- Politics
- પ્રશાંત કિશોરની મોટી જાહેરાત- આગામી 5 વર્ષની 90% કમાણી અને બધી સંપત્તિ ‘જન સૂરાજ’ને કરશે દાન
પ્રશાંત કિશોરની મોટી જાહેરાત- આગામી 5 વર્ષની 90% કમાણી અને બધી સંપત્તિ ‘જન સૂરાજ’ને કરશે દાન
ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર (PK)એ તેમની પાર્ટી, જન સૂરાજ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી 5 વર્ષ સુધી પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો જન સૂરાજને દાન કરશે. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષમાં મેળવેલી બધી સંપત્તિ, તેમાં ઘર છોડીને બાકી બધુ જન સૂરાજ અભિયાનને દાન કરશે.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓ મહાત્મા ગાંધીની પ્રેરણાથી ફરી એક વખત આ અભિયાન શરૂ કરશે. તેમણે 15 જાન્યુઆરીની તારીખ જણાવતા કહ્યું કે આ દિવસે બિહારના તમામ 118,000 વોર્ડની મુલાકાત લેવાની અને ‘બિહાર નવનિર્માણ સંકલ્પ અભિયાન’ હેઠળ લોકો સાથે સીધો સંવાદ કરશે.
PKએ ભાર મૂકીને કહ્યું કે, આ અભિયાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકો સાથે મળીને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરાવવા અને બિહારના વિકાસ માટે સામૂહિક સંકલ્પ તૈયાર કરવાનો છે. આ ત્યાગ અને મોટું દાન જન સૂરાજ અભિયાનની નાણાકીય નિર્ભરતાને મજબૂત કરવા અને તેને જન આધારિત આંદોલન બનાવવા તરફ એક મોટું પગલું છે. મીડિયા સાથે વાત કરતા પ્રશાંત કિશોર કહ્યું કે, ઘણા લોકોને લાગી રહ્યું છે, પ્રશાંત કિશોર આવ્યા હતા, પૈસા-બૈસા લઈને,હવે તો 3-4 વર્ષ થઈ ગયા પૈસા કેટલા દિવસ ચલાવશે. છોડીને ભાગી જશે. તો હું તમને જણાવી દઉં કે, હું તમારી સામે, બિહારની જનતા સામે કમિટ કરી રહ્યો છુ કે આગામી 5 વર્ષ સુધી મેં એવો પણ સંકલ્પ લીધો છે, હું આગામી 5 વર્ષમાં જે પણ કમાણી કરીશ, તેના 90 ટકા જનસૂરાજ અભિયાન માટે દાન કરી રહ્યો છું. આટલું જ નહીં, છેલ્લા 20 વર્ષમાં મેં જે પણ સ્થાવર-જંગમ સંપત્તિ હાંસલ કરી છે, એક મારા પરિવાર માટે દિલ્હીમાં એક ઘર છોડીને બાકી બધી સંપત્તિ જન સૂરાજના આ અભિયાન માટે દાન કરી રહ્યો છું.
તેમણે કહ્યું કે, પૈસાના કારણે બિહારની ગરીબ જનતાની જે આશા છે, તેને બંધ નહીં થવા દઉં, પછી ભલે તેના માટે ગમે તે કરવું પડે. પૈસાના કારણે આ અભિયાન નહીં રોકાય. હું ફરીથી પુનરાવર્તિત કરું છુ કે, હું આગામી 5 વર્ષ સુધી જે કંઈ પણ મારી કમાણી હશે, તેની ઓછામાં ઓછી 90 ટકા જનસૂરાજના આ અભિયાનને ચલાવવા માટે દાન કરીશ. બીજું છેલ્લા 20 વર્ષમાં જે કંઈ પણ મેં કમાણી કરી છે, મારી જે અચલ સંપત્તિ છે તેમાં એક પોતાના પરિવાર માટે ઘર છોડીને બાકી બધુ જરૂરિયાત મુજબ જનસૂરાજને દાનમાં આપી દઇશ. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. પ્રશાંત કિશોરની જનસૂરાજનો વોટ શેર પણ 4 ટકાથી ઓછો રહ્યો છે.

