- Central Gujarat
- અમદાવાદઃ BRTSએ બાઈકને અડફેટમાં લેતા અકસ્માત, બેના કમકમાટી ભર્યા મોત
અમદાવાદઃ BRTSએ બાઈકને અડફેટમાં લેતા અકસ્માત, બેના કમકમાટી ભર્યા મોત
અમદાવાદમાં 24 કલાકમાં જ બીઆરટીએસ બસ સાથે અકસ્માતની ઘટના સામે આવી. આજે સવારે વહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં ઉમિયા મંદિરની સામે બીઆરટીએસએ બાઈકને અડફેટમાં લેતા બે યુવકના મોત થયા છે. જો કે સવારે થયેલા આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઘુમાગામમા રહેતો વિપુલ ભાભોર (ઉ.મ.20) અને કલ્પેશ આમલિયા (ઉ.વ 20) આજે સવારે પલ્સર બાઈક લઈને નીકળ્યા હતા. બસની સાથે બાઈકની જોરદાર ટક્કર થતા બસની નીચે બાઈકનું એક વ્હીલ આવી ગયું હતું અને રસ્તામાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અકસ્માતમાં વિપુલનું મોત થયું હતું અને કલ્પેશને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
તેમજ થોડા સમય પહેલા મહિલા કારચાલકે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થી જેસલને ટક્કર મારતા તે નીચે પટકાયો હતો અને બીઆરટીએસની નીચે આવી જવાથી તેનું મોત થયું હતું અને ફરીથી આજે ગમખ્વાર અકસ્માત થવાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

