- Education
- ગુજરાતમાં સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા આ વાંચી લો
ગુજરાતમાં સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા આ વાંચી લો

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જનહિતના લાભો સત્વરે મળી રહે તે આશયથી ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે જેના ભાગરૂપે અનેકવિધ યોજનાઓનું ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે. ચીફ ઈલેકટ્રીકલ કચેરી દ્વારા રાજ્યમાં વિદ્યુત શુલ્ક માફીની અરજીઓ ઓનલાઈન પોર્ટલ ઉપર સ્વીકારવાનો તથા વિદ્યુત શુલ્ક માફી ઓનલાઈન આપવા અંગેની શરૂઆત તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે આ સેવાઓને વિસ્તૃત કરતા આજે વીજ કોન્ટ્રાક્ટરના લાયસન્સ, વિવિધ પરીક્ષામાંથી મુક્તિ, લીફટ અને એસ્કેલેટર પ્રભાગની તમામ કામગીરીઓ ઓનલાઈન કરાઈ છે જેના થકી રાજ્યના નાગરિકોના સમયના બચતની સાથે કામગીરી વધુ વેગવાન બનશે.
સૌરભ પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અરજદારોને વધુમાં વધુ ઝડપી સેવાઓ, સરળ અને ઓનલાઇન મળી રહે તે માટે મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. લાયસન્સીંગ બૉર્ડ તથા લિફ્ટ અને એસ્કેલેટર્સ ની કામગીરીને લગતાં મોડયુલ ઓનલાઇન થતાં નાગરિકોને ઉપરોક્ત સેવાઓ ઝડપથી મળતી થઈ જશે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું કે, ઓનલાઇન અરજીઓ મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત તા. 5 ફેબ્રુઆરી, 2020 થી રાજ્યમાં વીજળી કોન્ટ્રાક્ટર તરીકેનું લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારો તથા સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા અરજદારો, સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપવા માંગતા અરજદારોએ હવેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજ્યમાં લીફટ અને એસ્કેલેટર્સનું સ્થાપન કરવા માટે તેમજ લિફ્ટના લાયસન્સ મેળવવા તથા રીન્યુ કરવા અંગેની અરજીઓ પણ ઓનલાઈન કરવાની રહેશે.
સૌરભ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં નવા લીફટ સ્થાપન કરવા ઇચ્છતા નાગરીકોએ તેના નકશા મંજૂર કરાવી, લીફટની તપાસણી કરાવીને વર્કીંગ લાયસન્સ મેળવવાનું હોય છે. આ કામગીરી હવે ઓનલાઇન થતાં સૌને આ સુવિધાનો ઝડપી લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં હાલમાં 80000 જેટલા લીફટ સ્થાપનો છે અને દર વર્ષે અંદાજે 5000 જેટલા નવા લીફટ સ્થાપનો આવી રહયા છે તે અને જેમને લીફટના લાયસન્સ દર પાંચ વર્ષે રીન્યુ કરાવવાના થાય છે તે તમામને આ સુવિધાનો ઝડપી લાભ મળશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વીજ સ્થાપનોની કામગીરી ગુણવત્તાયુકત થાય અને વીજ અકસ્માતો ઘટાડી શકાય તે માટે વીજળી કોન્ટ્રાક્ટરના લાયસન્સ આપવામાં આવે છે અને ગત વર્ષે આવા 1200 જેટલાં લાયસન્સ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો વીજળીના કામ માટે મળી રહે તે માટે સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. આ પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારો તથા ઇલેકટ્રીકલ શાખામાં ડીપ્લોમા/ડીગ્રી ધરાવતાં સુપરવાઇઝર/વાયરમેન પરીક્ષામાંથી મુક્તિ મેળવવા ઈચ્છુક અરજદારોએ પણ અરજી હવેથી ઓનલાઇન કરવાની રહેશે. ચીફ ઈલેક્ટ્રીકલ ઇન્સપેક્ટર કચેરીની પ્રજાલક્ષી બધી જ કામગીરી તા. 31 માર્ચ, 2020 સુધીમાં ઓનલાઇન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ હતું તે વહેલું પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બધી કામગીરી ઓનલાઇન થવાથી સમગ્ર રાજ્યના નાગરિકો આવી સેવાઓનો લાભ ઝડપથી મેળવી સમયનો બચાવ કરી શકશે. આ માટે વેબસાઈટ www.ceiced.gujarat.gov.in પર અરજી સાથે જરૂરી દસ્તાવજો અપલોડ કરવાના રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
Related Posts
Top News
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Opinion
