ડ બનાવીને જમીન રેકોર્ડસના પ્રોમ્યુલગેશન પણ મંજૂર કરી દીધાં અને એજન્સીઓને રૂ.2100 કરોડની ચુકવણી પણ કરી દીધી છે.
સિટીંગ જજની તપાસ કરો
રાજ્યભરમાં ખેડૂતોની જમીનોની રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ફેર માપણીમાં ગંભીર ક્ષતિઓ અને ગોટાળા બહાર આવતાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે રાજ્યભરની સમગ્ર માપણી અને પ્રમોલગેશન રદ કરવા અને આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આ ફેરમાપણી પ્રક્રિયા માટે જવાબદાર અને ખેડૂતોના દસ્તાવેજો અને રેકર્ડ સાથે ચેડા કરનાર તમામ અધિકારીઓ, ખાનગી એજન્સી અને જવાબદાર મંત્રીઓ સામે ફોજદારી રાહે એફઆઈઆર દાખલ કરવા પણ ઉગ્ર માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ 1.25 કરોડ સર્વે નંબરોની માપણીમાં ગોટાળા થયાનું સ્વીકારી અને ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી કરી આપવાની કરેલી જાહેરાત પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે. 18 હજાર ગામોના જમીનના રેકર્ડનું થયેલ નવું પ્રમોલગેશન લેન્ડ રેવન્યુ કોડની કલમ-211 હેઠળ રિવીઝન કરીને પ્રમોલગેશન અને માપણી રદ કરીને પુનઃ માપણી થવી જોઈએ. પ્રાંત અધિકારીઓએ પ્રમોલગેશન કરી દીધું. હવે લેન્ડ રેવન્યુ કોડ મુજબ, આ નકશા કે લેન્ડ રેકર્ડમાં ખેડૂતોની અરજી મુજબ, સુધારો ના થઈ શકે. જો સુધારો કરવો હોય તો, સરકારે લેન્ડ રેવન્યુ કોડની કલમ-211 મુજબ, તમામ પ્રમોલગેશન અને તમામ નકશાઓ રિવીઝનમાં લઈને રદ કરવા પડે અને નવેસરથી જમીન રેકર્ડનું પ્રમોલગેશન કરવું પડે.
(દિલીપ પટેલ)
Related Posts
Top News
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Opinion
