- Opinion
- ગુજરાતની રાજનીતિમાં પાટીદાર યુવા નેતૃત્વનો અભાવ કેમ?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર યુવા નેતૃત્વનો અભાવ કેમ?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું યોગદાન ઐતિહાસિક રહ્યું છે. પાટીદારો ખાસ કરીને લેઉવા અને કડવા પટેલો ગુજરાતના સામાજિક, આર્થિક અને રાજકીય ફલક પર પ્રભાવશાળી રહ્યા છે. જોકે આજના સમયમાં પાટીદાર યુવા નેતૃત્વનો અભાવ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. 2015ના પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલા યુવા નેતાઓ જેમ કે હાર્દિક પટેલ, વરુણ પટેલ અને અન્ય યુવાનો આજે રાજકીય અને સામાજિક મોરચે નિષ્ક્રિય કે મૌન દેખાય છે. આ પરિસ્થિતિનાં મૂળમાં અનેક કારણો રહેલાં છે જેનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
પાટીદાર આંદોલન અને યુવા નેતૃત્વનો ઉદય:
2015માં પાટીદાર અનામત આંદોલન ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી. હાર્દિક પટેલના નેતૃત્વમાં શરૂ થયેલું આ આંદોલન ઓબીસીનો દરજ્જો મેળવવા અને આર્થિક-સામાજિક ન્યાયની માગણી માટે હતું. આ આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, વરુણ પટેલ, અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલિયા જેવા યુવાનો ચર્ચામાં આવ્યા. આ યુવાનોએ ગુજરાતના રાજકીય નકશા પર પોતાની છાપ છોડી પરંતુ આજે ગોપાલ ઇટાલિયાને બાદ કરતા સૌની નિષ્ક્રિયતા અથવા મૌન એક પ્રશ્ન ઉભો કરે છે.

યુવા નેતૃત્વના મૌનનાં કારણો:
1. પાટીદાર આંદોલન દરમિયાન યુવા નેતાઓ એક સામાજિક ચળવળનો ભાગ હતા પરંતુ આંદોલન પછી તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓએ તેમને વિવિધ રાજકીય પક્ષો તરફ દોરી ગયા. હાર્દિક પટેલે કોંગ્રેસ અને પછી ભાજપમાં જોડાવવું, વરુણ પટેલ નૂંપન ભાજપ માં શામેલ થવું, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા અને અન્ય નેતાઓ પણ અલગ-અલગ રાજકીય દિશાઓમાં વહેંચાઈ ગયા. આ વિભાજનથી પાટીદાર યુવા નેતૃત્વની એકતા ખંડિત થઈ જેના કારણે સમાજના હિત માટે એકીકૃત પ્રયાસો નબળા પડ્યા.
2. પાટીદાર આંદોલન દરમિયાન અનેક યુવા નેતાઓ પર રાજદ્રોહ, હિંસા અને અન્ય ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયા. હાર્દિક પટેલ સહિત અન્ય નેતાઓએ જેલવાસ અને કાનૂની લડાઈનો સામનો કરવો પડ્યો. આવા દબાણોએ યુવા નેતાઓની આગળ વધવાની હિંમત અને ઉત્સાહને અંશતઃ નબળો પાડ્યો હશે.
3. આંદોલન પછી પાટીદાર સમાજના મોટા ભાગના લોકો રાજકીય રીતે નિષ્ક્રિય બન્યા અથવા રાજકીય પક્ષોના પ્રભાવ હેઠળ આવ્યા. આના કારણે યુવા નેતાઓને સમાજનો સાથ અને પ્રોત્સાહન ઓછું મળ્યું જેનાથી તેમનું મનોબળ ઘટ્યું.
4. આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત હતો પરંતુ તેના પછી યુવા નેતાઓએ સ્પષ્ટ રાજકીય કે સામાજિક દિશા નક્કી ન કરી. આ વૈચારિક અસ્પષ્ટતાએ તેમની નેતૃત્વ શક્તિને નબળી પાડી.

યુવા નેતૃત્વની આવશ્યકતા:
પાટીદાર સમાજ ગુજરાતની રાજનીતિમાં 70થી વધુ વિધાનસભા બેઠકો પર પ્રભાવ ધરાવે છે. આવા સમયે યુવા નેતૃત્વની જરૂરિયાત અનિવાર્ય છે. યુવાનોની ઊર્જા, નવા વિચારો અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેની સંવેદનશીલતા સમાજને નવી દિશા આપી શકે છે. હાલના સમયમાં બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પર યુવા નેતૃત્વ એક મજબૂત અવાજ બની શકે. ખોડલધામ જેવી સંસ્થાઓ અને નરેશ પટેલ જેવા આગેવાનો યુવાનોને પ્રોત્સાહન આપી શકે પરંતુ યુવા નેતાઓએ પોતે પણ આગળ આવવું જરૂરી છે.
પાટીદાર યુવા નેતૃત્વને પુનર્જન્મ આપવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂર છે. યુવાનોએ રાજકીય પક્ષોની મર્યાદાઓથી ઉપર ઊઠીને સમાજના હિત માટે કામ કરવું જોઈએ. સામાજિક સંસ્થાઓ જેવી કે ખોડલધામ અને ઉમિયાધામ યુવાનોને એક મંચ પૂરું પાડી શકે. શિક્ષણ, નોકરી અને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર યુવાનોની સક્રિય ભાગીદારીથી પાટીદાર સમાજ ફરી એકવાર રાજકીય રીતે સશક્ત બની શકે. યુવા નેતાઓએ સંકોચ છોડી નવી દિશામાં આગળ વધવું જોઈએ જેથી પાટીદાર સમાજની શક્તિ રાજ્યના રાજકારણમાં ફરી ઉજાગર થાય.

આ રીતે પાટીદાર યુવા નેતૃત્વનો અભાવ એક ચિંતાનો વિષય છે પરંતુ યોગ્ય દિશા, સંગઠન અને સમાજના સમર્થનથી આ ખામી દૂર થઈ શકે છે. યુવાનોની ધગશ અને નવા વિચારો ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય લખી શકે છે.

