- National
- લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા છે. આ ખુલાસા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારની લડકી બહેન યોજનાની છેતરપિંડીનો હિસ્સો બનેલા પુરુષો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને આપવામાં આવેલી રકમ વસૂલ કરવામાં આવશે. અજીત પવારનું આ નિવેદન એ સમાચારો વચ્ચે આવ્યું છે જેમાં કહેવામા આવ્યું હતું કે, આ યોજનાના 14,000 પુરુષ લાભાર્થી છે.
પવારે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, 'ગરીબ મહિલાઓને મદદ કરવા માટે લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી હતી. પુરુષોને તેના લાભાર્થી બનાવવાનું કોઈ કારણ નથી. અમે તેમને આપવામાં આવેલા પૈસા પાછા લઈશું. જો તેઓ સહકાર નહીં આપે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી નોકરી કરતી કેટલીક મહિલાઓ પણ લાભાર્થી બની હતી, પરંતુ અમે તેમના નામ હટાવી દીધા છે. જેમ-જેમ અમે યોજનાની કામગીરીની સમીક્ષા કરતા રહીશું, તેમ અમે આવા નામો હટાવતા રહીશું.
જાણો શું છે આ યોજના?
તમને જણાવી દઈએ કે, આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની સહાયતા મળે છે. પાત્રતા માટે ચોક્કસ વાર્ષિક કૌટુંબિક આવક સહિત કેટલીક શરતો લગાવવામાં આવી છે. આ યોજના ગયા વર્ષે ઑગસ્ટમાં શરૂ કરવામાં આવી હતી. નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિની શાનદાર જીત માટે તેને એક મુખ્ય કારણ માનવામાં આવે છે. ગયા વર્ષે શરૂ કરાયેલી આ યોજના હેઠળ, 21-65 વર્ષની વયની એ મહિલાઓને 1500 રૂપિયા દર મહિને આપવાનો વાયદો કર્યો છે, જેમના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે.

