- Opinion
- શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી નેતા તરીકે ઓળખ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં લોકપ્રિય છે. તેમની રાજકીય કારકિર્દી મતદારો સાથે સીધો સંપર્ક અને સામાજિક કાર્યો પર આધારિત છે.

કુંવરજીભાઈએ 1995, 1998, 2002, 2007 અને 2012માં જસદણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી. આ દરમિયાન તેઓએ પાંચ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા જેમાં કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને 23 બેઠકો જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી જેના કારણે તેઓ પ્રભાવશાળી નેતા તરીકે ઉભર્યા.

2018માં કુંવરજીભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ નિર્ણય રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને એમાં મુખ્ય ભૂમિકા વિજયભાઈ રૂપાણીની રહી હતી. 2019માં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે જસદણ બેઠક પરથી ઉપચૂંટણી જીતી અને 2022માં પણ વિજય મેળવ્યો. 2018થી તેઓ વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જળ સંપત્તિ, પશુપાલન, ગ્રામ્ય વિકાસ અને નાગરિક પુરવઠા જેવા ખાતાઓ સંભાળી રહ્યા છે.
કુંવરજીભાઈનો સ્વભાવ સૌજન્યશીલ, મિલનસાર અને લોકો સાથે જોડાયેલો છે. તેઓ લોકોની વચ્ચે રહીને કામ કરવાનું પસંદ કરે છે અને તેમની સરળતા તેમને લોકપ્રિય બનાવે છે. તેઓ ગ્રામીણ વિસ્તારોના મુદ્દાઓ, ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ પર ધ્યાન આપે છે. તેમની કાર્યશૈલી લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા અને સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય સ્તરે પહોંચાડવા પર કેન્દ્રિત છે. તેઓ સંગઠનાત્મક કૌશલ્ય અને કોળી સમાજના સામાજિક સંપર્કનો ઉપયોગ કરીને રાજકીય અને સામાજિક પ્રભાવ જાળવી રાખે છે.

આમ સરવૈયું જોઈએ તો કુંવરજીભાઈ બાવળિયા એક એવા નેતા છે જેમણે બંને મુખ્ય પક્ષોમાં પોતાની છાપ છોડી છે અને ગુજરાતના રાજકારણમાં સક્રિય રહીને લોકોની સેવા કરી રહ્યા છે.

