- Opinion
- કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવાની કોઈની હિંમત નથી થઈ
કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવાની કોઈની હિંમત નથી થઈ
ગુજરાતના રાજકારણમાં કેટલીક વ્યક્તિઓ એવી છે કે તેમની હાજરી જ તેમના કદને વ્યક્ત કરે છે. આવા જ એક અડીખમ વ્યક્તિત્વના માલિક છે પરસોત્તમ સોલંકી કોળી સમાજના કદાવર નેતા જેમની હિંમત અને વિશ્વસનીયતાને કારણે ગુજરાતના કોઈ પણ મુખ્યમત્રી એ તેમના મંત્રીમંડળમાંથી બાદ કરવાની હિંમત કરી નથી. મુખ્યમંત્રીઓ બદલાયા, અનેક મંત્રીઓ આવ્યાગયા પરંતુ સોલંકીનું નામ આજે પણ મંત્રીમંડળમાં યથાવત્ છે. આ માત્ર એક સંયોગ નથી પરંતુ તેમના અથાક પ્રયાસો, સમાજસેવા અને ભાજપ પ્રત્યેની અખૂટ નિષ્ઠાનું પરિણામ છે.

પરસોત્તમ સોલંકીનો જન્મ કોળી પરિવારમાં થયો. કોળી સમાજ જે ગુજરાતની સૌથી મોટી વોટબેંક છે. તેમના માટે કોળી સમાજ માત્ર એક સમુદાય નથી પરંતુ સમાજસેવાનો આધાર છે. તેમણે યુવાવસ્થાથી જ સમાજસેવાનો માર્ગ અપનાવ્યો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને માછીમારી પર આધારિત કોળી સમાજના લોકો માટે તેમણે પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે અનેક આંદોલનો ચલાવ્યા. તેમના પ્રયાસોથી ગ્રામીણ વિસ્તારોમાં ઇરિગેશન પ્રોજેક્ટ્સ અને માછીમારી કો-ઓપરેટિવ સોસાયટીઓનું વિસ્તરણ થયું જેનાથી હજારો કુટુંબોને આર્થિક આધાર મળ્યો. સમાજસેવક તરીકે તેમનું વ્યક્તિત્વ એવું છે કે તેઓ હંમેશા ખડા પગે હાજર રહે છે ભલે તે સમાજના અધિકારો માટે હોય કે ગરીબોની મદદ માટે. તેમના પરિવારમાં પણ આ ભાવના કેળવાઈ છે; ભાઈ હીરા સોલંકી પણ રાજકારણમાં સક્રિય છે અને કોળી સમાજના પ્રશ્નોના સમાધાન માટે હાર હંમેશ ખડેપગ હાજર હોય છે.
22.jpg)
રાજકીય ક્ષેત્રે પ્રવેશતાં પરસોત્તમ સોલંકીએ ૧૯૯૮થી ભાજપની ટિકિટ પર ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય તરીકે જીત મેળવી. તેમણે કોંગ્રેસના મજબૂત દાગીના રેવતસિંહ ગોહિલને હરાવીને પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી તેમને સ્ટાર પ્રચારક તરીકે મતવિસ્તારોમાં મોકલવામાં આવતા જે તેમની વ્યાપક પ્રભાવી પહોંચ દર્શાવે છે. અનેક સરકારોમાં મંત્રી તરીકે તેમણે કાર્ય કર્યું. તેમની કાર્યશૈલીમાં સેવાનો ગુણ જોવા મળે છે. નશા મુક્તિ અભિયાનોમાં તેમણે કોળી યુવાનોને માર્ગદર્શન આપ્યું અને અનેક કુટુંબોને બચાવ્યા.

ભાજપ માટે પરસોત્તમ સોલંકી એક મજબૂત વિશ્વાસુ નેતૃત્વ છે. કોળી સમાજના ૨૩ ટકા મતો પર તેમની પકડ એ પાર્ટી માટે દીવાદાંડી જેવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. ૨૦૨૨ની ચૂંટણીમાં તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી તરીકે કાર્યરત રહી પાર્ટીની વોટબેંકને મજબૂત કરી. આજે ૨૦૨૫માં પણ મંત્રીમંડળ વિસ્તરણમાં તેમને જગ્યા આપીને ભાજપે તેમના કદને સ્વીકાર્યું છે. તેમની નિષ્ઠા અને કાર્યક્ષમતા પાર્ટીને નિર્ણાયક સમયે સમર્થન આપે છે. પરસોત્તમ સોલંકી જેવા નેતા માટે રાજકારણ માત્ર સત્તાની રાજરમત નથી પરંતુ સેવાનું માધ્યમ છે.

