- Opinion
- દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!
દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતી ભજન...
મહેલોનાં વાસી ગરીબી શું જાણે,
દુખીયાના દુઃખને સુખીયા શું જાણે...
પંક્તિઓ વિચારતો કરી ગઈ!!
ગુજરાતના ખેડૂત પરિવારનું લોહી મારી રગમાં વહે અને લોકસાહિત્યનો થોડો રસિયો પણ ખરો એટલે હળવાશની પળોમાં ગુજરાતી ભજનોની મોજ લેવાની મને વ્યક્તિગત આદત.
આ ભજનની પંક્તિમાં ઘણા વિષયો સમાયેલા છે જેમાંથી એક પંક્તિ "દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!" થોડા વિચારોના વમળમાં લઈ ગઈ.
દુઃખ સૌના જીવનમાં આવે અને જાય. પણ જ્યારે જેના જીવનમાં સુખનો સમય ચાલતો હોય ત્યારે તેઓ દુખિયાનું દુઃખ સમજવાથી દૂર ભાગે છે!! અહીં સમજણ કેળવવાની જરૂર મને જણાય છે. જો દુખિયાનું દુઃખ સમજી લઈએ અને અનુભવી લઈએ તો આપણું થોડું સુખ વહેચવાનો આનંદ કેમ ના લેવાય?
આપણે સૌ એક માથું, બે હાથ અને બે પગના માનવી આકાશને ક્યારેય બાથ ભીડી આખું આકાશ પોતાનું કરી શકવાના નથી એવુ જ સુખ દુઃખનું છે, સુખ ક્યારેય તમે પોતાનું કરી શકવાના નથી અને દુઃખ પણ ક્યારેય તમને પકડી રાખવાનું નથી તો પછી સમય અને સંજોગોને સમજીને જો માનવ એકબીજાનો હાથ થામે તો સુખ દુઃખ વહેંચાય જશે અને જીવન જીવવાની મોજ આવી જશે. ખરું કે ખોટું? મોટેભાગે સૌને ખરું લાગ્યું હશે પણ કોઈ કરવામાટે તૈયાર નહીં થાય. બસ આજ આપણી વિટંબણા છે. અહીજ સમાજમાં દુખિયો એકલો પડીજાય છે અને સુખિયો સ્વાર્થી જણાય આવે છે. સુખ સંપદા થોડું વહેંચવાથી થોડી ઘટ આવશે પણ સાવ ઘટી નથી પડવાનું. કોઈકનું દુઃખ ઘટાડવાથી ધન સંપદાની ઘટ સામે પુણ્યનું ભાથું વધશે મારા રામ. ધન સંપદા સાથે નહીં આવે પણ કરેલું પુણ્યનું ભાથું યમ જ્યારે લઈ જશે અને કાયા જ્યારે છૂટી જશે ત્યારે સાથે આવશે.
અગત્યનું:
જીવનમાં જ્યારે આપનો સુખનો સમય ચાલતો હોય ત્યારે દુખિયાને સાથ આપી થોડું પુણ્ય જરૂર કમાજો, આવતા ભવે કામ લાગશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

