- Opinion
- આંદોલનો થયા, સરકાર માટે પ્રશ્નો ઊભા થયા પણ વિકાસના કાર્યો થતા રહ્યા અને ગુજરાત ભાજપ જીતતું રહ્યું
આંદોલનો થયા, સરકાર માટે પ્રશ્નો ઊભા થયા પણ વિકાસના કાર્યો થતા રહ્યા અને ગુજરાત ભાજપ જીતતું રહ્યું
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાત ભારતનું એક અગ્રણી રાજ્ય, રાજકીય સ્થિરતા અને વિકાસના ક્ષેત્રે એક આદર્શ અને અનુકરણીય ઉદાહરણ બની રહ્યું છે. ભાજપની ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી ચાલી રહેલી શાસન વ્યવસ્થા આજે પણ પૂર્ણ બહુમતીથી સરકાર ચલાવે છે. વિવિધ સામાજિક આંદોલનો, આકસ્મિક ઘટનાઓ અને રાજકીય વિવાદો વચ્ચે પણ ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. આ સફળતાનું મૂળ ભાજપના વિકાસલક્ષી મોડલ અને રાજકીય સ્થિરતાના સંતુલનમાં રહેલું છે.

ગુજરાતનું ભાજપ મોડલ વિકાસની દ્રષ્ટિએ એક આગવું ઉદાહરણ છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે જે નજર સમક્ષ છે. ગુજરાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત’ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો દ્વારા રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. આના પરિણામે રાજ્યમાં રોજગારની તકો વધી અને આર્થિક વિકાસનો નવો મારાગ ખુલ્યો. ગુજરાતનું આ મોડલ ખાસ કરીને ઉદ્યોગકારો અને યુવા વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જેમણે ભાજપની નીતિઓમાં પોતાના ભવિષ્યની સુરક્ષા જોઈ.

ભાજપની સફળતાનું એક મહત્વનું પાસું એટલે સ્થાનિક જરૂરિયાતોને સમજીને નીતિઓ ઘડવી. ગુજરાતની ભૌગોલિક અને સામાજિક વિવિધતાને ધ્યાનમાં રાખીને ભાજપે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના વિકાસ માટે સંતુલિત અભિગમ અપનાવ્યો. ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ, ખેતી અને ગ્રામ વિકાસની યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું જ્યારે શહેરી વિસ્તારોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું. આ બંનેના સમન્વયથી ગુજરાતે એક સમૃદ્ધ રાજ્ય તરીકેની ઓળખ બનાવી.
આંદોલનો અને વિવાદો ગુજરાતના રાજકીય ઈતિહાસનો હિસ્સો રહ્યા છે. પટેલ આંદોલન, દલિત આંદોલન કે અન્ય સામાજિક ઉથલપાથલ હોવા છતાં ભાજપે જનતાનો વિશ્વાસ જાળવી રાખ્યો. આનું કારણ એ છે કે ભાજપે આવા પડકારોનો સામનો કરવા માટે સંવાદ, સમાધાન અને સુધારણાનો માર્ગ અપનાવ્યો. સરકારે વિવિધ સમુદાયોની ચિંતાઓને સાંભળી અને તેના નિરાકરણ માટે નીતિઓ ઘડી જેનાથી જનતાનો વિશ્વાસ વધ્યો.

યુવા વર્ગ ભાજપના વિકાસલક્ષી એજન્ડાને આવકારે છે કારણ કે તેમાં નોકરીની તકો, શિક્ષણની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને આઈટીઆઈ જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને કૌશલ્ય વિકાસની તકો મળી રહી છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી નીતિઓએ યુવાનોમાં નવો ઉત્સાહ પૂર્યો છે.
ગુજરાત ભાજપનું મોડલ માત્ર રાજ્ય પૂરતું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં રહ્યું છે. આ મોડલની સફળતા એ વાતનો પુરાવો છે કે વિકાસ અને રાજકીય સ્થિરતા એકબીજાને પૂરક બની શકે છે. ગુજરાતની જનતાએ આ મોડલને વારંવાર મતો દ્વારા સમર્થન આપ્યું છે જે ભાજપની નીતિઓ અને દૂરદર્શી નેતૃત્વની જીત કહી શકાય.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

