- Opinion
- શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર બાબતે સરકારને ગાંઠતા નથી?
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર બાબતે સરકારને ગાંઠતા નથી?
ગુજરાતની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું જાળું એટલું વિસ્તરી ગયું છે કે ઉચ્ચ અધિકારીઓથી લઈને પટાવાળા સુધી દરેક સ્તરે લૂંટની ખુલ્લી રમત ચાલી રહી છે. નાગરિકો સરળ કામકાજ માટે પણ લાંચ આપ્યા વિના આગળ વધી શકતા નથી. કેન્દ્ર સરકાર હેઠળની કચેરીઓમાં પણ આ સ્થિતિ એજ છે ઉઘાડી લૂંટ ચાલે છે અને નાગરિકો ભોગ બની રહ્યા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ માટે સરકારની ઇચ્છાશક્તિ ક્યાં છે? જાહેરાતો તો ઘણી થાય છે પરંતુ અમલીકરણનું શું?
સરકાર વારંવાર 'ઝીરો ટોલરન્સ'ની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. 2024-2025માં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અનેક કેસ પકડ્યા છે. CID ક્રાઇમના ઇન્સ્પેક્ટરથી લઈને તલાટી, પોલીસ કોન્સ્ટેબલ અને કોઓપરેટિવ ઓફિસના કર્મચારીઓ સુધી લાંચ લેતા ઝડપાયા છે. માત્ર ડિસેમ્બર 2025માં જ અનેક ટ્રેપ થયા જેમાં કરોડોની લાંચની વાત સામે આવી. મહેસુલ અને પોલીસ વિભાગમાં તો ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી વધુ છે. વર્ષોથી આ ડિપાર્ટમેન્ટ ટોચ પર છે. પંચાયત અને અર્બન ડેવલપમેન્ટ વિભાગોમાં પણ ફરિયાદોનો પ્રવાહ અટકતો નથી.

સરકાર કેટલીક કાર્યવાહી કરે છે જેમ કે કંપલ્સરી રિટાયરમેન્ટ, સસ્પેન્શન અને મિલકત જપ્ત કરવાના કાયદાની વાતો. 2025માં ક્લાસ-3 કર્મચારીઓને પણ મિલકતની જાહેરાત કરવી પડે તેવો નિયમ લાવ્યો. ACBએ 194 કેસ નોંધ્યા અને 277 આરોપીઓને પકડ્યા છે પરંતુ આ તો માત્ર રાઈના દાણા બરાબર છે. મોટા કૌભાંડો જમીન ફાળવણી, ગેમઝોન કાંડ, કલેક્ટરોના જમ્મીનોના કૌભાંડો જેવી ઘટનાઓમાં વહીવટી નિષ્ક્રિયતા સરકારની નિષ્ફળતા દર્શાવે છે. વિપક્ષના આરોપ છે કે સરકાર માત્ર જુનિયર અધિકારીઓ પર કાર્યવાહી કરીને સિનિયરોને બચાવે છે.
હાલ તો સરકારની ઇચ્છાશક્તિનો અભાવ સ્પષ્ટ જણાઈ રહ્યો છે. જાહેરાતો તો મોટી થાયછે પરંતુ અમલમાં શું? નિયમો સરળ બનાવવાની વાત છે પરંતુ કચેરીઓમાં લાંચ વિના ફાઇલ આગળ વધતી નથી. કેન્દ્રીય કચેરીઓમાં પણ આ જ સ્થિતિ છે જ્યાં નાગરિકોની ઉઘાડી લૂંટ ચાલે છે. આ માટે નૈતિક જવાબદારી કોણ લેશે? મુખ્યમંત્રી? વિભાગીય મંત્રીઓ? કે આખી સરકાર?

જો સરકાર સમયસર ન જાગે તો આ ભ્રષ્ટાચારનું જાળું વધુ મજબૂત બનશે. જનતાનો વિશ્વાસ ખતમ થશે અને પસ્તાવાનો વારો આવશે. ઇચ્છાશક્તિ માત્ર દેખાડો રહી અને કડક અમલ નહીં થાય તો 'ગુજરાત મોડેલ' માત્ર નામનું રહી જશે. ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવા માટે ગુજરાત સરકારે હવે વાતો નહીં કાર્યવાહી જોઈએ એ ચોક્કસ કહેવું રહ્યું.

