આવો જાણીએ, ભાજપના એક એવા કાર્યકરને... જે રેંકડી ચલાવે છે અને ગમે તેટલી તકલીફો વચ્ચે પણ ચોખ્ખું જીવન જીવે છે

(ઉત્કર્ષ પટેલ)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ઈતિહાસ અને વિચારધારા રાષ્ટ્રસેવા અને સમાજસેવાના મજબૂત પાયા પર રચાયેલી છે. આ પાર્ટીના પીઢ કાર્યકર્તાઓએ પોતાનું જીવન રાષ્ટ્રના ઉત્થાન અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. રાજનીતિમાં વાદ-વિવાદ, આરોપ-પ્રત્યારોપ તો ચાલ્યા જ કરે પરંતુ આ બધાની વચ્ચે એવા કાર્યકર્તાઓ પણ છે જેઓ નિસ્વાર્થ ભાવે માત્ર રાષ્ટ્રભક્તિના ગુણથી પ્રેરાઈને કામ કરે છે. આવા જ એક પ્રેરણાદાયી કાર્યકર્તા છે ગુજરાતના સુરત શહેરના કિશોરભાઈ રામજી વાઘેલા જેઓ સાદગી, સંઘર્ષ અને સેવાનું જીવંત ઉદાહરણ છે.

સામાન્ય પરિવારથી રાષ્ટ્રસેવા સુધીની સફર: કિશોરભાઈ વાઘેલાનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો. નાનપણથી જ તેમની આસપાસ આર્થિક તંગી અને જીવનની અનેક ચિંતાઓ હતી પરંતુ તેમના હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને સમાજ માટે કંઈક કરવાની ઝંખના હંમેશા જાગતી રહી. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી અને યુવાનીના દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં જોડાયા. અહીંથી તેમની રાષ્ટ્રસેવાની સફર શરૂ થઈ. જ્યારે મોટાભાગના યુવાનો અભ્યાસ પૂરો કરીને નોકરી કે વેપારમાં લાગી જતા હોય છે ત્યારે કિશોરભાઈએ પોતાની યુવાની વિદ્યાર્થી આંદોલનો અને શૈક્ષણિક સુધારણાઓ માટે સમર્પિત કરી.

વિદ્યાર્થી પરિષદમાં તેમણે વર્ષો સુધી સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું. શિક્ષણના મુદ્દાઓ પર લડાઈ લડી યુવાનોને જાગૃત કર્યા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કર્યા. આ દરમિયાન તેમનું જીવન સાદું હતું પરંતુ તેમના વિચારો અને સંકલ્પ ઉચ્ચ હતા. રાષ્ટ્ર પ્રત્યેની આ ભાવનાએ તેમને ક્યારેય રોકાવા ન દીધા.

surat
Khabarchhe.com

ગૃહસ્થજીવન અને આર્થિક સંઘર્ષ: જ્યારે કિશોરભાઈએ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવાનું આવ્યું આ એક સ્વાભાવિક જવાબદારી હતી, જે તેમણે ખુશીથી સ્વીકારી. પરંતુ જીવનની વાસ્તવિકતા તેમની સામે પડકાર બનીને ઊભી રહી. નોકરી મેળવવામાં મોડું થયું અને વ્યવસાય શરૂ કરવા માટે પરિવારની આર્થિક સ્થિતિ પણ અનુકૂળ ન હતી. ઉપરથી યુવાનીમાં એક પગમાં ખેંચ આવવાને કારણે તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. દોડવાની વાત તો દૂર ચાલવામાં પણ તેઓ ધીમા પડી જતા.

આવા સંજોગોમાં કિશોરભાઈએ હિંમત હારી નહીં. તેમણે સ્વમાનને જાળવી રાખીને કોઈની સામે હાથ લંબાવ્યા વિના સુરત શહેરની કેપી કોમર્સ કોલેજની બહાર ચા અને વડાપાઉની નાની રેંકડી શરૂ કરી. આ રેંકડી આજે પણ ચાલે છે અને તેની આવકમાંથી જ તેમનું ઘર ચાલે છે. તેમણે બીજા નાના વેપારો કરવાના પ્રયાસો પણ કર્યા ખરા પરંતુ તેમાં તેમને ખાસ સફળતા ન મળી. જોકે, આ સંઘર્ષો વચ્ચે પણ તેમણે દીકરા દીકરીનો ઉછેર જે રીતે કર્યો છે તે ઉદાહરણરૂપ છે. તેમની દીકરીને સ્પોર્ટસમાં રસ એટલે તેને એ જ લાઇન અપાવી. તેણે પણ સખત મહેનત કરીને યોગમાં રાષ્ટ્રીય સ્તરે અને તીરંદાજીમાં રાજ્યના સ્તરે ચેમ્પિયન બનીને બતાવ્યું છે. રમત-ગમતમાં જ દીકરીએ ડિગ્રી લીધી છે. દીકરાને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ એટલે ઝૂઓલોજીમાં ગ્રેજ્યુએશન કરે છે. કિશોરભાઇએ માતા-પિતાની પણ પૂરી શ્રદ્ધા સાથે સેવા કરી છે.  પરંતુ આ બધા સંઘર્ષો વચ્ચે તેમણે પોતાની રાષ્ટ્રસેવાની ભાવના ક્યારેય ઓછી ન થવા દીધી.

રાષ્ટ્રસેવામાં અડગ પ્રતિબદ્ધતા: કિશોરભાઈનું જીવન એક તરફ આર્થિક સંઘર્ષોથી ભરેલું હતું તો બીજી તરફ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અદ્ભુત હતી. તેઓ રામજન્મભૂમિ આંદોલનમાં સક્રિય રહ્યા જે ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વનું પ્રકરણ છે. આ આંદોલન દરમિયાન તેમણે પોતાની શક્તિ અને સમય રાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે આપ્યાં. વિદ્યાર્થી પરિષદમાં તેમણે મહત્ત્વની જવાબદારીઓ નિભાવી અને યુવાનોને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કર્યા. વીર નર્મદ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર તરીકે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું અને ભાજપમાં સુરત શહેર શિક્ષણ સમિતિના સદસ્ય તરીકે પણ સેવા આપી.

આ દરમિયાન તેમણે પોતાની રેંકડીની નાની આવકમાંથી જ પોતાનું જીવન ચલાવ્યું અને રાષ્ટ્રસેવા માટે પ્રવાસો પણ કર્યા. તેમની આ અદમ્ય ભાવના દરેક માટે પ્રેરણાદાયી છે. જ્યારે આજના સમયમાં રાજનીતિમાં ઘણા લોકો કરોડોના બંગલાઓ અને ભવ્ય ગાડીઓમાં જીવન જીવે છે ત્યારે કિશોરભાઈ જેવા કાર્યકર્તાઓ સ્વચ્છ છબી અને બેદાગ જીવન સાથે રાષ્ટ્રસેવાનું ઉદાહરણ પૂરું પાડે છે.

bjp
business-standard.com

સાદગી અને સ્વચ્છતાનું પ્રતીક: આજે પણ આખાબોલા એવા કિશોરભાઈ વાઘેલા પોતાની રેંકડીની આવક પર આધાર રાખીને જીવે છે. તેઓ પોતાની બાઈક પર નીકળી પડે છે અને ભાજપ માટે કામ કરવામાં રાતદિવસ, તડકો-છાંયો, વરસાદ કે ઠંડી જોતા નથી. તેમનું જીવન એક એવું દીવાદાંડી છે જે બતાવે છે કે રાષ્ટ્રસેવા માટે મોટી સંપત્તિ કે સુવિધાઓની જરૂર નથી બસ નિષ્ઠા અને સમર્પણની જરૂર છે. કોઈને પણ રાષ્ટ્ર અને સંગઠન માટે રોકડું કહી દેવામાં કિશોરભાઈ ક્યારેય ખચકાતા નથી અને સત્તાના આધારે કોઈના પ્રભાવમાં પણ આવતા નથી. તેમની સાદગી અને સ્વચ્છતા એ ભાજપના મૂળ સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિક્ષા અને ભાજપની વિચારધારામાં રહેલું છે. તેમણે આજદિન સુધી પોતાનું વિઝિટિંગ કાર્ડ કે લેટરપેડ સુદ્ધાં છપાવ્યું નથી. આ છે તેમની સાદગીનું ઉદાહરણ. 

યુવા કાર્યકર્તાઓ માટે પ્રેરણા: ભાજપના આજના યુવા કાર્યકર્તાઓ માટે કિશોરભાઈ વાઘેલાનું જીવન એક માર્ગદર્શક પ્રકાશ છે. આજના યુગમાં જ્યાં રાજનીતિને ઘણીવાર સત્તા અને સંપત્તિ સાથે જોડી દેવામાં આવે છે ત્યાં કિશોરભાઈ બતાવે છે કે સાચી રાષ્ટ્રસેવા એ સ્વાર્થથી પર હોય છે. તેમનું જીવન યુવાનોને શીખવે છે કે સંઘર્ષો હોવા છતાં જો તમારી નિષ્ઠા અને સમર્પણ મજબૂત હોય તો તમે રાષ્ટ્રના કલ્યાણ માટે મહત્ત્વનું યોગદાન આપી શકો છો. કિશોરભાઈ એ ભાજપ ને યુવાન મંત્રી કે ધારાસભ્યો અને મજબૂત કાર્યકર્તાઓની આખી ફોજ આપી છે તે તો આપ એમને મળશો, સાંભળશો ત્યારેજ સમજી સકશો. 

આજના યુવા કાર્યકર્તાઓએ કિશોરભાઈ પાસેથી શીખવું જોઈએ કે રાજનીતિ એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી પરંતુ રાષ્ટ્રને સશક્ત બનાવવાનો માર્ગ છે. તેમની જેમ સાદગી અને સ્વચ્છતા અપનાવી, પોતાના કામ પ્રત્યે પ્રામાણિક રહીને યુવાનો ભાજપના મૂળ ધ્યેય  “રાષ્ટ્ર પ્રથમ” ને સાકાર કરી શકે છે.

કિશોરભાઈની રેંકડી: એક પ્રેરણાસ્થળ: જો તમે ભાજપના કાર્યકર્તા હોવ તો એકવાર સુરતની કેપી કોમર્સ કોલેજના ગેટ પાસે “નિધિ ફાસ્ટફૂડ” નામની રેંકડી પર જરૂર જજો. અહીં ચા ની ચુસ્કી લો, વડાપાઉ ખાઓ અને કિશોરભાઈ વાઘેલાના જીવન સંઘર્ષને સમજો. આ રેંકડી માત્ર એક નાનો વેપાર નથી પરંતુ રાષ્ટ્રસેવાની ભાવનાથી ચાલતું એક જીવન છે. જો તમે ભાજપના કાર્યકર્તા હશો તો અહીંથી તમને ગર્વની અનુભૂતિ થશે કે ભાજપમાં આવા કાર્યકર્તાઓ છે જેઓ પોતાના નાના સાધનો વડે મોટું યોગદાન આપે છે.

કિશોરભાઈ વાઘેલા એક એવું નામ છે જે રાષ્ટ્રભાવ, સંઘર્ષ અને સેવાનું પર્યાય બની ગયું છે. તેમનું જીવન દરેક ભાજપ કાર્યકર્તા માટે એક પાઠ છે કે રાષ્ટ્રસેવા માટે નાનું કે મોટું હોવું મહત્ત્વનું નથી. મહત્ત્વનું છે સમર્પણ અને નિષ્ઠા. 

(આ વિચારો લેખકના અંગત મંતવ્યો છે)

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.