- Politics
- કર્ણાટક કોંગ્રેસમાં ફરી ઘમાસાણ? દિલ્હી પહોંચ્યા શિવકુમાર સમર્થક ધારાસભ્ય; CM બદલવાની માગ
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ઘમાસાણ? દિલ્હી પહોંચ્યા શિવકુમાર સમર્થક ધારાસભ્ય; CM બદલવાની માગ
કર્ણાટકના રાજકારણમાં બધુ બરાબર નથી. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક કલેશ હવે ખુલીને સામે આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના જૂથના 10 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જેના કારણે રાજ્યમાં પાવર શેરિંગ ફોર્મ્યૂલા લાગૂ કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ પર દબાણ વધી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે અઢી વર્ષ પૂર્ણ કર્યા છે. તેનાથી ફરી એકવાર મુખ્યમંત્રી પદના રોટેશનની માગણી જોરશોરથી સામે આવી છે. ડી.કે. શિવકુમારના નજીકના માનવામાં આવતા તમામ ધારાસભ્યો ગુરુવારે બપોરે દિલ્હી પહોંચ્યા હતા અને પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેને મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી.કે. શિવકુમારના જૂથનો દાવો છે કે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાના કારણે સત્તા વહેંચણી કરારનું સન્માન કરવું જોઈએ અને તાત્કાલિક અમલ થવો જોઈએ.
જાણકારોનું કહેવું છે કે શિવકુમારના જૂથના ધારાસભ્યોની એક જ માગ છે કે, અઢી વર્ષ અગાઉ અપાયેલા વચનનું સન્માન કરવામાં આવે. ઘણા શિવકુમાર સમર્થકો ઇચ્છે છે કે તેમના નેતા મુખ્યમંત્રી બને. મંત્રી એન. ચેલુવરાયસ્વામી, ધારાસભ્ય ઇકબાલ હુસૈન, એચ.સી. બાલકૃષ્ણ અને એસ.આર. શ્રીનિવાસ ગુરુવારે દિલ્હી જવા રવાના થયા હતા. તેમણે જણાવ્યું હતું કે શુક્રવારે વધુ 12 ધારાસભ્યો આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ લગભગ એક ડઝન MLCએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોંગ્રેસના મહાસચિવો સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 20 મે 2023ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ભારે રસાકસી જામી હતી. તે સમયે કોંગ્રેસ હાઇકમાન્ડે કોઈક રીતે શિવકુમારને મનાવી લીધા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. તે સમયે કેટલાક એવા અહેવાલો સામે આવ્યા હતા કે બંને નેતાઓ વચ્ચે રોટેશન ફોર્મ્યુલા પર કરાર પર સમજૂતી થઈ છે, જેના હેઠળ ડી.કે. શિવકુમાર અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બનશે, પરંતુ પાર્ટીએ ક્યારેય સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી.
જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે તેઓ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ લગભગ એક ડઝન વિધાનસભા પરિષદો (MLC)એ દિલ્હીમાં દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોંગ્રેસના મહાસચિવો સાથે મુલાકાત કરી હતી. ગુરુવારે ચામરાજનગરમાં એક સભાને સંબોધતા સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો કે તેઓ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સ્થિતિ શરૂઆતથી જ મજબૂત રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે.
બીજી તરફ, ડી.કે. શિવકુમારના ભાઈ અને પૂર્વ સાંસદ ડી.કે. સુરેશે કહ્યું કે સિદ્ધારમૈયાએ તેમના વચનોથી પાછળ હટવું ન જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શિવકુમારને આપેલા વચનને પૂર્ણ કરશે, ત્યારે સુરેશે કહ્યું કે, ‘મને આ બાબતે કોઈ માહિતી નથી.’

