- Gujarat
- ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલ પ્રવાસ દરમિયાન આટલા પોલીસકર્મીઓ સાથે આવશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલ પ્રવાસ દરમિયાન આટલા પોલીસકર્મીઓ સાથે આવશે

વડોદરામાં શાળા તરફથી લઇ જવાયેલા સ્કૂલ પ્રવાસમાં હરણી તળાવમાં બોટ પલટી જતા ઘણા બાળકો મોતને ભેટ્યા હતા. ત્યાબાદ ગુજરાત સરકારે બધી સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઇડ લાઇન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઇને મોટો નિર્ણય લીધો છે. હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મ પહેરેલા 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે. એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશે, તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી DGP-IGP કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવેથી રાજ્યની તમામ શાળાઓ (સરકારી, અર્ધસરકારી, ખાનગી) દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 વર્દીધારી પોલીસકર્મીઓ ફરજિયાત હાજર રહેશે. તેના માટે શાળાના આચાર્યએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવવા આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ/ટૂર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા કહેવામાં આવ્યું છે. આ સિવાય સ્કૂલના આચાર્યોએ પણ ઉપરોક્ત કામગીરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્ત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.